ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 20 વર્ષથી કારતક મહિનાની પૂનમના દિવસે ગુરુનાનક દેવ સાહેબનો અવતાર દિવસ ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષના દિવસથી કાર્તિકી પૂનમ સુધીનાં 15 દિવસ રોજ સવારે 5:30 વાગ્યે લીલાશાહ નગરથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાતફેરી નીકળે છે જેમાં બહોળી સંખ્યામાં સિંધી સમુદાયનાં લોકો જોડાઈ છે. ત્યાર બાદ સ્વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે પ્રભાતફેરી પૂર્ણ થતાં કીર્તન સમાગમ તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ પંદર દિવસ દરમિયાન દરરોજ વિવિધ કોમ્પિટિશન જેમકે, રંગોળી સ્પર્ધા, ઓપન મંચ પ્રશ્નોત્તરી, શબ્દ કોમ્પિટિશન સહિત નાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે રવિવારે તા. 6 ના રોજ વિશેષ નગર કીર્તન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે 5:30 કલાકે લીલાશાહ નગર થી બજરંગ સોસાયટી થઈ સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી બાઇક રેલી, ડીજે તેમજ ગુરુ ગ્રંથ સાહેબ ની હાજરીમાં શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સ્વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે વિશેષ કીર્તન સમાગમ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ અને ત્યારબાદ સમૂહ લંગરપ્રસાદ નું આયોજન ગુરુનાનક કીર્તન મંડળીની સેવાધારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. વિશેષમાં, તા. 8 ને મંગળવારે ગુરુનાનક જયંતિનાં દિવસે સવારે 5:30 કલાકે પ્રભાત ફેરી, 11 કલાકે ભોગ સાહેબ, બપોરે 12 કલાકે દિલ્હી વાળા ભાઈ સાહેબ લાખનસીંઘ દ્વારા કીર્તન સમાગમ, 1:30 કલાકે અતૂટ લંગરપ્રસાદ, 3:30 કલાકે શોભાયાત્રા, રાત્રે 10 કલાકે વિશેષ દીપમાલા સવારી તેમજ રાત્રે 1:20 કલાકે આતશબાજી, સ્પર્ધાઓ અને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.
વેરાવળમાં ગુરુનાનક જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
