ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય ખાતે યુવા છાત્રોની ગોષ્ઠિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા મેરા યુવા ભારત વિભાગ હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા દેશના યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમને યુનિ.નાં હિસાબી અધિકારી ડો. કિર્તીબા વાઘેલા સહિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યુ હતુ.યુવા સંસદ કાર્યક્રમનાં અધ્યક્ષ અને યુનિ.નાં સરકાર નિયુક્ત એક્ઝૂક્યુટીવ કાઉન્સીલ મેમ્બર ડો. જયભાઇ ત્રિવેદીએ ઉપસ્થિત યુવાનો સંબોધતા જણાવ્યુ હતુ કે અસંખ્ય કુટુંબોના સમુહરૂપે આકાર પામેલા માનવ સમાજના અસ્તિત્વ અને વિકાસ પાછળ યુવા વર્ગનું આગવું પ્રદાન હોવાથી સમાજમાં યુવા વર્ગને યુવાધન તરીકે સંબોધન કરીને તેને પ્રોત્સાહીત કરીએ છીએ, દેશની પ્રગતિ, સુખ, શાંતિ અને સલામતિમાં યુવા વર્ગની આગવી ભૂમિકા હોય છે.
- Advertisement -
સમારંભમાં અધ્યક્ષ ડો. જય ત્રિવેદીએ વન નેશન, વન ઈલેકશન પર વિધાર્થીઓને ખુલ્લી ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનાં સિન્ડીકેટ સદસ્ય સુશ્રી દિનાબેન લોઢીયાએ જણાવ્યુ હતુ કે સ્વજાગૃતિ, સમાનુભૂતિ-પરાનુભૂતિ, સમસ્યા ઉકેલ. નિર્ણય શકિત, અસરકારક પ્રત્યાયન, આંતર માનવીય વ્યવહારો, સર્જનાત્મક ચિંતન, વિવેચનાત્મક ચિંતન, સંવેગાનુકૂલન તથા તણાવ અનુકુલન આ દશ જીવન કૌશલ્યો છે, આ મૂળભૂત કૌશલ્યો, વ્યકિતના વિચારો, લાગણીઓ અને વર્તનના સંદર્ભમાં એકબીજા સાથે સંકળાયેલા છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતાં જ વ્યકિતત્વનો અને સામર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે માનવજીવન ઉન્નત બને છે.