રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં એક પછી એક કંપનીઓ ઉમેરી રહી છે, ગુજરાતની એક કંપનીના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાનો બિઝનેસ સતત વધારી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં એક પછી એક કંપનીઓ ઉમેરી રહી છે. વાત જાણે એમ છે કે, હવે આ ક્રમમાં ગુજરાતની એક કંપનીના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર મારવામાં આવી છે. અમદાવાદ સ્થિત લાલભાઈ પરિવારની પ્રમોટ કરેલી કંપની અરવિંદ ફેશને શુક્રવારે તેના સ્ટોક એક્સચેન્જમાં આ અંગેની માહિતી શેર કરી છે.
- Advertisement -
અરવિંદ ફેશન દ્વારા શું કહેવામાં આવ્યું ?
અરવિંદ ફેશન દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સેફોરાએ તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા અને ટ્રાન્સફર કરવા માટે સંમતિ દર્શાવી છે. કંપનીના બ્યુટી પ્રોડક્ટ્સ વિભાગ રિલાયન્સ બ્યુટી એન્ડ પર્સનલ કેર લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યો છે. આ કરાર વિશે માહિતી શેર કરતી વખતેફેશન કંપનીએ કહ્યું છે કે, આ ડીલની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ રિટેલ હવે તેની સહાયક કંપની રહેશે નહીં.
આ ડીલ રૂ.99 કરોડમાં પૂર્ણ થશે
એક અહેવાલ મુજબ કંપની દ્વારા ફાઇલિંગમાં આ ડીલની રકમનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. અરવિંદ ફેશનના જણાવ્યા અનુસાર કંપનીના બ્યુટી પ્રોડક્ટ્સ વિભાગનો સમગ્ર ઇક્વિટી હિસ્સો મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ રૂ. 99.02 કરોડ અથવા $11.89 મિલિયનમાં ખરીદવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ રિટેલનું ટર્નઓવર રૂ. 336.70 કરોડ હતું. અરવિંદ ફેશનની સંકલિત આવકમાં બ્યુટી સેગમેન્ટ બિઝનેસનો ફાળો 7.60 ટકા હતો.
ખરીદીના સમાચારને કારણે શેરમાં ઉછાળો
ભારતીય શેરબજાર શુક્રવારે તેજી સાથે બંધ થયું હતું. BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 282.88 પોઈન્ટ વધીને 64,363.78 ના સ્તર પર બંધ થયા છે, જ્યારે NSE નો નિફ્ટી 97.35 પોઈન્ટ વધીને 19,230.60 ના સ્તર પર બંધ થયો છે. બજારની તેજી વચ્ચે મુકેશ અંબાણીની રિલાયન્સ સાથેની આ ડીલના સમાચારની અસર અરવિંદ ફેશનના શેર પર પણ જોવા મળી હતી અને તેઓ તોફાની ગતિએ દોડ્યા હતા. દિવસના ટ્રેડિંગ દરમિયાન અરવિંદ ફેશન શેર લગભગ 10 ટકા વધીને રૂ. 362.20 પર પહોંચી ગયો. જોકે ટ્રેડિંગના અંત સુધીમાં તેમાં ઘટાડો થયો હતો તેમ છતાં તે 5.85 ટકાના વધારા સાથે રૂ. 344 પર બંધ થયો હતો.
- Advertisement -
ઈશા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ રિટેલનો બિઝનેસ વધ્યો
નોંધનીય છે કે, મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની ડિરેક્ટર છે અને તેમના નેતૃત્વમાં કંપનીનો બિઝનેસ સતત વધી રહ્યો છે. એક પછી એક ડીલ સાથે રિલાયન્સ રિટેલનો પોર્ટફોલિયો મજબૂત થઈ રહ્યો છે. અરવિંદ ફેશન સાથેના તાજેતરના સોદા પહેલા રિલાયન્સ રિટેલે તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની કંપની એડ-એ-મમ્મામાં 51 ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો.