ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનામાં મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાત: આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોકત વિધિવિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના સાથે પૂજન કર્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા માંથી લવાયેલ ગૌ માતાને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવાયો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા. મહાદેવને શુધ્ધોદક જલ, દૂધ,દહીં,સાકર, સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો. ત્યારે દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.