રાજકોટમાં વસતા 40,000થી વધુ કડવા પાટીદારોને માં ઉમિયાનું સાંનિધ્ય સાંપડશે
12 એકરની વિશાળ ભૂમિ પર સમગ્ર પરિસરની ડિઝાઈન તૈયાર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વસતાં 40,000 થી વધુ કડવા પાટીદારને મા ઉમિયાનું સાનિધ્ય સાંપડે અને સમાજના સર્વાંગી વિકાસ માટે 12 એકરની વિશાળ ભૂમિ પર રચનાત્મક અને પર્યાવરણીય ખ્યાલ સાથે સમગ્ર પરિસરની ડીઝાઇન કરવામાં આવી છે. શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતિક એવા ગુલાબી પથ્થરમાં ભવ્ય પરિસરમાં શ્રી ઉમિયા માતાજી મંદિર ખરા અર્થમાં એક પૂર્ણ ભારતીય સનાતન સાંસ્કૃતિક પરિસર બનશે.
- Advertisement -
શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, આ મંદિર સોમનાથની વિશાળતા, મોઢેરાની આકર્ષક ભૂમિતિ, ઈલોરાની ચમત્કૃતિ, અંગકોરવાટની જાજરમાન ભવ્યતા દેલવાડા અને હીરાયકુંડની બારીક કોતરણીને ઉજાગર કરતું આ મંદિર અન્ય ભવ્ય સાંસ્કૃતિક સ્મારકોની હરોળમાં ગૌરવવંત ઊભું રહેશે. આવતા હજારો વર્ષો સુધી સંસ્કૃતિની ગાથા ગાતું રહે એવી સજ્જતા મા ઉમિયાના મહાકાવ્યોને આ મંદિરમાં કાંડારાશે.
માત્ર ભારત જ નહી,પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું આ મંદિર આપણી સભ્યતાનું અને આપણી સનાતન સંસ્કૃતિનું આપણા ભારત દેશનું અને જગતભરનું સીમાચિહ્ન તેમજ માનવ કલ્યાણનું પરમધામ બની રહેશે. તારીખ 13 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આ મંદિરનું ખાતમુહૂર્ત કરી શરૂઆત કરાવશે.
શ્રી ઉમિયા માતાજી મંદિરનો પરિસર સંપૂર્ણ મંદિરની ડીઝાઇન પ્રાચીન શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે બનાવવામાં આવશે. સંપૂર્ણ બાંધકામમાં કોઈપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ થશે નહી. 4000 ટન ગુલાબી પથ્થર.15,000 જેટલા કંડારાયેલા પથ્થરોનું સંયોજન.71 ફૂટ ઊંચું નાગરાદી શૈલીનું પ્રાચીન માં ઉમિયાનું દિવ્ય શિખર.170 ફૂટ લંબાઈ.130 ફૂટ પહોળાઈ.5 ઊંચા ઘુમ્મટો(સામરાણા). એક સાથે 200 થી પણ વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવો ગૂઢ મંડપ. મુખ્ય મંદિરની પરિક્રમા થઈ શકે તેવો કોરીડોર 300 કલામંડિત સ્થંભો, દેવ સ્વરૂપો, દેવી દેવાંગના, કિન્નર, યક્ષ,ગાંધર્વ,વિષાચરોની મૂર્તિઓ કંડારવામાં આવશે. 1500 થી પણ વધારે કલાપૂર્ણ પ્રતિમાઓ અને રૂપકામો. 80 જેટલી કલાત્મક છતો. નજાકત સભર કમાનો. (હિડોલક તોરણો). ગુજરાતના 300 થી પણ વધારે સોમપુરા શિલ્પકારો આ મંદિરના પથ્થરોનો હથોડી ટાંકણાથી કંડારાશે. મંદિર બાંધકામનું કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.અત્યંત આધુનિક ઈન્ટરેકટીવ ટેકનોલોજીના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને અને તેના સનાતન મુલ્યોને માણી શકે તે માટે સાંસ્કૃતિક પ્રદર્શન ખંડો, સંસોધન કેન્દ્ર ભવ્ય હરિયાળી ઉદ્યાનો સાથે રચનાત્મક શિલ્પો અને સંગીતમય ફુવારાઓથી મનને શાંત કરી દે તેવું વાતાવરણ ખડું કરાશે. ઉમિયાધામ જશવંતપુરના પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઇન્ચાર્જ નિલયભાઈ ડેડાણીયા જણાવ્યું કે ભારતીય સ્થાપત્ય નિર્માણમાં શિલ્પશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે સર્વ પ્રથમ વસ્તુવિધિ શિલાન્યાસવિધિ કરીને અર્થાત વાસ્તુપુરુષની અને તેની પર બેઠેલા દેવોની અનુમતિ લઈને પછી જ પૃથ્વી પર કોઇપણ પ્રકારનું બાંધકામ શરુ થાય.
- Advertisement -
આ દિવ્ય સર્જનના ખાતમુહૂર્તમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત વિવિધ ધાર્મિક સંગઠનોના નેતાઓ, અનેક મહાનુભાવો અને સમુદાયના અગ્રણી સભ્યો હાજર રહેશે. પ્રાચીન ભારતની શિલ્પસ્થાપત્યની પરંપરાને અનુસરીને શાંતિના પ્રતિક એવા ગુલાબી બંસી પહાડપુરના પથ્થરોમાંથી સર્જન પામનાર આ મંદિર કલાત્મક કોતરકામની ભવ્યતાને ઉજાગર કરતું અન્ય વિશ્વ પ્રસિદ્ધ સાંસ્કૃતિક સ્મારકોની હરોળમાં ગૌરવવતું ઉભું રહેશે. પ્રાચીન મંદિરો અને સ્થાપત્યોનો ઊંડો અભ્યાસ તથા સંસોધન કરીને સનાતન ધર્મના પરંપરાગત અને પ્રમાણભૂત સ્થાપત્ય મૂજબ જ રચાતા આ મંદિરના 15000થી પણ વધારે પથ્થરોને ગુજરાત અને રાજસ્થાનના 300થી પણ વધારે સોમપુરા શિલ્પકારો દ્વારા કંડારીને રાજકોટ લઈ જવામાં આવશે. ત્યાં શિલ્પકારો આ પથ્થરોને એકબીજામાં સાંકળીને મંદિરનું નિર્માણ કરશે. ગર્ભગૃહમાં 51 ઇંચના મા ઉમિયાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને આજુબાજુના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણજી અને શિવજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે.