ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામના અજયસિંહ ધીરૂભાઈ મોરી નામના રાજપૂત યુવાને ભારતીય આર્મીમાં 19 વર્ષ સુધી દેશ માટે સેવા બજાવી નિવૃત થતા આ યુવાન પોતાના ગામ દેવળી માદરે વતન પરત આવ્યા હતાં. આર્મીમાં 19 વર્ષ ફરજ બજાવી પરત ફરેલા ફોજી યુવાનનું ગામલોકો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. દેવળી સમસ્ત ગામ તેમજ તાલુકાના યુવાનોએ કોડીનાર વેરાવલ બાયપાસ પરથી વિશાળ બાઇક રેલી યોજી અને ડી.જે.માં રાષ્ટ્રભક્તિનાં ગીતો સાથે ફોજીનું સન્માન સાથે સ્વાગત કરાયું. કોડીનાર બાયપાસથી દેવળી ગામ સુધી 10 કિમી લાંબી બાઇક રેલી યોજી ફોજીને દેવલી ગામ લાવ્યા હતા અને ગામના ઝાપા મા તેમને સમસ્ત ગામ અને સ્થાનિક નેતાઓ દ્વારા હારતોરા તેમજ શાલ ઓઢાવી મોમેંન્ટો આપી વધાવ્યા હતા.