વાંચન પરબના અમૃત મણકામાં વાલ્મિકિ રામાયણના અયોધ્યાકાંડની રસપ્રદ રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
સામાજિક ઉત્તરદાયિત્ત્વ સાથે કાર્ય કરતી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબ સફળતાથી ચાલી રહ્યું છે. તેના 75મા મણકામાં મહર્ષિ વાલ્મીકિ રચિત અને ડો. વિજય પંડયા દ્વારા સંપાદિત વાલ્મીકી રામાયણના અયોધ્યાકાંડની રસપ્રદ રજુઆત નિવૃત્ત આઇએએસ, પૂર્વ કલેકટર, આયોજક, કવિ અને ચિંતક, ભાગ્યેશ જહાએ બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે કરી હતી.
ભાગ્યેશ જહાએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘રામાયણમાં આદિ કવિ વાલ્મીકિની પણ પરીક્ષા થઇ છે. તપ માટે સ્વાધ્યાયમાં રત છે તેવા નારદમુનિને વાલ્મીકિ પ્રશ્ર્ન પૂછે છે, એવી કોઇ વ્યક્તિ છે કે જેનામાં આ છ ગુણ હોય. જે વીર્યવાન હોય, ગુણવાન હોય, ધર્મજ્ઞ હોય, કૃતજ્ઞ હોય, સત્યવાચક હોય અને જે દૃઢ વ્યક્તિ હોય. આ છ ગુણોનો સમુચ્ય જેનામાં છે, તે રામ છે. રામ વિશે 108થી વધુ વિશેષણો છે. રામ સત્યપરાક્રમી છે. રામ એના જીવન દ્વારા એટલું બધું શીખવે છે. સાચું બોલવા માટે નહિ, પરંતુ, સાચા માટે જીવ આપવા માટે તૈયાર થાય, એટલે સત્યપરાક્રમી છે. રામાયણમાં મંથરા પાત્ર નથી, પરંતુ વૃત્તિ છે. આજના સમયમાં એટલે કે 2024માં રામાયણ જોઇએ તો જે માણસને એમ થાય કે મારું કામ નીતિમત્તાથી કરવું છે તે ક્ષણે તે રામ બની જાય છે. તમને જ્યારે એમ લાગે કે કંઇક ખોટું થાય છે ત્યારે તમે ઊભા થઇ જાવ, તે ક્ષણે તમે લક્ષ્મણ છો. તમને જ્યારે સેવા કરવાની ઇચ્છા થાય અને સેવા કરો, ત્યારે તમે ભરત છો. આપણે રામમાંથી આ જ શીખવાનું છે કે ગુસ્સો કરો જ નહિ અને જો ગુસ્સો કરવાનો થાય તો તે ક્ષણિક નહિ, પરંતુ આયોજિત હોય. આપણને પોતાને ખબર હોવી જોઇએ કે હું ગુસ્સો કરું છું. રામનું કાર્ય રાજ્ય કરવાનું નહોતું, પરંતુ, રાવણને મારવાનું પણ એક કાર્ય હતું. ’
આ વાચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, શૈલેષભાઇ મકવાણા, દિનેશભાઇ પાઠક, કીર્તિદાબેન જાદવ, દીપકભાઇ બકરાણીયા ઉપરાંત શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે જીમ્મીભાઇ દક્ષીણી, જયોતીન્દ્રભાઇ મહેતા, નલિનભાઇ વસા, મુરલીભાઇ દવે, કિશોરભાઇ મુંગલપરા, આર. પી. જોષી અને સરોજબેન જોષીએ ભાગ્યેશભાઇ જહાનું પુસ્તક, ખાદીનો રૂમાલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મૃતિચિહ્ન આપી અભિવાદન ર્ક્યું હતું.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ચાલતો આ ઉપક્રમ પૂર્વ ચેરમેન નલિનભાઇ વસાએ મે 2016માં દર માસના ત્રીજા શનિવારે સાંજે લગભગ બે કલાક માટે વાચન પરબની શરૂઆત કરી હતી. તેની પાછળ એક જ નેમ કે લોકોનો સ્ક્રીન ટાઇમ દિવસેને દિવસે વધતો જાય છે તેને લીધે વાંચન પ્રક્રિયા ધીમે-ધીમે ઓછી થતી જાય છે. આપણા જ દેશમાં આ ધીમા ઝેર સમાન સ્ક્રીન ટાઇમના વ્યસનથી છૂટવા માટે હોસ્પિટલો ખુલતી જોવા મળે છે. એવું કહેવાય છે કે પુસ્તક એ સંકટ સમયનો સાચો મિત્ર છે. આવા શુભ ભાવ અને વાંચન સાથે શ્રેષ્ઠ સમાજની નેમ સાથે વાચન પરબ શરૂ થયું. તેમાં બેસ્ટ સેલર પુસ્તકોની વાત તેના લેખકો અથવા ખ્યાતનામ વક્તા દ્વારા રજુ થાય છે. થોડા જ સમયમાં પુસ્તકો અને વક્તાની વિવિધતાને લીધે આ પ્રયોગ સફળ બનતો ગયો. આ પ્રકલ્પના 25માં મણકામાં જય વસાવડાનુ વક્તવ્ય યોજાયું હતું.