રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રૂજી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી, એની વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ સામાન્ય કરતાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં સામાન્ય કરતા 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને સુરતમાં 1.3 ડિગ્રીના ઘટાડે સાથે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં સાડાસાત ડિગ્રી તાપમાન ઘટી જતાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 5 પર પહોંચ્યો હતો, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી. કડકડતી ઠંડીના કારણે લોકો ગરમ કપડાં અને તાપણા કરતા જોવા મળ્યા હતા.
રાજ્યમાં મંગળવારે રાત્રે કચ્છના નલિયા અને રાજકોટમાં કોલ્ડવેવનો અનુભવ થતા તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે ગગડ્યો હતો. આ બંને જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્રણ દિવસ બાદ તાપમાન ઊંચકાતા લોકોને થોડી રાહત અનુભવાશે.
- Advertisement -
માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં: બરફની ચાદર
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.
રાજકોટમાં શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માગ
રાજ્યમા શિયાળાની શરૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનું જોર ખૂબ વધ્યું છે. આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે જે શાળાઓ સવારની પાળીમા શૈક્ષણિક કાર્ય ચલાવે છે, જેમનો શરૂ થવાનો સમય વહેલી સવારે 7થી 7.30 વાગ્યાનો હોય છે, એટલે કે વાલીને વિદ્યાર્થીને 6 વાગ્યાથી જગાડીને તૈયાર કરીને સમયસર સ્કૂલ પર પહોંચાડવાના થતા હોય છે, જેથી સવારની પાળીની શાળાઓનો સમય 9 વાગ્યાનો કરવા માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.