કલા, સાહિત્ય અને પત્રકારત્વના નવાં પ્રયાણમાં રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતની અગ્રેસર ભૂમિકા
રવિશંકર રાવલ : રવિશંકર રાવલ એટલે ગુજરાતના કલાગુરુ. તેઓ આજેપણ એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક તરીકે ખ્યાતનામ છે પરંતુ તેમની ખરી ઓળખ તો એક તંત્રી, સંપાદક, લેખક, પત્રકાર, નિબંધકાર તરીકે વધુ આપવી પડે. કારણ કે, જેવી રીતે ગુજરાતની નવી પેઢીના અનેક ચિત્રકારો, શિલ્પકારોના ઘડતરમાં રવિશંકર રાવલનો પ્રત્યક્ષ ફાળો રહેલો છે તેવી રીતે ગુજરાતની નવી પેઢીના લેખકો, કવિઓ, વાર્તાકારો, પત્રકારોના ઘડતરમાં પણ રવિશંકર રાવલનો સવિશેષ ફાળો રહેલો છે. રવિશંકર રાવલ સૌ પ્રથમ એક લેખક, પત્રકાર અને તંત્રી હતા પછી બીજું બધું હતા. અફસોસ..
ઘણાને ખબર નથી કે, રવિશંકર રાવલ માત્ર એક અવ્વલ દરજ્જાના ચિત્રકાર જ નહીં, એક અવ્વલ દરજ્જાના તંત્રી ઉપરાંત લેખક – પત્રકાર પણ હતા. અન્ય એક દુ:ખદ બાબત એ છે કે, ઈતિહાસના પાનાંથી લઈ ગૂગલના પેઈજ પર જ્યાં જૂઓ ત્યાં રવિશંકર રાવલની અટક ’રાવલ’ની જગ્યાએ ’રાવળ’ લખવામાં આવી છે. તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા અને તેમના અટકની સાચી જોડણી ’રાવલ’ છે, નહીં કે ’રાવળ’. આજ સુધી તેમના અટકની સાચી જોડણી લખવાનું કોઈ ભાષાવિદ્દને સૂજયું નથી!
- Advertisement -
ર.મ.રા. – રવિશંકર મહાશંકર રાવલે 1917માં કલા-વિષયક પત્રકારત્વ શરૂ કર્યું હતું. તેમનો સૌ પ્રથમ લેખ વડોદરાથી મટુભાઈ કાંટાવાળાના તંત્રીપણા હેઠળ પ્રસિદ્ધ થતા સાહિત્ય માસિકમાં સપ્ટેમ્બર, 1917ના અંકમાં કલાની કદર નામથી છપાયો હતો. વીસમી સદી માસિકના તંત્રી હાજી મહમ્મદ અલારખિયાના પરિચયમાં આવ્યા બાદ રવિશંકર રાવલને કુમાર શરૂ કરવાની પ્રેરણા મળી હતી અને તેમણે હાજી મહમ્મદ અલારખિયાના વીસમી સદી તેમજ રામાનંદ ચેટર્જીના ધ મોડર્ન રિવ્યૂ સામયિકને આદર્શ ગણી 1924માં અમદાવાદથી કુમાર માસિક બહાર પાડ્યું હતું. યુવાવયે રવિશંકર રાવલ કુમારના સ્થાપક અને પ્રથમ તંત્રી બની ચૂક્યા હતા. રવિશંકર રાવલે પોતાના તંત્રી સ્થાનેથી કુમારને ગુજરાતી ભાષાનું સર્વોત્તમ માસિક બનાવવામાં કોઈ કસર છોડી નહતી, તેમાં તેઓ સફળ પણ થયા હતા.
કુમારના આદ્યતંત્રી રવિશંકર રાવલે કુમાર ઉપરાંત અન્ય સામયિકોમાં કલા વિષયક અનેક લેખો લખ્યા છે. તેમણે કલા વિશેના સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે, પ્રવાસ વર્ણનો લખ્યા છે, આત્મકથા લખી છે અને ચિત્રકલા અંગેના પુસ્તકો અને આલ્બમો તૈયાર કર્યા છે. લેખક, પત્રકાર અને તેથી વિશેષ તંત્રી, સંપાદક રવિશંકર રાવલે પીંછી સાથે કલમ પણ બખૂબી ચલાવી જાણી છે. રવિશંકર રાવલના કલા, સાહિત્ય, પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધનીય કાર્ય બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રી સહિત અનેક એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની ઓળખ માત્ર દુકાનોના પાટિયા લખતા-દોરતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનું પુન:પ્રતિષ્ઠાન કરવાનું શ્રેય રવિશંકર રાવલને ફાળે જાય છે.
- Advertisement -
એ જ પ્રકારે નવાસવા લખવૈયાને ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વજગતમાં લેખક, કવિ, વાર્તાકાર, ચિત્રકાર કે પત્રકાર તરીકે પ્રસ્થાપિત કરવાનો યશ પણ રવિશંકર રાવલના કુમાર માસિકના ફાળે જાય છે. રવિશંકર રાવલનું માસિક કુમાર અનેક યુવા લેખકો, પત્રકારો, કવિઓ, ચિત્રકારોની ઊગતી પ્રતિભાને ખીલવવાનું માધ્યમ બની ચૂક્યું હતું જેમાં નિમિત્ત બન્યા હતા બચુભાઈ રાવત. રવિશંકર રાવલ બાદ તેમના મિત્ર બચુભાઈ રાવત કુમારના તંત્રી બન્યા હતા.
કુમાર : ગુજરાતી સાહિત્ય – પત્રકારત્વનું માતબર માસિક
સંસ્કારલક્ષી વાંચનસામગ્રીથી કુમારનું પ્રકાશન અંક દર અંક ગણનાપાત્ર બનતું ગયું હતું
રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક મહાશોધનિબંધનો વિષય
બચુભાઈ રાવત : ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક એટલે બચુભાઈ રાવત. બચુભાઈ રાવત અને રવિશંકર રાવલ યુવાનીના સમયથી મિત્રો હતા અને કુમાર માસિકની શરૂઆતથી સાથે જોડાયેલા હતા. રવિશંકર રાવલ ગુજરાતના કિશોરો-યુવાનો માટે એક સામયિક શરૂ કરવા માંગતા હતા, એ સમયમાં કિશોરો-યુવાનો માટેનું ખાસ કોઈ સામયિક નહતું. રવિશંકર રાવલના એક મિત્ર મસ્તરામ પંડ્યાના પરિચિત કિશોરો અનંત અને ઉપેન્દ્ર એ સમયમાં કુમાર નામનું એક હસ્તલિખિત ગૃહમાસિક ચલાવતા હતા. રવિશંકર રાવલને આ નામ ગમી ગયું અને જાન્યુઆરી, 1924માં કુમારનો જન્મ થયો. 1943માં રવિશંકર રાવલે કુમાર બંધ કરવાનો વિચાર કર્યો ત્યારે તેનું ‘કુમાર કાર્યાલય લિ.’માં રૂપાંતર થયું અને બચુભાઈ રાવત કુમારના નવા તંત્રી બન્યા. બચુભાઈ રાવતના સંચાલન હેઠળ સ્વચ્છ – સુઘડ મુદ્રણકલા, વૈવિધ્યસભર રજૂઆતના અવનવા પ્રયોગો તેમજ સંસ્કારલક્ષી વાંચનસામગ્રીથી કુમારનું પ્રકાશન અંક દર અંક ગણનાપાત્ર બનતું ગયું હતું.
બચુભાઈ રાવતનું મૂળ નામ ઉમેદસિંહ, ઘરમાં બધા ઉમેદસિંહને લાડથી બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનમાં નામ પડી ગયું – બચુભાઈ રાવત. જેમ રવિશંકર રાવલની અટક ક્યાય રાવળની જગ્યાએ રાવલ વાંચવા નહીં મળે તેમ બચુભાઈ રાવતનું નામ ક્યાય બચુભાઈની જગ્યાએ બચુ રાવત વાંચવા નહીં મળે! જોકે અપવાદ હોય શકે પરંતુ મોટેભાગે એક સદીથી બધું જૈસે થે જ ચાલ્યું આવ્યું છે. બચુભાઈ રાવતની વધુ વાત કરીએ તો, કુમાર માસિક સાથે જોડાયા અગાઉ બચુભાઈ રાવત હસ્તલિખિત માસિક જ્ઞાનાંજલિ, હસ્તલિખિત સાપ્તાહિક ધ્વનિ અને હસ્તલિખિત અનિયતકાલીન સામયિક નેપથ્યમાંથી ચલાવતા હતા. તેમણે 1920થી 1921 દરમિયાન સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યું, 1922થી 23 દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરના પ્રકાશન વિભાગમાં કામ કર્યું, 1930માં સાહિત્યની કાર્યશાળા બુધસભાની સ્થાપના કરી, 1924થી 1942 દરમિયાન કુમાર માસિકનું સંપાદન કાર્ય સંભાળ્યું, 1943થી 1980 સુધી કુમારનું તંત્રી પદ સંભાળ્યું. બચુભાઈ રાવત કુમાર માસિકના પ્રારંભથી 1980માં પોતાના મૃત્યુ સુધી, તેની સાથે જોડાયેલા રહ્યા હતા.
બચુભાઈ રાવત કુમારના તંત્રી, સંપાદક, ઉપરાંત લેખક – પત્રકાર હતા અને તેમને એક સારા વિવેચક પણ કહી શકાય. તેમણે ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા કલા અને કલા વિવેચનના નિબંધોનો સંગ્રહ લખ્યો છે. ગુજરાતી લિપી પર ગુજરાતી લિપિના નવા પરોઢના નિર્માણ પુસ્તક લખ્યું છે. હિંદીમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ લખ્યો છે. તેઓ છંદોબદ્ધ કવિતા લખવાના ખાસ આગ્રહી હતા, અને છંદ વગર કવિતાનું સર્જન શક્ય નથી તેવો સ્પષ્ટ મત ધરાવતા હતા. રવિશંકર રાવલની જેમ બચુભાઈ રાવતને પણ રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રી સહિત અનેક એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. વીસમી સદીના ગુજરાતી ભાષાના નામી-અનામી સર્જકોએ કુમારના તંત્રી બચુભાઈ રાવત વિશે ઘણું સારું-નરસું લખ્યું છે.
કુમાર : ગુજરાતી પત્રકારત્વની શરૂઆતથી લઈ આજ સુધીની એટલે કે બે સદીની ઐતિહાસિક યાત્રામાં ગુજરાતી સાહિત્ય – પત્રકારત્વનું માતબર સામયિક એટલે કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, રમતગમત અને અન્ય અનેક વિષયોને આવરી લેતું કુમાર. જાન્યુઆરી, 1924માં અમદાવાદથી શરૂ થયેલા કુમાર માસિકનું લવાજમ એક વર્ષનું છ રૂપિયા રાખવાનું અને દર માસની પૂનમે પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કુમારના તંત્રી તરીકે રવિશંકર રાવલનું નામ છપાતું હતું. આગળ જતા તેમના નામની સાથે જાન્યુઆરી, 1927થી બચુભાઈ રાવતનું નામ મુદ્રક-પ્રકાશક તરીકે છપાતું થયું હતું. બચુભાઈ રાવતનું નામ જાન્યુઆરી, 1934થી સંપાદક તરીકે છપાતું થયું હતું. જૂન, 1925માં કુમાર પ્રિન્ટરીની સ્થાપના થતા કુમારના અંકો તેની પોતાની જ પ્રિન્ટરીમાં છપાવવાના શરૂ થયા હતા. આ કુમાર પ્રિન્ટરીમાં કુમાર સિવાયનાં અન્ય પુસ્તકો અને માસિકો પણ છપાવવાના શરૂ થયા હતા જેનું મુખ્ય કારણ હતું, કુમાર પ્રિન્ટરીનું ક્ષતિરહિત મુદ્રણ-પ્રકાશન. કુમાર પોતાની સુસંસ્કૃત વાંચનસામગ્રી ઉપરાંત સુંદર મુદ્રણ-ચિત્રણ માટે જાણીતું બનેલું હતું. કુમાર માસિક સિવાય પુસ્તકોનું પ્રકાશન કરતું આવ્યું છે. કુમારમાં લખાયેલા શબ્દોની જોડણી ચોક્કસ ગણવામાં આવતી, કુમારમાં અનુસ્વારનો ઉપયોગ મહત્તમ કરવામાં આવતો, કુમાર તેના મરોડદાર ટાઈપબ્લોકથી બધાથી અલગ ઓળખાઈ આવતું. કોમ્પોઝ, બ્લોક મેકિંગ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ વગેરે તમામ કામગીરી કુમાર કાર્યાલયમાં જ થતી હતી. 1924થી 1980 સુધીના તમામ અંકોમાં કુમારનું ટાઈટલ અલગ-અલગ અક્ષરો-ફોન્ટમાં લખાયેલું જોવા મળે છે, આ મુજબની ઘટના ગુજરાતી પત્રકારત્વમાં એકમાત્ર છે. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં સૌપ્રથમ કુમારે પોતાના 1924થી 2004 સુધીના 1થી 924 અંકોને, અનુક્રમણિકા સાથે 17 સીડી રૂપે પ્રકટ કર્યા છે.
ગુજરાતમાં વીસમી સદીની શરૂઆતથી કલા, સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં જે નવાં પ્રયાણ થયાં તેમાં રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતના કુમાર માસિકની અગ્રેસર ભૂમિકા રહી છે. રવિશંકર રાવલ અને બચુભાઈ રાવતે માતબર સાહિત્યિક પત્રકારત્વ કોને કહેવાય એ કુમારના મુદ્રણ-પ્રકાશન દ્વારા દર્શાવ્યું છે. કુમાર માસિકના માધ્યમથી ગુજરાતની કેટલીયે પેઢીઓનું સંસ્કાર ઘડતર થતું આવ્યું છે. કુમારના પ્રથમ અંકમાં ’ગુજરાતની ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાલેખ સાથે જે ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું તે ચિત્ર આગળ જતાં કુમારનું પ્રતીકચિહ્ન બની રહ્યું હતું. શરૂઆતથી જ આવતીકાલના નાગરિકો માટેનું આજનું માસિક અને પૂરા પરિવારનું સર્વલક્ષી સુરુચિપૂર્ણ સામયિક જેવા મુદ્રાલેખ કુમારની આગવી ઓળખ બન્યા હતા. નવ દાયકા અગાઉ કુમાર કાર્યાલયમાં દર બુધવારે બુધસભાનું આયોજન થવાનું શરૂ થયું, જેણે કુમારને કવિઓનું ચહિતું-માનીતું બનાવ્યું હતું. કુમારની બુધસભામાં કવિઓને કાવ્યપઠન કરવાનો અવસર મળતો હતો. લઘુકથા, ધ્યાનકથા જેવા ગદ્ય સાહિત્યસ્વરૂપોને વિકસાવવામાં કુમારનો અનન્ય ફાળો છે. કુમાર તેના દિવાળી અંક અને અન્ય વિશેષાંકો માટે ઘણું જાણીતું છે. કુમાર સામયિક દ્વારા અપાતા કુમાર ચંદ્રકથી કોણ અજાણ હશે? કુમારમાં કલમ ચલાવી સરળતાથી પ્રતિષ્ઠિત સર્જક બનેલાઓના નામ જણાવવા અન્ય એક લેખવો પડે અને રવિશંકર રાવલ, બચુભાઈ રાવત અને કુમાર માસિક તો મહાશોધનિબંધનો વિષય છે.
વધારો : નવાનવા ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા એપ્રિલ, 1925માં કુમાર કેમેરા ક્લબની સ્થાપના કરવામાં આવી હતી, બળવંત ભટ્ટ, જગન મહેતા, પ્રાણલાલ પટેલ જેવા નામી તસવીરકારો કુમાર કેમેરા ક્લબની કુમાર કેમેરા ક્લબની દેન છે.