ડીજે વિથ ડાન્સ સાથે અબીલ-ગુલાલ, કાદવ-કીચડ અને ફીણથી લોકો રમ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
રાજકોટ શહેરમાં 15 જેટલા ખાનગી પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ધુળેટી પાર્ટીનું આયોજન કરાયું હતું. લોકો ડીજે વિથ ડાન્સ, રેઇન ડાન્સ, ફોર્મ ડાન્સ, તેમજ અબીલ ગુલાલના રંગે રંગાયા હતા. આ સાથે જ કાદવ-કીચડ અને ફીણ સાથે પણ લોકો ધુળેટી રમી મોજ લીધી હતી. ખાસ કરીને શહેરના વિખ્યાત રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ડીજેની કમી લોકો અનુભવતા હોવા છતાં ઢોલના તાલે ડાન્સ કરીને એકાબીજાને રંગથી રંગીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત રાજકોટમાં રાજકારણીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ પણ રંગોત્સવને ભરપુર આનંદ માણ્યો હતો.
રંગોના પર્વને લઈ રંગીલા રાજકોટીયનોએ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભારે આનંદ સાથે ઉજવણી કરી હતી. બાલભવનને બદલે આ વખતે કવિ રમેશ પારેખ રંગદર્શન હોલ પાસે ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં વિવિધ ગ્રુપમાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. જ્યાં ડીજેની વ્યવસ્થા ખૂટતી હોવાનો લોકોનો મત હોવાનું જણાવાયું હતું. આવતા વર્ષે મનપા દ્વારા ડીજે રાખવામાં આવે તેવી લોકોએ માગ પણ કરી હતી. છતાં પણ લોકોએ પર્વને ઉજવવામાં ઢોલનાં તાલે એકબીજા પર રંગો લગાવીને ભાવપૂર્વક રંગોત્સવ ઉજવ્યો હતો.
રાજકોટ શહેર પોલીસ કમિશનર સહીત અધિકારીઓ અને કર્મચારીઓએ રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરી હતી. શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ધુળેટી રમ્યા હતા. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હોળીના રંગે રંગાયા હતા. પોલીસ પરિવારનાં સભ્યોએ પણ ધુળેટી પર્વની ઉજવણી કરીને ખુશખુશાલ જોવા મળ્યા હતા.