મધ્યરાત્રિની મહા આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ બની છે તેમાં પણ શ્રાવણ માસની માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા.
- Advertisement -
શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, શારદા પીઠના શંકરાચાર્યના શિષ્ય સ્વામી નિર્વિકલ્પ સ્વરૂપ બ્રહ્મચારી મહારાજ, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપભાઈ ચાવડા સહિતના મહાનુભાવો તેમજ ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી અને શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે શ્રાવણ માસની માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા.