પેરા એશિયાઈ રમતોત્સવમાં બેડમિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત અને સુકાંત કદમે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી છે. પ્રમોદ ભગતે પોતાના અભિયાનની શરૂઆત ચાઈનીઝ તાઈપેઈના હસિંગ ચિહ હુઆંગ સામે આસાન જીત સાથે કરી હતી. પ્રમોદે તેના પ્રતિસ્પર્ધીને 21-9, 21-18થી હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો માલદીવના અબ્દુલ લતીફ મોહમ્મદ સાથે થશે. સુકાંત કદમે સ્પર્ધાની શરૂઆત તાઈપેઈના યે એન-ચુઆન સામે જીત સાથે કરી હતી. હવે તેનો સામનો માલદીવના અહેમદ ફયાઝ સાથે થશે.
મિક્સ ડબલ્સમાં પ્રમોદ ભગત અને મનીષા રામદાસે થાઈલેન્ડના ચનિદા શ્રીનાવાકુલને 21-8, 21-14થી હરાવ્યો અન્ય પરિણામોમાં નીતીશ કુમાર અને મુરુગેસન તુલાસીમાથીએ ડબલ્સમાં સીરિયાના શેહા ફિરાસ અને માતર અલ્તાફને 2-0થી હરાવ્યા હતા. દરમિયાન, મેન્સ સિંગલ્સની ગ્રુપ સ્ટેજની મેચમાં કૃષ્ણા નાગરે ચીનના કિંગતાઓ ઝેંગને 2-1થી હરાવ્યો હતો. પેરા એશિયન ગેમ્સ નો આજથી સત્તાવાર પ્રારંભ થશે અને તે 28 ઓક્ટોબર સુધી ચાલશે.