સમસ્ત રાજપૂત સમાજના શ્રદ્ધાના કેન્દ્રસમાન ભવાનીધામમાં ઈતિહાસ રચાશે

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન: સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી ઉજાગર કરશે રાજપૂતોનો ગૌરવવંતો ઈતિહાસ

ખાસ-ખબર સંવાદદાતા
સમસ્ત રાજપૂત સમાજને એકતાંતણે બાંધવાના દિવ્ય અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી મુકામે નિર્માણ પામનાર ભવ્ય શ્રી ભવાનીધામની પાવન જગ્યાના સાંનિધ્યમાં આગામી તા. 5 ને બુધવારે સાંજે 4-00 કલાકે ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓ એક જ સમયે, એક સાથે અને એક સ્થળ ઉપર શસ્ત્રપૂજન થકી નવો જ ઈતિહાસ રચશે. આ ભવ્ય શસ્ત્રપૂજન સમારોહના અધ્યક્ષસ્થાને પૂર્વ રાજ્યપાલ કર્ણાટક વજુભાઈ વાળા રહેશે. આ અવસરે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ જાજરમાન કાર્યક્રમમાં પધારવા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સમસ્ત દેશભરમાં શૌર્યનું પ્રતિક અને મા ભવાનીના આશીર્વાદ સાથે ઉજવણી થતો તહેવાર વિજયાદશમીના પાવન અવસરે આ દેશના રજવાડાની અને ગૌ બ્રાહ્મણ અને સંસ્કૃતિના રખેવાળ તરીકે રાજપૂતો દ્વારા પોતાના પ્રાણની આહુતી આપનાર તરીકેની ઓળખ ઉભી કરતો ઈતિહાસ ખૂબ પ્રચલિત અને સ્મરણીય છે. સમગ્ર દેશ જ્યારે મોગલો અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે રાજપૂતોએ રાષ્ટ્રધર્મની રખેવાળી કરવા માટે કેસરીયા કર્યા હોય એવા અનેક ઉદાહરણો સમગ્ર ભારતવર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. ગૌમાતાની રક્ષા કાજે અનેક લોકો શહિદ થયા. બહેનોની સુરક્ષા માટે રાજપૂતો જ આગળ આવ્યા હતા અને તેવા શૂરવીરોના પાળીયા પણ ગામેગામ પૂજાય છે.

વજૂભાઈ વાળાની સીધી જ દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ

30 એકરનું વિશાળ પાર્કિંગ
નેશનલ હાઈવે-8 ઉપર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ દર્શન નજીક 30 એકર જગ્યા ઉપર વિશાળ પાર્કીંગ વ્યવસ્થા થઈ રહી છે. આ શસ્ત્રપૂજનના સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાનીધામ ખાતે આવનારા દરેક પ્રતિનિધિઓ પોતાના વાહનનું સુવ્યવસ્થિત પાર્કીંગ કરે તેવો અનુરોધ સ્વયંસેવકોની ટીમ દ્વારા કરાયેલ છે તેમ તેજસભાઈ ભટ્ટી ક્ધવીનર અને કોર્ડીનેટર શ્રી ભવાનીધામ પ્રતિષ્ઠાનની યાદીમાં જણાવાયું છે.

સમસ્ત રાજપૂત સમાજનું માઁ ભવાનીધામનું સ્વપ્ન સાકાર થવા તરફ

32 એકર જગ્યા ઉપર નિર્માણ પામનાર દિવ્ય-ભવ્ય માઁ ભવાનીના મંદિરની પાવન ભૂમિ ઉપર પ્રથમ કાર્યક્રમ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા ઈતિહાસના પુસ્તકોમાં પણ રાજપૂતોની આ શૌર્ય ગાથાઓ વિશ્ર્વભરમાં ફેલાયેલ છે. સમસ્ત રાજપૂત સમાજની શૌર્ય અને વીરતાને સંગઠીત શક્તિરૂપે એકતાંતણે બાંધવાના પ્રયત્નોને સાકાર કરવા માટે છેલ્લાં 20 વર્ષથી સમસ્ત રાજપૂત સમાજને એકતાંતણે જોડવાનો સંકલ્પ કરાવનારા સ્વ. નારશીભાઈ પઢીયાર અને માનનીય વજુભાઈ વાળાના પ્રયાસોને પૂર્ણ કરવા માટે સન્માનનીય વડીલો, શ્રેષ્ઠીઓ અને યુવાનો દ્વારા ભગીરથ પ્રયાસના ભાગરૂપે 25,000 જેટલા પ્રતિનિધિઓ શ્રી ભવાની ધામ ખાતે એકત્ર થઈ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય શસ્ત્રપૂજન સમારોહ કરવા કટિબદ્ધ બન્યા છે. તમામ રાજપૂતો પોતાની તલવાર અને સાફા સાથે પૂજન કરવા આવનારા છે તે આ પૂજનની વિશેષતા રહેશે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિરાટ સ્વરૂપે શસ્ત્રપૂજન કરવા રાજપૂત સમાજ એકત્રિત થનાર છે જેમાં 24 જિલ્લાઓના 123 તાલુકાઓમાંથી 10655 ગામના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે.
કચ્છથી લઈ વલસાડ સુધીના તથા વાવ (થરાદ)થી લઈ ઉના, પોરબંદર સુધીના વિસ્તારોમાં શ્રી ભવાનીધામના વડીલો, યુવાનોની વાયુવેગી ટીમ સર્વ રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજસભાઈ ભટ્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ રાજપૂત સમાજને કાર્યક્રમમાં જોડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. અંદાજે 32 એકર જગ્યા ઉપર બનનારા મા ભવાનીના મંદિર સ્થળ ઉપર આ સમૂહ શસ્ત્રપૂજનનો વિરાટ કાર્યક્રમ નેશનલ હાઈવે નં. 8, ગામ વસ્તડી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર ખાતે આયોજિત કરેલ છે.

લગભગ છેલ્લાં 20 દિવસથી 2100 સ્વયંસેવકોની ટીમો આ વ્યવસ્થા સંભાળે છે અને આયોજન માટે વિવિધ કમિટિના સભ્યશ્રીઓ વિક્રમસિંહ પરમાર, રૈયાભાઈ રાઠોડ, એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ, અનીરુદ્ધસિંહ પઢીયાર, અજયસિંહ મસાણી, મહેશભાઈ રાઠોડ, નવલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ મસાણી, વનરાજસિંહ પરમાર, અરવિંદસિંહ જાદવ, લક્ષ્મણભાઈ ચાવડા, ગણેશભાઈ ગોહિલ, ભરતસિંહ રાઠોડ, જયેશભાઈ ચાવડા, વજુભાઈ મુખી, મનુભા ચૌહાણ, ઘનશ્યામસિંહ ધનરાજસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ મોરી સહિતની ટીમો 24 કલાક કાર્યરત છે તેમ પ્રમુખ કિશોરસિંહ ચૌહાણની યાદીમાં જણાવેલ છે.

મંદિરની ડીઝાઈન ઇઅઙજ મંદિરના પ્રખ્યાત આર્કિટેક્ બનાવશે
સમસ્ત રાજપૂત સમાજની શાન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મા ભવાનીમાતાના મંદિરની ડીઝાઈન દુબઈમાં વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરની ડીઝાઈન બનાવનાર આર્કિટેક દ્વારા બનાવવામાં આવનાર છે. મા ભવાનીધામ માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં સમગ્ર ભારતના દર્શનાર્થીઓ માટે દર્શનીય સ્થળ બની રહેશે. મા ભવાનીધામના ભવ્ય ધામની સાથે કુદરતી તળાવનું પણ નિર્માણ થશે. કુદરતી પ્રકૃતિથી ભરપૂર આ ભવાનીધામને બેનમૂન અને જાજરમાન બનાવવા ટેકનોલોજી અને પરંપરાનો સુભગ સમન્વય સાધવામાં આવનાર છે.

ભવાનીધામના સ્વપ્નદ્રષ્ટા વજુબાપાની સીધી દેખરેખ
વસ્તડી ખાતે 32 એકર જમીનમાં નિર્માણ પામનાર મા-ભવાનીધામના પાયોનિયર એવા શ્રી વજુભાઈ વાળા આ ભવ્ય અને ઈતિહાસવંત શસ્ત્રપૂજનના કાર્યક્રમ ઉપર સતત સીધી જ દેખરેખ રાખી રહ્યા છે. સ્થળ ઉપર જઈને નાની-મોટી તમામ બાબતોમાં જાતે જ માર્ગદર્શન આપી રહ્યા છે અને તડામાર તૈયારીઓની સતત સમીક્ષા પણ કરી રહ્યા છે.

શિક્ષણધામનું પણ થશે નિર્માણ
શસ્ત્રપૂજન સાથે મા ભવાનીધામની પાવન જગ્યાનો સમસ્ત રાજપૂત સમાજને પરિચય કરાવ્યા બાદ ટૂંક સમયમાં આ પાવનકારી સ્થળના નિર્માણનું કાર્ય પણ શરૂ કરવામાં આવનાર છે. મા ભવાનીધામના દિવ્ય નિર્માણ બાદ આ જગ્યામાં આઈ.એ.એસ.-આઈ.પી.એસ. સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન અને શિક્ષણ આપતાં કોચીંગ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવનાર છે જેમાં રાજપૂત સમાજ જ નહીં તમામ સમાજના તેજસ્વી બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ શિક્ષણધામમાં માર્ગદર્શનની સાથોસાથ રહેવા-જમવાની સુવિધા પણ આપવાનું ભવિષ્યનું આયોજન છે.