ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ રાજકોટમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને રાજકોટ લોકસભા બેઠક માટે ફરી ચર્ચાઓનું બજાર ગરમ છે.
સૂત્રોનો દાવો: મૌલેશભાઈ ચૂંટણી લડવા અગાઉ જ ઈન્કાર કરી ચૂક્યા છે!
- Advertisement -
અત્યંત વિશ્ર્વાસપાત્ર વર્તૂળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ લોકસભા બેઠક પરથી પાટિદાર ભામાશા મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ)ને ટિકિટ આપવા માટે ભાજપની રાષ્ટ્રીય સ્તરની નેતાગીરીને ખાસ્સો રસ છે. આ અંગે તેઓ મૌલેશભાઈનો સંપર્ક પણ કરી ચૂક્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. બીજી તરફ જાણવા મળતી વિગતો મુજબ તેમણે ચૂંટણી લડવા અગાઉ જ ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આજથી લગભગ દોઢ-બે મહિના પહેલાં પણ લોકસભા ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર તરીકે મૌલેશ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાવાની ચર્ચા ખૂબ ચાલી હતી. એ સમયે મૌલેશ ઉકાણીએ એમ કહીને ચર્ચા ટાળી હતી કે, ‘મારો માર્ગ દ્વારકા તરફ જાય છે, દિલ્હી કે ગાંધીનગર તરફ નહીં!’ જો કે, મૌલેશભાઈએ પોતાનાં વિચાર સ્પષ્ટ કરી દીધાં હોવા છતાં ભાજપ નેતાગીરીએ પોતાની આશા છોડી નથી. જો કે, મૌલેશભાઈ ચૂંટણી ન લડે તો પણ એમને કોઈ અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય એવી શક્યતા ઘણાં લોકો જોઈ રહ્યાં છે. એમનાં સંપર્કો ભાજપમાં છેક ઉપર સુધી છે. નેતાગીરી તેમની શક્તિઓ અને સામર્થ્યથી વાકેફ છે. આવી સ્થિતિમાં તેમની પ્રચંડ શક્તિ, અનન્ય પ્રભાવનો હકારાત્મક લાભ મેળવવા ભાજપ નેતાગીરીએ મન બનાવી લીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે.
મૌલેશ પટેલની આવડત અને આયોજનશક્તિનો ઉપયોગ કરવો હોય તો તેમને દ્વારકા કોરિડોરનું કામ સોંપવું જોઈએ
મૌલેશ ઉકાણીમાં અખૂટ આયોજનશક્તિ અને દૂરંદેશી છે. તેઓ સેંકડો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેમણે આજ સુધીમાં સેંકડો મેગા આયોજનો પાર પાડ્યા છે. મૂળે તેઓ રાજકારણનો નહીં, સેવાનો અને ભક્તિનો જીવ છે. તેમની પ્રચંડ આયોજનશક્તિ અને સંગઠ્ઠનશક્તિનો અસરદાર ઉપયોગ કરવો હોય તો તેમને પ્રસ્તાવિત દ્વારકા કોરિડોરની તમામ જવાબદારીઓ સોંપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, વારાણસીના કાશી વિશ્ર્વનાથ અને ઉજ્જૈનના મહાકાલેશ્ર્વર કોરિડોરની માફક દ્વારકા તીર્થને વિકસાવવા એક ભવ્ય- દિવ્ય કોરિડોરનું કેન્દ્રનું આયોજન છે. બધાં જાણે છે તેમ મૌલેશ ઉકાણી દ્વારકાધીશના પ્રખર-પરમ ભક્ત છે અને એક રીતે તેમણે પોતાનું સમગ્ર અસ્તિત્વ જ દ્વારકાધીશનાં ચરણોમાં સોંપી દીધું છે. એમની પાસે ભક્તિની શક્તિ છે, આયોજનનાં આશીર્વાદ છે, પ્રામાણિકતાની મૂડી છે. આવી સ્થિતિમાં તેમને દ્વારકા કોરિડોરની જવાબદારી મળે તો આખા આયોજનને ચાર નહીં, ચારસો ચાંદ લાગી જાય.
મૌલેશ ઉકાણીના નામ પર શા માટે ચર્ચા? એક કાંકરે અનેક પક્ષી…
મૌલેશ ઉકાણીનું નામ ખૂબ મોટું છે. માત્ર કડવા પાટિદાર સમાજમાં જ નહીં, અઢારેય વર્ણનાં તમામ સમાજમાં તેમનાં પ્રત્યે ભારોભાર આદર છે. તાજેતરમાં તેમના શષ્ઠીપૂર્તિ મહોત્સવમાં સમાજની દરેક જ્ઞાતિ, દરેક સંસ્થાઓએ જે પ્રકારે ભાગ લીધો- એ દર્શાવે છે કે, એમની શાખ આકાશને આંબે છે. આમ, રાજકીય પક્ષો પણ જાણે છે કે, મૌલેશભાઈને ટિકિટ આપવામાં આવે તો રાજકોટની સીટ તો ગજવાભેર થઈ જ જાય, સાથે-સાથે અન્ય સીટ પર પણ પોઝિટિવ અસર થાય.
- Advertisement -