‘નારાયણ…નારાયણ’ આવું સાંભળતાની સાથે જ આપણા મગજમાં લાંબી ચોટલીવાળા ને તાનપુરા હાથમાં લઈને ફરતા નારદમુનિ સામે આવે. અમુક લોકો જયારે બીજાના જીવનમાં આગ લગાડવા માટે, એકની વાત બીજાને ને બીજાની વાત ત્રીજાને કરતાં હોય છે ત્યારે આપણે તેવા લોકોને કહીએ છીએ કે, ’શું નારદમુનિ બને છે!’ અમુક શબ્દો એવા હોય છે કે જેમાં સમય જતા થોડો બદલાવ આવે છે એટલે કે શબ્દનું અપભ્રંશ થાય, પણ અહીં તો એક નખ-શીખ પવિત્ર અને પ્રેરણાદાયક વ્યક્તિત્વને જ પંતુજી જેવું બિરુદ આપીને તે ચરિત્રની સાથે-સાથે આપણને પણ અન્યાય કરીએ છીએ. દુ:ખદ વાત તો એ છે કે આપણે નારદમુનિને ટીવી સીરિયલમાં આવતા સાસ-બહુની જેમ જોઈએ છીએ. એ ખરું કે તેમનો આ વેશ અને હાથમાં ધારણ કરેલા ’મહાથી’ એટલે કે તાનપુરા એમની ઓળખાણ છે, પરંતુ આ ઉપરાંત પણ તેમની એક પહેચાન છે જે ખુબ ઓછા લોકોને ખબર હશે. તો આજનો નારદ જયંતીનો દિવસ અતિ શુભ છે લોકોની આ ગેરસમજણ દૂર કરવા માટે. બ્રહ્માના પુત્ર નારદના ઉલ્લેખ તો રામાયણ – મહાભારત અને જૈન ધર્મમાં પણ મળે છે.
તે સમયનું આ પ્રભાવશાળી વ્યક્તિત્વ આજની સદીમાં પણ રીલેવન્ટ છે. ખુબ જ જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને પત્રકારત્વનાં વિદ્યાર્થી રહેલા વિવેક અગ્નિહોત્રીનાં કહેવા મુજબ દુનિયાના સર્વપ્રથમ જો કોઈ પત્રકાર હોય તે એ છે નારદમુનિ! તેઓ ’સત્યપ્રિયવચન’ એટલે કે જે યથાર્થ વાત છે, તેનો જ પ્રચાર કરતા. આ હતું સમાજને જોડી રાખવાનું અને વિભિન્નતા હોવા છતાં તેને એક રાખવાનું દાયત્વ ને કર્તવ્ય. જે પત્રકારીતાનો એક બહુ અગત્યનો સિદ્ધાંત છે. લોકોના વિચારો અને વિગતો ફેલાવવાની સાથે – સાથે તેઓ ખોટી અને નકામી કથાઓ, બાબતો, વ્યવહારોને નાબૂદ કરતા જેથી સમાજ શુદ્ધ આચરણ ધરાવે અને એક ઉચ્ચ સ્તર પર સ્થાપિત થાય. નારદમુનિ જગતમાં ફરીને માહિતી ભેગી કરતાં, એટલે કે પ્રાઈમરી સોર્સ હતાં. જયારે આજના અમુક પત્રકારો તો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવાને બદલે સેલિબ્રિટી બની ગયા છે. અઈ ઑફિસમાં બેઠાં-બેઠાં પૈસા, પોલિટિક્સ, પાવર, પાખંડીઓના તમાશા ને સેલિબ્રિટીઝના જલવા વિશે બરાડા નાખશે. તો બીજી તરફ ફેક ન્યુઝની ફેક્ટરી બનેલાં સોશિયલ મીડિયાનાં સમાચારોને ફેક્ટ ચેક કરતાં ફેક્ટ ચેકરોનો રાફડો ફાટ્યો છે. પણ હવે સવાલ એ ઉભો થાય કે આ ફેક્ટ ચેકરને કોણ ચેક કરશે. અમુક પત્રકારો તો ઝછઙના ચકડોળમાં એવા ફસાયા છે કે મૂળ પત્રકારિતાને ભૂલી જ ગયા છે.
- Advertisement -
આપણાં યુગપુરુષોને બદલે આતંકવાદીઓના ગ્લોરિફિકેશન થઇ રહ્યા છે. આવી તો અનેક વાતો છે પણ… પત્રકારત્વ તો દરેક લોકોના જીવનનું એક અભિન્ન અંગ હોય છે મતલબ દરેક લોકો કોઈ ના કોઈ રીતે રોજિંદા જીવનમાં સમાચારો, આસપાસની ખબરો જાણે છે અને અન્ય લોકો સુધી પહોંચાડે છે. સાચો પત્રકાર તો એને કહેવાય જે પોતાના માન-પ્રતિષ્ઠા કરતાં દેશની પ્રગતિને લગતાં મહત્વનાં પરિબળોને સમાજ સમક્ષ રજૂ કરી તેને મજબૂત બનાવવા માટે પહેલા પ્રાધાન્ય આપે. જો ભારતનો પત્રકાર જ પત્રકારિત્વ ધર્મ ભૂલી જશે તો દેશનું પતન થશે. પત્રકારિતા તો દેશનો ચોથો સ્તંભ છે અને તે અન્ય ત્રણ સ્તંભો જેટલો જ સમાન અને મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં હજુ પણ આ ક્ષેત્રને બીજા ક્ષેત્રોની જેમ અગત્યનું નથી માનવામાં આવતું. પત્રકાર એ લોક શિક્ષક છે. તે લોકોની વિચારધારાને બદલી શકે છે. ભારતને અનેક નારદની જરૂર છે જે મહાથીરૂપી કલમ પકડી પ્રમાણિકતાના રસ્તા પર ચાલે અને સિદ્ધાંતોનો સાથ ક્યારેય ના છોડે. તો આજના આ દિવસે નારદમુનિને વંદન કરીએ અને લોકોને ઉજાગર કરીએ; તે જ સર્વશ્રેષ્ઠ નારાયણ-ધર્મ રહેશે.



