ઇસરો દ્વારા ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના સાઉથ પોલની નજીક એક લેન્ડિંગ સાઇટ શોધી લીધી છે. ચંદ્રયાન-2 ઑર્બિટરથી મળેલી ફોટોના આધારે વૈજ્ઞાનિકોએ મોન્સ મ્યુટોન (MM-4) વિસ્તારને લેન્ડિંગ માટે સૌથી યોગ્ય ગણાવ્યો છે. મોન્સ મ્યુટોન ચંદ્રના સાઉથ પોલની નજીક આવેલો લગભગ 6,000 મીટર ઊંચો પર્વત છે. તેની ઊંપરનો વિસ્તાર એટલે કે ટોચની ઘણી જગ્યા સપાટ હોવાથી લેન્ડિંગ માટે તે અનુકૂળ છે. અત્યારે આ જગ્યા નક્કી તો કરવામાં આવી છે, પરંતુ લેન્ડિંગ સાઇટને લઈને અંતિમ નિર્ણય લોન્ચની નજીક લેવામાં આવશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર એટલા માટે પણ મહત્ત્વનો છે, કારણ કે અહીં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. ઉપરાંત આ વિસ્તારમાં પાણીના બરફ હાજર હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે. મોન્સ મ્યુટોન ચંદ્રના સાઉથ પોલ પર છે. તેને સામાન્ય રીતે લાઇબનિટ્ઝ બીટા તરીકે ઓળખવામાં આવતો હતો. જોકે ત્યાર બાદ નાસાની ગણિતશાસ્ત્રી અને કમ્પ્યુટર પ્રોગ્રામર મેલ્બા રોય મ્યુટોનના નામ પરથી મોન્સ મ્યુટોન નામ રાખવામાં આવ્યું.
- Advertisement -
ચંદ્રયાન-2ની ફોટોમાંથી મળી મદદ
કેટલાક રિપોર્ટ્સ મુજબ વૈજ્ઞાનિકોએ આ સ્ટડીને લૂનર એન્ડ પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ (LPSC 2026)માં રજૂ કરી હતી. લેન્ડિંગ સાઇટ નક્કી કરવા માટે ચંદ્રયાન-2 ઑર્બિટર પર લગાવેલા ઑર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા (OHRC)ની ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેમેરા ચંદ્રની સપાટીને લગભગ 32 સેન્ટીમીટર પ્રતિ પિક્સલના રિઝોલ્યુશનથી દેખાડે છે. આથી નાના ક્રેટર, પથ્થર, ઢાળ અને સપાટીનું બંધારણ એમાં સ્પષ્ટ દેખાય છે. આ ફોટોને કારણે લેન્ડિંગ માટે જોખમી વિસ્તારોની ઓળખ પહેલેથી થઈ જાય છે.
MM-4ને લેન્ડિંગ માટે કેમ પસંદ કરવામાં આવ્યું?
- Advertisement -
સ્ટડીમાં મોન્સ મ્યુટોન વિસ્તારની ચાર અલગ-અલગ લેન્ડિંગ સાઇટ્સનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે એમાં MM-4 સાઇટને સૌથી સુરક્ષિત માનવામાં આવી છે.
આ સાઇટ પર સરેરાશ ઢાળ લગભગ 5 ડિગ્રી છે. લેન્ડર 10 ડિગ્રી સુધીની ઢાળ પર ઉતરવામાં સક્ષમ છે. અહીં મોટા પથ્થર ઓછા છે અને મોટાભાગના બોલ્ડર 0.3 મીટરથી નાના જોવા મળ્યા છે અને આ જ કારણ છે કે લેન્ડિંગ પરનું જોખમ અહીં ખૂબ જ ઓછું છે.
MM-4 સાઇટ પર સતત 11થી 12 દિવસ સુધી સૂર્યપ્રકાશ મળવાની શક્યતા છે અને એ લેન્ડિંગ માટે અને વિઝ્યુઅલ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
આ વિસ્તારમાંથી પૃથ્વી સાથે રેડિયો કમ્યુનિકેશન પણ સ્પષ્ટ રહી શકે છે, જેના કારણે મિશન દરમિયાન સંપર્કમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની સંભાવના નહીંવત છે.
સેમ્પલ લઈને પાછું ફરશે ચંદ્રયાન-4
2104 કરોડ રૂપિયાના આ મિશનમાં ચંદ્રના પથ્થરો અને માટીને પૃથ્વી પર પાછું લાવવામાં આવશે. મિશનમાં બે અલગ-અલગ રૉકેટનો ઉપયોગ કરવામાં આવશે. હેવી-લિફ્ટર LVM-3 અને ઇસરોનો રિલાયબલ વર્કહોર્સ PSLV અલગ-અલગ પેલોડ લઈને જશે.
સ્ટેજ 1માં લૂનર સેમ્પલ કલેક્શન માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર લૂનર સેમ્પલ કલેક્શન માટે ડિસેન્ડર મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેજ 2માં થ્રસ્ટ માટે એક પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવશે. ચંદ્રયાન-4ને ઇસરોનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ચંદ્ર મિશન માનવામાં આવી રહ્યું છે.
ISROના અત્યાર સુધીના ત્રણ ચંદ્રયાન મિશન
પહેલું મિશન : 2008માં ચંદ્રયાન-1 ચંદ્ર પર પાણી શોધવા માટે સફળ રહ્યું હતું.
બીજુ મિશન : 2019માં ચંદ્રયાન-2 ચંદ્રની નજીક પહોંચ્યું હતું, પરંતુ લેન્ડ નહોતું થયું.
ત્રીજુ મિશન : 2023માં ચંદ્રયાન-3 ચંદ્રના સાઉથ પોલમાં પહોંચ્યું હતું અને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. આ મિશન દ્વારા દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ હતી.
ISROનું PSLV-C62 મિશન નિષ્ફળ ગયું હતું. લોન્ચ થયા પછી 8 મિનિટમાં PSLV રૉકેટ નક્કી કરેલા માર્ગથી ભટકી ગયું હતું. આ રૉકેટથી સાથે એક સેટેલાઇટ મોકલવામાં આવી હતી. સ્પેનની આ સેટેલાઇટ કંપનીએ જણાવ્યું છે કે તેમને સેટેલાઇટનો સિગ્નલ મળ્યો છે. સ્પેનની સ્ટાર્ટઅપ કંપની ઑર્બિટલ પેરાડાઇમએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ટેક્નિકલ ખામી પહેલાં જ તેમનો KID (Kestrel Initial Demonstrator) સેટેલાઇટ રૉકેટથી અલગ થઈ ગયો હતો. આ જ કારણથી તેને કોઈ નુકસાન પહોંચ્યું નથી.




