છેલ્લા પખવાડિયામાં 30થી 50 ટકાનો ભાવવધારો: વેપારીઓ સંગ્રહખોરી કરવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્ર સરકારના શ્રેણીબદ્ધ પગલા છતાં મોંઘવારી મોરચે કોઈ રાહત મળતી નથી અને દૂધ-શાકભાજી સહિતની ચીજોમાં ભાવવધારાના ડામ લાગી રહ્યા છે તેવા સમયે હવે ડુંગળીના ભાવ ફરી લોકોની આંખોમાં આંસુ લાવી દયે તેવી સંભાવના છે. ડુંગળીના ભાવમાં છેલ્લા એક પખવાડીયામાં 30થી50 ટકાનો વધારો થયો છે. આવકો ધીમી પડવાની સામે બકરી ઈદના તહેવારને કારણે ડીમાંડમાં મોટો વધારો થતા ભાવ સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના નિયંત્રણો હળવા થવાના આશાવાદથી વેપારીઓ ફરી સંગ્રહખોરી કરવા લાગ્યા હોવાના નિર્દેશ છે. ભારતની સૌથી મોટી ડુંગળી માર્કેટ એવી નાસિકના લસલગાંવમાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિકિલો રૂા.26 થયો હતો જે આગલા સપ્તાહમાં પ્રતિકિલો રૂા.17 હતો. બેસ્ટ કવોલિટીની ડુંગળીનો સરેરાશ ભાવ રૂા.30 રહ્યો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે ભાવવધારા પાછળનુ મુખ્ય કારણ ડીમાંડ-સપ્લાય વચ્ચેનું અંતર રહ્યું છે. સીઝન ખત્મ થઈ ગઈ છે એટલે હવે વેપારીઓ-ખેડુતોના સ્ટોકનો માલ જ બજારમાં આવે તેમ છે. આવતા દિવસોમાં ભાવો વધવાની ગણતરીએ તેઓ દ્વારા વેચવાલી ઘટાડી દેવામાં આવી છે.
- Advertisement -
ડુંગળીમાં ભાવવધારો રોકવા માટે કેન્દ્ર સરકારે અગાઉ નિકાસબંધી લાદયા બાદ નિકાસ પર 40 ટકા ડયુટી લગાડી હતી એટલે કોઈ મોટી નિકાસ નથી પરંતુ ઘરઆંગણે જ ડીમાંડ વધુ છે. દક્ષિણી રાજયોની માંગમાં મોટો વધારો છે. દક્ષિણના રાજયોમાં મોટાભાગે મહારાષ્ટ્રમાંથી જ ડુંગળી જાય છે.