પ્રથમ પ્રિન્સ – પ્રિન્સેસને 2 ગ્રામ સોનાંની ગીની, દ્વિતીયને 100 ગ્રામ ચાંદી અને તૃતિયને 50 ગ્રામ ચાંદીથી નવાજાયા
બિરજુ બારોટ, ઝીલ જોષી, વૈશાલી ગોહિલ અને શાયર મમતા સોનીના સથવારે યૌવનનો થનગનાટ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર, કોકોનટ કાઉન્ટી પાર્ટી પ્લોટ સામે સમસ્ત પાટીદાર સમાજ માટે આયોજિત સરદાર ધામ રસોસ્ત્સવના બીજા દિવસે ગુજરાતના ખ્યાતનામ ગાયક બિરજુ બારોટ, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી, ડાંસર કમ સિંગર ઝીલ જોષી તથા વૈશાલી ગોહિલ અને શાયર મમતા સોનીએ ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ પણ અગવડ વગર સમસ્ત પાટીદાર સમાજના યુવા યુવતીઓએ ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળા મને રસોસ્ત્સવ માણ્યો હતો.
બે લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. બીજા નોરતે ટીવી નાઈન ગુજરાતી ચેનલ પર સરદાર ધામ રસોસ્ત્સવ લાઈવ ચમક્યો હતો અને લાખો લોકોએ ઘર બેઠા પણ આ રાસોત્સવનું આંશિક પ્રસારણ નિહાળ્યું હતું.
સિનિયર જુનિયર પ્રિન્સ પ્રિન્સેસને સોનાની ગીની અને ચાંદીના બિસ્કીટથી નવાજવામાં આવ્યા હતા. આજે ત્રીજા નોરતે ચડતા ક્રમમાં પ્રિન્સ પ્રિન્સેસ અને વેલડ્રેસ જુનિયર ખેલૈયાઓને સોનાની ગીની અને ચાંદીના બિસ્કીટથી નવાજવામાં આવશે તેમ સરદારધામ યુવા સંગઠન એવમ નવરાત્રિ આયોજન સમિતિના પ્રમુખ જીતુભાઈ સોરઠીયા (મવડી)એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિશાળ ગ્રાઉન્ડ અને સુચારુ પાર્કિંગ વ્યવસ્થા સાથે આયોજિત આ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે રિફ્રેશમેન્ટની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. નં. 9374104881, 9662405076 અને 9724496960નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.