ધનતેરસની પૂર્વ સંધ્યાએ ગુજરાતને 4800 કરોડનાં વિકાસની ભેંટ આપતા વડાપ્રધાન
જામનગર, મોરબી, રાજકોટનો ‘ત્રિકોણ મેન્યુફેકચરિંગ હબ’ મિની જાપાન થવાની તાકાત ધરાવે છે : અમરેલી જિલ્લાના લાઠી ખાતે રાજયના 8 જિલ્લાના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીના લાઠી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુન:જીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.
વડાપ્રધાને સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનંદ મળે છે. આ તકે વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાના-નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને વન ડ્રોપ, મોર ક્રોપનો આપણો સંકલ્પ સિદ્ધ કરવા પણ આહવાન કર્યું હતું.રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે.
- Advertisement -
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાનને કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શરૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. વધુમાં પર્યાવરણના ક્ષેત્રે મોટાકામો અનિવાર્ય ગણાવતાં કહ્યું હતું કે, એક પેડ માઁ કે નામ અભિયાનનો ઉલ્લેખ કરીએ ત્યારે વિશ્વના લોકોની આંખોમાં એક ચમક આવી જાય છે.
પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના થકી સામાન્ય પરિવારો વર્ષે વીજબીલના રૂ.25-30 હજાર બચાવી શકે અને વીજળી વેચીને કમાણી પણ કરી શકે તેવું મોટું અભિયાન આપણે ઉપાડ્યું છે, એમ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ યોજના માટે દેશભરમાં દોઢ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. જ્યારે ગુજરાતમાં બે લાખથી વધુ ઘરમાં સોલર પેનલ લાગી પણ ગઈ છે.