ખાસ-ખબર સંવાદદાતા
સોરઠની કેસર કેરી વિશ્ર્વ પ્રખ્યાત છે. તેમા પણ ખાસ કરીને ગીરમાં થતી કેરીની સોડમ બધે ફેલાયેલી છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો બાગાયત પાકોમાં કેરી પછી નાળિયેરીનું વાવેતર વધુ છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એક અંદાજ પ્રમાણે 14,879 હેકટરમાં નાળિયેરીનું વાવેતર છે.તેમજ ગડુ નજીકથી દરરોજ 70 થી વધુ નાના મોટા ટ્રક નાળિયેર(ત્રોફા)નાં ભરાય છે. આ નાળિયેર દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં જાય છે. સોરઠમાં લાંબો દરિયા કિનારો છે. ત્યારે નાળિયેરીનાં વાવેતરને પ્રોત્સાહન મળે અને તેમા આવતા રોગ વગેરેમાં ખેડૂતોને માર્ગદર્શન અને માહિતી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે અને તેના ભાગરૂપે જૂનાગઢનાં ફોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફીસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. અહી ઓફીસ કાર્યરત થતા તેનો સીધો લાભ ખેડૂતોને મળશે.જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસના ઉદ્ધાટન સમારોહના આયોજન અંગેની સમીક્ષા બેઠક કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદ્ધાટન તા.2ના સવારે 10 કલાકે કરશે.
- Advertisement -
આ તકે કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 11 કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે વિશ્ર્વ કોકોનેટ ડે ઉપર કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં નાળિયેર વિકાસ બોર્ડ જૂનાગઢ કચેરીના ઉદ્ધાટન માટે નિયુક્ત અધિકારીઓ, સંબંધિત એસડીએમ, મામલતદાર, નાયબ નિયામક બાગાયત, જિલ્લા કૃષિ અધિકારી, ભૂતપૂર્વ એન્જી આર એન્ડ બી સ્ટેટ, એનઆઈસી ટીમ અને પીજીવીસીએલ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. એસડીએમ કેશોદ અને એસડીએમ મેંદરડાને કૃષિ કચેરી સાથે સંકલન કરવા અને માળિયા અને માંગરોળ પટ્ટામાં નાળિયેરના ખેડૂતોનો ડેટા રાખવા તથા ડેટા મેળવવા સૂચના આપી હતી. ડેટા માટે ખેડૂતો સાથે સંકલન કરવાનું પણ જણાવ્યુ હતું. ગીર સોમનાથ જિલ્લામાં 8579 હેકટરમાં નાળિયેરીનું વાવેતર છે. જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ કહ્યું હતું કે,જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો 6300 હેકટર વાવેતર વિસ્તાર છે. નાળિયેરી પાક માટેના રોપા માંગરોળ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે.
દરિયાકાંઠા વિસ્તારમાં જુદી-જુદી જાતની નાળિયેરીનું વાવેતર
ગીર પંથકમાં દેશીની વાન ફેર(ટી.ડી.હાઇબ્રિડ), લોટણનો વાન ફેર(બી.ટી.હાઇબ્રિડ), લોટણ અને દેશી, ઠીંગણી જાત,દેશી જાતની નાળિયેરીનું વાવેતર થાય છે. સોરઠને લાંબા દરિયા કિનારનો ફાયદો મળી રહ્યો છે.
બન્ને જિલ્લામાં 14879 હેકટરમાં નાળિયેરીનું વાવેતર : જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફીસનો થશે પ્રારંભ
- Advertisement -
પંથકમાંથી દરરોજ 70થી વધુ ટ્રક લીલા નાળિયેર(ત્રોફા)નાં ભરાય છે
જમ્મુ-કાશ્મીર સુધી નાળિયેર પહોંચે છે
ગીર સોમનાથનાં વેરાવળ,કોડીનાર,ગીર ગઢડા, સુત્રાપાડા,ઉના પંથકમાં નાળિયેરીનું વાવેતર છે. જૂનાગઢનાં માંગરોળ, ચોરવાડ, કુકછવાડા સહિતનાં પંથકમાં નાળિયેરનું ઉત્પાદન થઇ રહ્યું છે. સોરઠમાં ઉત્પાદન થતા નાળિયેર સાઉથનાં ભાગને બાદ કરતા જયપુર, ઉદયપુર, ઈન્દોર, અૃમતસર, દિલ્હી, લુધિયાણા, જન્મુ -કાશ્મીર સુધી પહોંચે છે. તેમજ કેરળ અને સાઉથમાં નાળિયેર થાય તે ગીરનાં નાળિયેર કરતા સાઇઝમાં મોટા અને સુંદર હોય છે. પરંતુ ગીરનાં નાળિયેરમાં મીઠાસ વધુ હોય છે.