સુંદરીંભવાની પાસે રોડ પર માટી ખાલી કરીને ડમ્પર ચાલક પલાયન
સાંજ પડતાની સાથે જ સફેદ માટીનો કાળો કારોબાર શરૂ ! સરા ચોકડીએથી પસાર થતા ડમ્પરો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકમાં થતી બેફામ ખનીજ ચોરીને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાનો ડોળ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અલગ જ જોવા મળે છે અને બેરોકટોકપણે સફેદ અને લાલ માટીના ઓવરલોડ ડમ્પરો બેફામ નીકળે છે.
જેમાં વાત કરીએ તો હળવદ શહેરની સરા ચોકડીએથી મૂળી, સરા બાજુથી નંબર પ્લેટ વગરના અને ઓવરલોડ ભરેલા સફેદ માટીના ડમ્પરો પસાર થતા હોય છે અને ઓવરસ્પીડના કારણે અવાર નવાર નાના વાહનોને ટ્રકચાલકો અડફેટે લેતાં હોવાના બનાવો પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે તો બીજી તરફ સુંદરીભવાની પાસે રોડ પર માટી ખાલી કરીને ડમ્પર ચાલક પલાયન થઈ ગયો હતો અને આ માટી હાલમાં વાહનચાલકોને અડચણરૂપ સાબિત થાય છે અને અકસ્માત નોતરે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગને વર્ષોથી ચેલેન્જ આપી રહ્યાં છે અને ખાણ ખનીજ વિભાગ પણ માત્ર કહેવા પુરતી જ કામગીરી કરીને સંતોષ માની લેતું હોય છે.
હળવદ શહેરની સરા ચોકડીએથી પસાર થતા ઓવરલોડ ડમ્પરો હોય કે સુંદરીભવાની પાસે થતી ખનીજ ચોરી આ તમામને રોકવાની જવાબદારી ખાણ ખનીજ વિભાગની તો છે જ પરંતુ ઓવરલોડ ડમ્પરો હોય કે લાયસન્સ વિનાના કે નંબર પ્લેટ વિનાના ડમ્પરોને રોકવાની જવાબદારી આરટીઓ વિભાગ પણ ભુલી ગયું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે ત્યારે ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે પરવાનો આપી દીધો હોય તેવી રીતે બેફામ ખનીજ ચોરી કરીને ઓવરલોડ ડમ્પરો પસાર થાય છે જેને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે.