સભાસદ પરિવારજનો મહત્તમ લાભ મેળવે તેવી હાર્દિક અપીલ : દિનેશભાઇ પાઠક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ આપવામાં આવશે અને તે માટેના ફોર્મનું વિતરણ કાર્ય શરૂ થયું છે.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે ‘માર્ચ-2025માં લેવાયેલી ધો. 10, ધો. 12ની પરીક્ષામાં બેંકના સભાસદોનાં સંતાનો કે સભાસદ, જેઓએ એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવશે. આવી જ રીતે માર્ચ 2025માં લેવાયેલ ધો. 12ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા હોય, તેવા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ (આર્થિક સહાય) યોજનાનો પણ લાભ મેળવી શકશે. તેમાં જનરલ કેટેગરીમાં એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે પછાતની કેટેગરીમાં બી-1 અને બી-2 ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ પણ માન્ય ગણાશે. આર્થિક રીતે પછાતની કેટેગરીમાં, સરકારમાન્ય અધીકારીનાં આર્થિક રીતે પછાત હોવાના દાખલાની ઝેરોક્ષ જોડવાની રહેશે. આ યોજનાનો સભાસદ પરિવારજનો મહત્તમ લાભ મેળવે તેવી હાર્દિક અપીલ છે.’
સમગ્ર પ્રોજેક્ટ માટે બેંકના પ્રોજેક્ટ ચેરમેન સી.એ. ભૌમિકભાઇ શાહ અને પ્રોજેક્ટ ડિરેકટર નવિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી થઇ રહી છે. વિસ્તૃત માહિતી જણાવીએ તો, આ માટેનાં નિયત ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. 19 જુલાઇ 2025ને શનિવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર (બીજો – ચોથો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય) સવારના 11 થી 4નો છે. સંપુર્ણ વિગતો સાથે ફોર્મ બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, 150 ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે પરત આપવાના રહેશે. ખાસ, શૈક્ષણિક પુરસ્કાર યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનું અથવા માતા કે પિતાનું સભ્યપદ માન્ય ગણાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા 10 વર્ષથી 18 વર્ષ સુધીના માયનોર બાળકોના બચત ખાતા ખોલી નિયત રકમનાં વ્યવહાર સાથે સ્વતંત્ર રીતે બેંકિંગ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમની જ સહીથી ચેક લખી શકાય છે. આમ, બાળકોમાં બાળપણથી જ બેંક વ્યવહાર સાથે બચતની ટેવ કેળવી શકાય છે. માયનોર બાળકોની પોતાની સહીથી ખાતામાં વ્યવહાર થાય તેવી સુવિધા આપનાર ગુજરાતની સર્વપ્રથમ સહકારી બેંક છે.