ફેબ્રુઆરીમાં સરકાર માત્ર વૉટ ઑન એકાઉન્ટ રજૂ કરશે
જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર 7.6 ટકા
- Advertisement -
બીજા ક્વાર્ટરમાં ભારતનો નોંધાયેલો વિકાસ દર વિશ્ર્વમાં સૌથી વધારે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે કહ્યું હતું કે આગામી એક ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનારા બજેટમાં કોઇ મોટી જાહેરાતો નહીં કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે તે પૂર્ણ બજેટ નહીં હોય બલકે વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનુદાન રહેશે. નાણાં પ્રધાને કહ્યું હતું કે આ સત્ય છે કે આગામી 1 ફેબ્રુઆરીના રોજ જે બજેટ જાહેર કરવામાં આવશે તે વોટ ઓન એકાઉન્ટ રહેશે કારણ કે તે સમયે અમે ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા હોઇશું તે કારણે સરકાર જે પણ બજેટ રજૂ કરશે તે નવી સરકારની રચના ન થાય ત્યાં સુધીના સરકારી ખર્ચાઓને પૂરા કરવા માટે રહેશે. સીતારામને ઈઈંઈં ગ્લોબલ ઇકોનોમિક ફોરમમાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આગામી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ રજૂ કરવાનો સમય આવશે ત્યારે દેશ લોકસભા ચૂંટણીના મોડમાં રહેશે અને તે સમયે સરકાર પૂર્ણ કદનું બજેટ રજૂ નહીં કરે બલકે તે વોટ ઓન એકાઉન્ટ રહેશે. લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થાય તે બાદ જે નવી સરકાર આવશે તે પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે.
દેશમાં રોજગારના મોરચે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યસભામાં આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં બેરોજગારીના દરમાં મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2017-18ની 17.8 ટકાની સરખામણીમાં દેશમાં બેરોજગારી દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે ઘટીને 10 ટકા જ રહી ગયો છે. નાણાં પ્રધાને વધુમાં ઉમેર્યુ હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13.5 કરોડ લોકો મલ્ટિ ડાયમેન્શનલ ગરીબીમાંથી બહાર નીકળ્યા છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા જ નથી બલકે વર્તમાન નાણાં વર્ષના બીજા ક્વાર્ટરમાં તેનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે છે. નાણાં પ્રધાને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હેઠળ ભારતીય અર્થતંત્ર દ્વારા ભારે પ્રગતિ કરાઇ છે. દેશનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં દસમું સૌથી મોટું અર્થતંત્ર હતું જે વધીને 2023માં વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર 7.6 ટકા રહ્યો હતો. બીજા ક્વાર્ટરમાં ભારતનો નોંધાયેલો વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે છે.