ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારે સ્માર્ટ સિટીનુ રેન્કિંગ જાહેર કરતા ગયા વર્ષે 6ઠ્ઠા ક્રમે રહેલુ વડોદરા આ વખતે 20મા ક્રમે આવ્યુ છે. 100 સ્માર્ટ સિટી પૈકી સુરત પહેલા ક્રમે અને અમદાવાદ ચોથા ક્રમે આવ્યુ છે ત્યારે ભારત સરકારે આ રેન્કિંગ થકી વડોદરા મ્યુુનિ. કોર્પોરેશનને શહેરના વિકાસનો અરીસો બતાવી દીધો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રાજકોટનો સમાવેશ તો કરવામાં આવ્યો છે પણ આ યાદીમાં તેનું નામ ક્યાય દેખાતું નથી.
વિવિધ શહેરો વચ્ચે વિકાસની સ્પર્ધા થાય તે માટે ભારત સરકારે વર્ષ 2017માં દેશમાં 100 સ્માર્ટ સિટીની યાદી બનાવી હતી. જેમાં વડોદરાનો પણ સમાવેશ કરાયો હતો. શહેરમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની માળખાકિય સુવિધાઓની સાથે વિવિધ મોટા મોટા પ્રોજેક્ટ પણ હાથ ધરીને શહેરને વિકાસની એક નવી ઉંચાઈ સુધી લઈ જવાનો મુખ્ય હેતુ આ પ્રોજેક્ટમાં રહેલો છે.
દેશની 100 સ્માર્ટ સિટી વચ્ચે દર વર્ષે વિકાસ સંદર્ભે હરીફાઈ થાય તે હેતુસર રેન્કિંગ કરાય છે. ભારત સરકાર દરેક સ્માર્ટ સિટીના કામો અને વિકાસ જોઈને રેન્ક આપતી હોય છે. ગયા વર્ષે વડોદરાનો 100 સ્માર્ટ સિટી પૈકીનો 6ઠ્ઠો ક્રમાંક આવ્યો હતો. જોકે, આ વખતે ભારત સરકારે જારી કરેલી રેન્કિંગની યાદી વડોદરા માટે નિરાશાજનક રહી હતી.
ગુજરાતનુ સુરત દેશની 100 સ્માર્ટ સિટી પૈકી પહેલા રેન્ક પર આવી હતી. જ્યારે અમદાવાદ 4થા રેન્ક પર આવ્યુ હતુ. જ્યારે વડોદરા જે ગયા વર્ષે 6ઠ્ઠા ક્રમે હતુ તે આ વખતે 20મા ક્રમે ધકેલાઈ ગયુ હતુ. જેમ જેમ સમય વીતે છે અને શહેરમાં વિકાસના કામો થતા હોય તો રેન્ક વધીને આગળ આવવો જોઈએ તેના બદલે વડોદરા શહેર 6ઠ્ઠા ક્રમેથી ફેંકાઈને 20મા ક્રમે પહોંચી જતા વડોદરાના તંત્રની કામગીરી અને શહેરના વિકાસ સામે સવાલો ઊભા થવા લાગ્યા છે.
શહેરમાં સફાઈ, પાણી, રોડ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિત વિવિધ પ્રોજેક્ટ હેઠળ જે વિકાસની કામગીરી થાય છે તેમાં લોકોની સુખાકારીમાં સુધારો થયો કે કેમ? તે પણ એક સવાલ બની ગયો છે.
- Advertisement -
રેન્કિંગની ઓનલાઈન સિસ્ટમ છે. પ્રોજેક્ટના અમલીકરણનુ ઓનલાઈન અપડેટ કરાય તેની સાથે રેન્ક બદલાતી રહે છે. ટેન્ડર બહાર પાડવા, ઓએન્ડએમ કરવુ વિગેરે કામગીરી ઓનલાઈન અપડેટ કરાતી હોય છે. જે બધી બાબતોને ધ્યાને રાખીને રેન્ક અપાય છે. જે રોજેરોજ ડેટા અપડેટ થતા હોય છે. પ્રોજેક્ટ પુરો થાય એટલે ફંડ વપરાય અથવા તો ટેન્ડર સ્ટેજથી વર્ક ઓર્ડર અપાય ત્યારે વર્ક ઈન પ્રોગ્રેશમાં તે પ્રોજેક્ટ આવે. આવી બધી બાબતોને ધ્યાને લેવાય છે. જેના કારણે રેન્ક બદલાતી રહે છે.