લોકસભા ચૂંટણીના રાજકોટ બેઠકના ઉમેદવાર ‘ખાસ-ખબર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે…
- Advertisement -
ખાસ-ખબર કાર્યાલયમાં પરસોતમભાઇ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાનું સ્વાગત
પરસોતમ રૂપાલાએ રાજકોટ વિશે અને રાષ્ટ્રીય બાબતો પર મોકળા મને ખાસ-ખબર સાથે ચર્ચા કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
આજરોજ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પરસોતમભાઈ રૂપાલા સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, મનીષભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ’ખાસ-ખબર’ના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ ડોડિયા અને એડિટર કિન્નરભાઈ આચાર્ય દ્વારા પરસોતમભાઈ રૂપાલાનું બૂકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ’ખાસ-ખબર’ સાથેની વાતચિત દરમિયાન પરસોતમભાઈ રૂપાલાએ વિવિધ પ્રશ્ર્નોના જવાબો પોતાની આગવી શૈલીમાં જણાવ્યા હતા. આ ઉપરાંત પરસોતમભાઇ રૂપાલાએ ખાસ-ખબર કાર્યાલયના સ્ટાફ તેમજ તેમની કાર્યશૈલીથી માહિતગાર થઇ અખબારની માહિતી મેળવી હતી. ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત દરમિયાન પરસોતમભાઇ રૂપાલાએ અખબારના લે-આઉટ અને સમાચારના વખાણ પણ કર્યા હતાં.
ખાસ-ખબરના તંત્રી કિન્નર આચાર્ય દ્વારા પરસોતમ રૂપાલાને બૂક અને બૂકેની ભેટ આપી હતી
પક્ષ-પ્રજાએ મુકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવાનો સંકલ્પ : પરસોતમ રૂપાલા
‘રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો અવસર મળવો એ મારું સૌભાગ્ય’
પરસોતમભાઈ રૂપાલાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, 2024 – લોકસભાની ચૂંટણી આઝાદીના અમૃતકાળની ચૂંટણી છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, આ અવસરે રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો મને મોકો મળ્યો છે એ મારું સૌભાગ્ય છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી ઉમેદવારી કરવા પાર્ટી એ મારી પસંદગી કરી તેને હું મારું સૌભાગ્ય સમજુ છું, રાજકોટ લોકસભા વિસ્તાર ગરિમામય વિસ્તાર છે તેના વધુ વિકાસ માટે મારા સતત પ્રયત્નો રહેશે.
‘સામાન્ય માનવી માટે ઉપલબ્ધ બની સમગ્ર સૌરાષ્ટ્રના વિષયોનો પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન રહેશે’
પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર – કેન્દ્ર સરકારમાં બહોળા અનુભવ તેમજ ત્રીજી ટર્મમાં ક્ષમતાને પારખીને પ્રજા-પક્ષ મૂકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન રહેશે. રાજકોટ સાથે મારો આત્મીય સંબંધ રહ્યો છે, વતન કે વર્તમાન નિવાસસ્થાનથી રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રશ્ર્નોનું નિરાકરણ શક્ય નથી. લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા પછી મારું નિવાસસ્થાન રાજકોટમાં રાખીશ અને લોકસેવા માટે કાર્યાલય પણ ખોલીશ. સાધારણ માનવીને પણ આસાનીથી ઉપલબ્ધ બનાવની કોશિશ કરીશ. ફક્ત રાજકોટ લોકસભા જ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વિષયોને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન રહેશે.
ભાજપમાં રશ છે, કોંગ્રેસમાં સર્ચ છે
રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર ન થવા પાછળ ઘણા કારણ…
રાજકોટ લોકસભા બેઠક પરથી હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવાર નામ જાહેર કર્યું નથી એવું કહેતા જ પરસોતમભાઈ રૂપાલાએ પોતાના આગવા અંદાજ અને રમૂજ શૈલીમાં કહ્યું હતું કે, ભાજપમાં રશ છે અને કોંગ્રેસમાં સર્ચ છે. હજુ સુધી નામ જાહેર ન કરવા પાછળ ઘણા કારણ હોઈ શકે. એક તો હાલની રાજકીય પરિસ્થિતિ.. આજે બધા જ લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસયાત્રા સાથે જોડાઈ રહ્યા છે એટલે ક્યાંક વહેલું નામ જાહેર કરાયું નથી. બીજું એક એવેલ્યુશન કામ કરતું હોય છે. એમના વિચારો અને આયોજન કંઈક જુદા હશે. ત્રીજુ એ કે તેમનો વ્યૂ અલગ હોય પણ સાચો હોઈ શકે.
દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે, શક્તિ વંદનાનો વિરોધ અયોગ્ય; રાહુલ ગાંધીને કોઈએ મિસ બ્રિફ કર્યા હશે : રૂપાલા
રાહુલ ગાંધીના શક્તિ અંગેના નિવેદનને વખોડી કાઢતા પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ મામલે રાહુલ ગાંધીને કોઈએ મિસ બ્રિફ કર્યા હશે. આપણે ત્યાં શક્તિ ઉપાસનાનો વિષય છે. અહીં શક્તિના પર્વ ચાલે છે. નરેન્દ્રભાઈ મોદીથી કરોડો હિંદુઓ શક્તિની ઉપાસના-આરધના કરે એટલે તેનો વિરોધ કરવા શક્તિનો વિરોધ કરવો જોઈએ નહીં. રાજકીય વિરોધ પોલિટીકલ બાબત છે, ભાવનાત્મક બાબતનો વિરોધ નહોય. રાહુલ ગાંધીએ શક્તિ વંદનાનો વિરોધ કર્યો છે. આપણે ત્યાં ડિફેન્સમાં દીકરીઓ છે, ગત 26 જાન્યુઆરીએ દિલ્હીમાં દીકરીઓએ પરેડ લીડ કરી હતી. મિલિટરી પોસ્ટ પર મહિલાઓ છે. આજે દેશનું ગૌરવ મહિલાઓ વધારી રહી છે એવા સમયે શક્તિનો વિરોધ વ્યક્તિગત રીતે યોગ્ય જણાતો નથી.
સ્ટાર્ટઅપથી લઈ સ્પોર્ટ્સ સુધી યુવાઓ અગ્રેસર, યુવાનોમાં રહેલી શક્તિને ખીલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું
નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એવું જણાવતાં પરસોતમભાઈ રૂપાલાએ કહ્યું હતું કે, ભારતમાં 2014માં એક હજાર જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત હતા જ્યારે આજે મેક ઇનઇન્ડિયાને ઉજાગર કરતા એક લાખથી વધુ સ્ટાર્ટ અપ ભારતમાં છે જેને પગલે રોજગારીની વધુ તકો ઉભી થઇ છે અને યુવાનોને રોજગારી મળી રહી છે. યુવાઓમાં અનેક શક્તિ રહેલી છે. સ્ટાર્ટઅપથી લઈ સ્પોર્ટ્સ સુધી યુવાઓ અગ્રેસર છે. યુવાનોમાં રહેલી શક્તિને ખીલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. પહેલા 50 વર્ષમાં વિવિધ રમતોમાં જેટલા મેડલ ન આવ્યા એટલા મેડલ છેલ્લા 5 વર્ષમાં વિવિધ સ્પર્ધાઓ જીતીને યુવાઓ લઈ આવ્યા છે.
એડિટોરિયલ અને કોમ્પ્યુટર વિભાગની મુલાકાત લઇ માહિતી મેળવતા પરસોતમ રૂપા