પવનની ઝડપ 4.7 કિમી રહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
રવિવારે જુનાગઢ સહિત સોરઠમાં મિશ્ર હવામાન રહ્યું હતું સવારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું હતું તો બપોરે પારો વધી 39એ પહોંચી જતા લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારની રાત્રિના તાપમાન એક ડિગ્રી ઘટીને 23.4 ડિગ્રી નોંધાયું હતુ પરંતુ રવિવારની સવારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 19.5 ડિગ્રી થઈ ગયું હતું. જેના પરિણામે એકંદરે ઠંડક રહી હતી પરંતુ સવારે વાતાવરણમાં ભેજ ઘટીને 49 ટકા થઈ જતા બફારો વધ્યો હતો અને બપોર થતાની સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ હતી. શનિવારની સરખામણીએ રવિવારની બપોરના મહત્તમ તાપમાનનો પારો 1 ડિગ્રી ઉપર ચડીને 39 ડિગ્રી ફેર થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. સાથે સાથે વાતાવરણમાં ભેજ ઘટીને 12 ટકા થઈ જતા ગરમી વધુ તીવ્ર બની હતી. દિવસ દરમિયાન 4.7 કિલોમીટરની ઝડપે ગરમ પવન પણ ફૂકાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. રવિવારથી તાપમાન વધતા હવે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર રહેવાની શક્યતા પ્રવર્તે છે.