-2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના
હવામાન વિભાગે આજથી તાપમાન ઘટવાની આગાહી કરી છે. તેમજ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળશે. જેમાં સૌથી વધુ તાપમાન 43.2 ડિગ્રી અમદાવાદનું રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો હોય તેમ અનેક જગ્યા એ વાદળછાયું વાતાવરણનો માહોલ બન્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી તાપમાનના પારામાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવ્યું છે. આજે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
- Advertisement -
જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આવતી કાલથી ચાર દિવસ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
વાવાઝોડાની ચેતવણી અંગે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વીજળી સાથે સામાન્ય વાવાઝોડા અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછા સપાટીના પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય જોવા મળી રહ્યું છે. જેના કારણે જૂન મહિનાની શરૂઆતથી પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થશે. આ વચ્ચે 8 જૂનથી દરિયામાં ભારે પવનો ફૂંકાશે અને 8 જૂન બાદ ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના જોવામાં આવી રહી છે.