સવારે 9 વાગ્યે થલતેજના સ્મશાન ગૃહ ખાતે કરાયા અંતિમ સંસ્કાર
ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
- Advertisement -
રસ્તા પર પડી જતાં થયું હતું બ્રેન હેમરેજ
મળતી માહિતી અનુસાર, ગત 15 ઓક્ટોબરના રોજ સવારે પરાગ દેસાઈ તેમના ઘરથી નજીક ઈસ્કોન-આંબલી રોડ પર ચાલવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ કેટલાક રખડતા શ્વાન દોડ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તા પર લપસીને પડી ગયા હતા. જેથી તેઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેઓને બ્રેન હેમરેજ થઈ ગયું હતું.
ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
જે બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં તેઓ સિનિયર ડોક્ટર્સના ઓબ્જર્વેશન હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત લથડતા તેઓને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સાત દિવસ સુધી રખાયા હતા વેન્ટિલેટર પર
પરાગ દેસાઈના પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, માથામાં ગંભીર ઈજા થયા બાદ તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને નિધન પહેલા તેમને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેઓની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેઓનું હોસ્પિટલમાં અવસાન થયું છે.
- Advertisement -
અમેરિકાથી કર્યું હતું MBA
વાઘ બકરી એ 104 વર્ષ જૂનું ગ્રૂપ છે. પરાગ દેસાઈ વાઘ બકરી ટી ખાતે સેલ્સ, માર્કેટિંગ અને એક્સપોર્ટ્સ સંભાળતા હતા. પરાગ દેસાઈએ અમેરિકાની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટી ખાતેથી એમબીએની ડિગ્રી મેળવી હતી અને વાઘબકરી ગ્રુપને આગળ લઈ જવા માટે તેઓ યુએસમાં એજ્યુકેશન પૂરું કરીને અમદાવાદ પરત આવ્યા હતા.