શૌચાલયમાં ગંદકી, કચરો અને દુર્ગંધનું સામ્રાજ્ય, મકાન પણ અત્યંત જર્જરિત હાલતમાં
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પર્યટન વિભાગ અનેક યોજનાઓ પાછળ યાત્રિકોને સવલતો અને સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ જ્યાં સુધી છેવાડાના વિસ્તારનું સરકારી તંત્ર અને બાબુઓ નહીં સુધરે ત્યાં સુધી આ ખર્ચાઓ પાણીમાં ગરક જ થશે ! આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે આવેલા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ સંચાલિત પેસેન્જર જેટી પ્રકાશમાં આવ્યો છે. ઓખાથી બેટ-દ્વારકા જવા માટે બંને બાજુએ જીએમબી સંચાલિત ફેરી સર્વિસ બોટની જેટ્ટીઓ આવેલી છે. વર્ષોથી આ બંને જેટી અને ફેરી સર્વિસ બોટનું સંચાલન ઓખા જીએમબી કરે છે. છેલ્લા કેટલાય સમયથી અહીંથી મુસાફરો-યાત્રિકોની અનેક પ્રકારની સમસ્યાઓની ફરિયાદો આવી રહી છે.
- Advertisement -
બેટ જવા જેટીના પ્રવેશદ્વારમાં પ્રવેશતાની સાથે જ કચરો અને ગંદકીના ગંજ જોવા મળે છે. આગળ જતા બંને બાજુ ફેરિયાની દુકાનોનું દબાણ જોવા મળશે. જે જગ્યા પર દુકાનો લગાવીને ફેરિયાઓએ પાથરણા કર્યા છે તેની પાછળ ખૂબ ગંદકી અને કચરો જોવા મળે છે. તેમજ ગેરકાયદેસર આડેધડ પાર્કિંગ કરાતું હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આટલું પૂરતું ન હોય તેમ સુલભ શૌચાલયની ખખડધજ હાલત લોકોને વધુ મુસીબતમાં મૂકે છે. અહીં અત્યંત દુર્ગંધ, કચરો અને ગંદકી મુસાફરને અંદર જતા જ અટકાવી દે છે. અને જો કદાચ અંદર પ્રવેશ કરી ગયા તો નવી આફત રાહ જોઇને ઉભી હોય છે. શૌચાલયનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે. પુરુષ અને મહિલા બંને વિભાગની છતોમાંથી પોપડા પડે છે. પુરુષ શૌચાલયનો તો અડધો ભાગ ગમેત્યારે કડડભૂસ થવાની તૈયારીમાં ઉભો છે. અંદર લાઇટની પણ વ્યવસ્થા નથી. શૌચાલયમાં સુવિધાના નામે મીડું હોવા છતાં લોકો પાસેથી 10 રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે. મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રએ યાત્રિકો માટે શૌચાલય કાર્યરત રાખ્યું છે તે આશ્ચર્ય પમાડનારી વાત છે. આ અંગે ઓખા જીએમબી તંત્રની તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં પૂરતો સ્ટાફ નથી! ઉપરાંત ટ્રાફિક ઓફિસર, હેડ ક્લાર્ક અને અન્ય પદો પણ ખાલી પડ્યા છે. હાલ પોર્ટ ઓફિસર તરીકે મિશ્રા ચાર્જમાં છે. કાર્યપાલક ઇજનેર પવાર પોરબંદરથી ચાર્જમાં અહીં પણ ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. આટલી સમસ્યાઓ હોવા છતાં સંબંધિત તંત્ર ગાઢ નિંદ્રામાં પોઢેલું છે. આ તમામ મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા તીવ્ર લોક માંગ
ઉઠી છે.