કોઇન ફેરનું સાંસદ રામભાઇના હસ્તે ઉદ્ઘાટન, પોલીસ કમિશનર સહિત મહાનુભાવોએ ચલણોના ઇતિહાસની માહિતી મેળવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ન્યુમિસમેટીક એસોસિએશન દ્વારા આયોજીત રાજકોટ કોઇન ફેર-2023નું રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનાર આ કોઇન ફેરનો આવતીકાલે એટલે કે રવિવારે છેલ્લો દિવસ છે. ત્રણ દિવસ માટે જૂની નોટો, સિક્કા, મેડલ, ઓટોગ્રાફ સહિત અનેક અલભ્ય ચીજોનો ખજાનો ખુલ્લો મુકાયો છે. જેમાં દેશના વિવિધ કાળના વિવિધ ચલણ વિશે વિસ્તૃત માહિતી સાથે ઘણું બધું જાણવા લાયક છે, એમ સંસ્થાના ઉત્સવ સેલારકા અને સુનિલ વાયાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. પ્રદર્શનના પહેલા દિવસે ગઇકાલે બહોળી સંખ્યામાં લોકોએ પ્રદર્શનની મુલાકાત
લીધી હતી.
સાંસદ રામભાઇ મોકરીયાએ પ્રદર્શન નિહાળી દેશના ચલણ નોટો અને સિક્કા વિશે માહિતી મેળવી હતી. તેમણે દેશની ચલણ સંબંધી સંસ્કૃતિ અને ઇતિહાસને સુંદર રીતે જાળવી રાખી લોકો સુધી માહિતી પહોંચાડવાના પ્રયાસોને બિરદાવી આવા ચલણ સારી રીતે સચવાય અને લોકો નિયમિત તેના વિશે અભ્યાસ કરી શકે એ માટે રાજકોટમાં કાયમી એક સ્મૃતિસ્થળ ઉભું કરવા સૂચન કર્યું હતું. આ તકે કોર્પોરેટરની દેવાંગભાઇ માંકડ દ્વારા પણ આ રીતે કાયમી કોઇન ગેલેરી બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડીયન ન્યુમિસમેટીક એસોસિએશન દ્વારા રામભાઇને એક આવેદનપત્ર આપી અંગ્રેજ શાસકોના વખતમાં દેશના વિવિધ રજવાડાના ચલણી સિક્કા સહિત કિંમતી વસ્તુઓ વિદેશમાં જતી રહી છે એને ભારત દેશમાં પરત લાવવા માટેના વડાપ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરવા સાથે હજુ ચલણી સિક્કા વગેરે પરત લાવવામાં વધારે પડતી કસ્ટમ ડ્યુટી પર સરકાર યોગ્ય કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રામભાઇએ આ મુદ્દા પર વિસ્તૃત જાણકારી મેળવી છે અને નજીકના ભવિષ્યમાં તેઓ આ બાબતે કેન્દ્ર સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરશે એવી ખાત્રી આપી છે.
ઉત્સવ સેલારકાના જણાવ્યા અનુસાર રાજકોટ ન્યુમિસમેટીક એસોસીએશનની રચના બાદ રાજકોટમાં પ્રથમ વખત આ રીતે ત્રણ દિવસ માટે જૂની નોટો-સિક્કા-મેડલ જેવી અલભ્ય ચીજોનો એક સાથે એક સ્થળે જોઇ શકાય, તેના વિશે જાણી શકાય છે. દેશના વિવિધ કાળના વિવિધ ચલણો, જે તે વખતના ચલણ વિશેનો ઇતિહાસ, સિક્કાઓ, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખાસ પ્રકારના સિક્કાઓ, દેશના ગૌરવ સમાન અમુક પ્રસંગોની યાદમાં બહાર પાડેલ સિક્કાઓ વગેરે વિશે લોકોની વિસ્તૃત જાણકારી મળી શકે છે.₹
પ્રદર્શન સ્થળ પર મુદ્રા ઇતિહાસના જાણકાર લોકો ઉપસ્થિત છે. લોકો પોતાના પાસે પ્રાચીન કાળથી લઇ અત્યાર સુધીના ચલણનો ખજાનો હોય તો અહીં એ ખજાના વિશે યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. 1500 વર્ષ પ્રાચીન ચલણોથી લઇ આજ આઝાદીના અમૃતકાળ સુધી દેશમાં અનેક પ્રકારના ચલણ પ્રચલીત રહ્યા છે. જે તે વખતના શાસકો દ્વારા પોતાના ચલણો બહાર પાડવામાં આવ્યા છે. આઝાદી બાદ ભારત સરકાર દ્વારા વિવિધ ચલણી નોટ અને સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. આ બધા પ્રકારના ચલણ અહીં જોવા મળે છે. ત્રણ દિવસ માટે રાજકોટમાં જનકલ્યાણ હોલ, એસ્ટ્રોન ચોક નજીક ખાતે યોજાયેલ રાજકોટ કોઇન ફેર-2023નો આવતીકાલ અને રવિવારે છેલ્લો દિવસ છે. પ્રદર્શન સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જાહેર જનતા માટે પ્રદર્શનમાં વિનામુલ્યે પ્રવેશ છે. કોઇ પોતાની પાસે આ પ્રકારનું ચલણ, સિક્કા, ઓટોગ્રાફ, ટપાલ, ટીકીટ વગેરે હોય તો પ્રદર્શન સ્થળ પર તેના વિશે માહિતી મેળવી શકશે. દેશના જાણીતા મુદ્રાશાસ્ત્રી દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે.
સંસ્થાના સુનિલ વાયાએ પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, આ પ્રદર્શનમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવોના ઓટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનના આયોજન માટે રાજકોટ ન્યુમિશમેટીક એસોસીએશનના ઉત્સવ સેલારકા, સુનિલ વાયા, તારક મહેતા, રાજેશ વોરા સહિતની ટીમ કાર્યરત છે.