ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર – મુળ દ્વારકા રોડ ઉપર જ્યુપીટર સ્કુટરમાં જઈ રહેલા બે મિત્રોને સામેથી આવતા ટ્રકે અડફેટે લઈ એક કીમી સુધી સ્કુટરને ઢસડી લઈ ગયા બાદ ટ્રક પણ રોડની સાઈડમાં પલટી ગયો હતો. જેમાં એક મિત્રનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજેલ. જ્યારે બીજો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી જુનાગઢ સારવારમાં ખસેડવામાં આવેલ હતો. આ ગમખ્વાર અકસ્માત સર્જીને નાસી ગયેલા ટ્રકના ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.આ અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગતમોડીરાત્રીના કોડીનારમાં રહેતા અજય સેવરા તેના મિત્ર જીગ્નેશ ચૌહાણ સાથે જ્યુપીટર મોપેડ સ્કુટર ઉપર તાલુકાના બરડા ગામથી કોડીનાર તરફ આવી રહ્યા હતા. એ સમયે મુળ દ્વારકા રોડ ઉપર બંન્ને મિત્રો પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા ટ્રકના ચાલકે જ્યુપીટર સ્કુટરને અડફેટે લઈ જોરદાર ટક્કર મારી હતી. જેના લીધે બંન્ને મિત્રો ફંગોળાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.આ અકસ્માતના પગલે ફરજ પરના તબીબે અજય સેવરાને મૃત જાહેર કરેલ જ્યારે જીગર ચૌહાણને ગંભીર ઇજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતો. આ અકસ્માતમાં સામેથી મારેલ ટક્કરના કારણે સ્કુટર ટ્રકની આગળના ભાગમાં ફસાઈ ગયુ હોવા છતાં ટ્રક ચાલક એક કીમી સુધી ઢસડી ગયો હતો. બાદમાં ટ્રક પણ રોડની સાઈડમાં પલટી ખાઈ જતા ચાલક ટ્રકને રેઢો મુકી નાસી ગયો હતો. આ અકસ્માત અંગે મૃતકના ભાઈ રોહિત સેવરાએ નાસી ગયેલા ટ્રકના ચાલક સામે ઉપરોક્ત વિગતો સાથે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.