કેદારનાથ ક્ષેત્ર સંપૂર્ણ સંપર્ક વિહોણુ: સમગ્ર માર્ગનું ધોવાણ: એરફોર્સની મદદ લેવાઈ
ઉતરાખંડમાં જુદી જુદી દુર્ઘટનાઓમાં 16 લોકોના મોત: 1500થી વધુ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા: ભૂસ્ખલનની ઘટનાઓ બાદ નવેસરથી રાહત બચાવ ઓપરેશન: ચારધામ યાત્રા સ્થગીત
- Advertisement -
ઉતરાખંડમાં કેદારનાથ નજીક વાદળ ફાટવાની ઘટના બાદ હવે ભૂસ્ખલનનો દોર શરુ થયો હોય તેમ ઠેકઠેકાણે પર્વતો પરથી વિશાળ શિલા-પથ્થરો વરસતા ભારે તારાજી સર્જાઈ છે. 16 લોકોના મોત નિપજયા છે અને છ લોકો ઘાયલ થયા છે.
ઉતરાખંડમાં સળંગ બે દિવસથી અતિ ભારે વરસાદને કારણે પુર પરીસ્થિતિ વચ્ચે હવે ભૂસ્ખલનની ઘટનાઓથી હાહાકાર સર્જાયો છે. કેદારનાથ સંપૂર્ણ સંપર્કવિહોણુ થઈ ગયુ છે અને 450થી વધુ યાત્રાળુઓ ફસાઈ ગયાનું બહાર આવ્યું છે. કેદારનાથ નજીક ભીમબલી રૂટ પર ભૂસ્ખલન સર્જાવાને કારણે સમગ્ર કેદારનાથ વેલી સંપર્ક વિહોણી થઈ ગઈ છે અને 450 જેટલા લોકો ફસાયા છે તેવી જ રીતે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેનો કેદારનાથ હાઈવે સંપૂર્ણ ધોવાઈ ગયો છે. પરિણામે ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે.
ઉતરાખંડના મુખ્યમંત્રી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે કેદારનાથના માર્ગ પર અનેક સ્થળોએ ભૂસ્ખલન સર્જાયા હોવાથી કામચલાઉ ધોરણે યાત્રા સ્થગીત કરી દેવામાં આવી છે. આજે સવારથી ભૂસ્ખલનના માર્ગો પર રાહત-બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ મેળવવામાં આવી છે. એક ચિનુક અને એક એમઆઈ-17 હેલીકોપ્ટરને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે. કેદારનાથ મંદિર અને લીંચોલીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન શરુ કરાયું છે.
- Advertisement -
રૂદ્રપ્રયાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી એન.કે.રાજવરે જણાવ્યું હતું કે ગૌરીકુંડથી શરૂ થતા કેદારનાથના 16 કી.મી.ના માર્ગ પર ચાર સ્થળોએ ધોવાણ થયુ છે. રામબરા નજીકના બે પુલ પણ ધોવાઈ ગયા છે. સમગ્ર કેદારનાથ ખીણ સંપર્કવિહોણી થઈ ગઈ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એક કી.મી.નો વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. યાત્રા માર્ગ પર ફસાયેલા 425 લોકોને એરલીફટ કરવામાં આવ્યા છે જયારે સોનપ્રયાગ આસપાસ ફસાયેલા 1100 લોકોને વૈકલ્પિક માર્ગેથી સલામત લઈ જવામાં આવ્યા છે. રાહત બચાવ કામગીરી માટે એસડીઆરએફની વધારાની બે ટીમોને તૈનાત કરવામા આવી છે અને સમગ્ર રૂટ પર રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ભૂસ્ખલનમાં કાટમાળ હેઠળ દટાયેલા યુવાનને 15 કલાકે જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો.
અનરાધાર વરસાદને કારણે પણ અનેક દુર્ઘટનાઓ બની હતી. હરિદ્વારમાં મકાન ધસી પડતા ચાર લોકોના મોત નિપજયા હતા. રૂડકીમાં વિજ શોક લાગતા બે લોકોના મોત નિપજયા હતા. વાદળ ફાટવાની ઘટનાથી ખેદાન મેદાન થયેલા તિહરી ક્ષેત્રમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા હતા. ચમોલીમાં મકાન પર પથ્થર પડતા યુવતીનું મોત નિપજયું હતું.