એશિયાનું ગૌરવ અને વિશ્વભરના સિંહપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા સાસણ ગીરમાં તાજેતરમાં એક એવો નજારો જોવા મળ્યો, જે ભાગ્યે જ જોવા મળે છે. ગીરના જંગલમાં સિંહના દર્શન થવા એજ એક લહાવો છે, પરંતુ જ્યારે એક સાથે અગિયાર સિંહ જોવા મળે, ત્યારે પ્રવાસીઓ માટે તે ક્ષણ જીવનભરની યાદગીરી બની જાય છે. ગીરના સફારી રૂટ પર પ્રવાસીઓ આ જ પ્રકારના અદ્ભુત અને દુર્લભ દ્રશ્યના સાક્ષી બન્યા હતા. સફારીના નિયત રૂટ પર સિંહદર્શન માટે નીકળેલા પ્રવાસીઓની જીપ્સીઓ એક જગ્યાએ પહોંચી ત્યારે તેમને વિશાળ સિંહ પરિવારના દર્શન થયા. એક-બે કે પાંચ નહીં, પરંતુ કુલ અગિયાર સિંહ એક જ જગ્યાએ આરામ ફરમાવી રહ્યા હતા. જંગલના નિયમ મુજબ, સિંહની પ્રાઈડ (સમૂહ) સામાન્ય રીતે ત્રણથી પાંચ સભ્યોની હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં સિંહોને એક સાથે જોવું એ ગીરના ઇતિહાસમાં નોંધનીય ઘટના ગણાય છે. સફારીના નિયમિત ડ્રાઈવરો અને ગાઈડો માટે પણ આ દ્રશ્ય આશ્ચર્યજનક હતું. આ સિંહો સફારીના મુખ્ય રૂટની નજીક જ શાંતિથી આરામની પળો માણી રહ્યા હતા. તેઓ નિશ્ચિંતપણે પડ્યા હતા અને તેમના ચહેરા પરની શાંતિ જંગલના રાજાની ગરિમા દર્શાવતી હતી. આ અદભુત નજારો જોઈને પ્રવાસીઓ હરખાઈ ઉઠ્યા હતા. પ્રવાસીઓએ તાત્કાલિક પોતાના કેમેરા અને મોબાઈલમાં આ યાદગાર ક્ષણને કેદ કરી લીધી હતી.
સાસણ ગીરમાં સફારી રૂટ પર એક-બે નહીં પણ એકસાથે 11 સિંહોનો આરામ

You Might Also Like
Follow US
Find US on Social Medias


