માત્ર 8થી 10% કેસમાં જ સમાધાન શક્ય બને છે : 2023ની તુલનામાં 2024માં કેસમાં આશ્ર્ચર્યજનક ત્રણ ગણો વધારો…
રાજકોટમાં 5 વર્ષમાં 2100થી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા: ચાલું વર્ષે 15 મે સુધીમાં 1,000 કેસ પેન્ડિંગ
- Advertisement -
છૂટાછેડા માટે મોબાઈલ-સો.મીડિયા પણ જવાબદાર
ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછેડાનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતા ઓછું
માનવ જીવનમાં એક માત્ર લગ્ન જીવન જ એવો સંબંધ છે જેમાં છૂટાછેડાની જોગવાઇ કાયદાકીય રીતે થઇ રહી છે. આ સિવાય અન્ય કોઇપણ સંબંધમાં છૂટાછેડાનું વિચારી પણ ન શકાય તેવી પ્રાણાલી રહેલી છે. તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટે એક પરિવારના છૂટાછેડા કેસમાં એવી ટિપ્પણી કરી હતી કે, લગ્ન સંબંધો હવે લાંબો સમય ટકતા નથી. આવી જ સ્થિતિ ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. કારણ કે, અહીંયા પણ છેલ્લા 5 વર્ષથી છૂટાછેડાના કેસમાં ઉતરોતર સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 2100થી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા છે.
આ બધા પાછળ મુખ્યત્વે સમજણ અને સહનશક્તિનો અભાવ, મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ મોટાભાગના કેસમાં કારણભૂત બને છે. જોકે, છૂટાછેડા કેસ દાખલ થયા પછી માત્ર 8થી 10% કેસમાં જ સમાધાન ફોર્મ્યુલા મદદરૂપ થાય છે. બાકીના તમામ કેસમાં કોઈપણ બાંધછોડ વગર માત્ર છૂટાછેડાની જીદ દામ્પત્ય જીવનને આગળ વધતું અટકાવી દે છે. જે એક મોટો ચિંતાનો વિષય માનવામાં આવે છે.
- Advertisement -
એક સમયે છૂટાછેડા શબ્દ સાંભળી લોકો અચરજ પામતા હતા, પરંતુ હવે આજના ઝડપી આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં કદાચ આ શબ્દ સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સંસ્કૃતિને વરેલા સૌરાષ્ટ્ર પ્રાંતના પાટનગર રાજકોટ શહેર અને જિલ્લામાં આજે છૂટાછેડાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો કુલ 2102 છૂટાછેડા કેસ નોંધાયા છે અને તેમાં પણ વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024માં આશ્ચર્યજનક ત્રણ ગણો વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2020માં 253 કેસ, વર્ષ 2021માં 290 કેસ, વર્ષ 2022માં 334 કેસ, વર્ષ 2023માં 314 કેસ અને વર્ષ 2024માં 907 કેસ નોંધાયા છે.
એક સમય એવો હતો કે શિક્ષણના અભાવે તેમજ અમુક ચોક્કસ જ્ઞાતિ સમાજમાં જ છૂટાછેડા કેસ નોંધાતા હતા, પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાયર કોલિફિકેશન એટલે કે સરકારી ખાનગી નોકરીમાં ઉચ્ચ સ્તરે કામ કરતા તેમજ સુવર્ણ જ્ઞાતિના લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ છૂટાછેડાનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતા ઓછું જ જોવા મળી રહ્યું છે. એટલે કે ત્યાં હજુ પણ સમાજ અને સંસ્કૃતિ મુજબ છૂટાછેડા શબ્દ સાંભળી લોકો અચરજ પામે છે.
રાજકોટ શહેરમાં છેલ્લા 23 વર્ષથી પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, આજે સમાજમાં ચિંતાજનક રીતે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. સ્ત્રી તરફેના એક તરફી કાયદાનો દૂર ઉપયોગ થતો હોય તેમ પાછલા વર્ષે તો કુલ 907 કેસ છૂટાછેડાના નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે 15 મે સુધીમાં 1000 જેટલા કેસ રાજકોટ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. ભરણપોષણની સાથે સાથે છૂટાછેડાના કેસ પણ છેલ્લા 5 વર્ષથી વધી રહ્યા છે. મારા અનુભવ મુજબ પહેલા અમુક વર્ગ સમાજના લોકોમાં જોવા મળતા છૂટાછેડાના કેસ આજે સુવર્ણ જ્ઞાતિના લોકોમાં પણ જોવા મળે છે અને સારા સારા એજ્યુકેટેડ ફેમિલીમાં પણ છૂટાછેડા કેસ જોવા મળી રહ્યા છે. આ બધા પાછળ મુખ્યત્વે દામ્પત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે સમજણનો અભાવ, સહનશક્તિનો અભાવ, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ અને નાની નાની વાતમાં માતા-પિતાનું ઇન્ટરફિયર છૂટાછેડાનું કારણ બની રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા મિડિયેશન સેન્ટર અને કાઉન્સિલરોની પણ નિમણુંક કરવામાં આવી રહી છે, પરંતુ આમ છતાં પણ અહીંયા સમાધાન ખુબ ઓછા પ્રમાણમાં થઇ રહ્યું છે. જો આ જ રીતે આગળ ચાલતું રહેશે તો આગામી સમયમાં સામાજિક વ્યવસ્થા પણ ખોરવાઈ તેવી દહેશત પુરેપુરી ઉભી થઇ શકે છે. બંને પક્ષે નક્કી કરીને જ આવે છે કે છૂટાછેડા જ જોઈએ છે આ પછી સમાધાનનો કોઈ અંશ રહેતો નથી. પ્રયત્નો ઘણા કરવામાં આવે છે આમ છતાં માત્ર 8થી 10% કેસમાં જ સમાધાન શક્ય બને છે. જયારે કો પણ દંપતી છૂટાછેડા માટે અરજી કરે તો કોર્ટ કોઈ દિવસ પહેલા જ દિવસમાં છૂટાછેડા માટે મંજૂરી આપતી નથી કોર્ટ હમેશા બન્ને પક્ષકારો એક થાય અને સમાધાન થાય તે માટે પ્રયત્ન કરતી હોય છે પરંતુ હાલની સ્થિતિએ સમાધાન ટકાવારી ખુબ ઓછી જોવા મળી રહી છે.