O ઓસડિયા ઉકાળા, M માસ્ક, I ઇમ્યુનિટી
કોરોના સંક્રમણથી બચવા ઘરેલું આયુર્વેદિક ઉપચાર અજમાવી રહ્યા છે અગ્રણીઓ
કોરોના સંક્રમણથી બચવા ઘરેલું આયુર્વેદિક ઉપચાર અજમાવી રહ્યા છે અગ્રણીઓ
- ભાવિની વસાણી
કોરોના જેવા ગંભીર સંક્રમણ સામે જોઈએ તેટલી સાવચેતીના અભાવે તેમજ કેટલાક લોકોની સ્વાસ્થ્ય સામેની બેદરકારીના કારણે હાલ રાજકોટ કોરોનાનો ગઢ બની ગયો છે. એવામાં કોરોના સામે ટકી રહેવા માટે જાગૃતિ અને આયુર્વેદિક ઉપચારને રાજકોટના અગ્રણીઓએ જીવનમંત્ર બનાવી લીધો છે. ‘ખાસ-ખબર’ના માધ્યમથી કોરોના વાઇરસના સંક્રમણથી બચવા તેઓ કેવી રીતે કાળજી રાખે છે? તેમજ તેઓ બહાર નીકળે છે ત્યારે સંક્રમણથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે છે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેઓ શેનું સેવન કરે છે? વગેરે પ્રશ્ર્નો પૂછાયા હતા. સૌરાષ્ટ્રના રાજકોટમાં વસતા વિવિધ ક્ષેત્રોના નમાંકિત અગ્રણીઓ સાથેની ચર્ચાનો એક જ સાર છે કે સજગતાપૂર્વક સરકારની ગાઈડલાઈનનું અનુસરણ કરવું જરૂરી છે.
CM રૂપાણી અને પત્ની અંજલિબેન રોજ સવારે પ્રાણાયામ કરે છે, દિનચર્યાનો પ્રારંભ જ ગિલોયના ઉકાળા સાથે…
કોરોનાના સંક્રમણથી બચવા માટે સવારની દિનચર્યા સાથે જ સાવચેતી રાખવા માટેના પગલાં અમારા ઘરમાં ભરવામાં આવે છે. મીઠાના પાણીના કોગળા થી શરૂ કરી રોજ સવારે ગિલોયના ઉકાળાનું સેવન કરીએ છીએ. રોજ એક વખત નાસ પણ લઈએ છીએ. સી.એમ. સાહેબ પોતે પણ ખૂબ જ આ માટે સજાગ છે અને અમે બંને યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરીએ છીએ. ખાસ કરીને કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકા પ્રાણાયામ નિયમિત રીતે કરીએ છીએ. સંક્રમણથી બચવા માટે વારેવારે હાથ ધોતા રહીએ છીએ. જવાબદારી માટે બહાર જવું પડતું હોય છે. પરંતુ સતત માસ્ક પહેરી રાખી શક્ય તેટલું સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ છીએ તથા સેનેટાઇઝરથી હાથ સાફ કરતા રહીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી વધારે ધ્યાન ખોરાકનું રાખવું પડે છે ત્યારે ગરમ તેમજ ઘરનું તાજુ રાંધેલું આરોગીએ છીએ. વિટામિન સી થી ભરપૂર ફળો ઉપરાંત ગરમ પાણી સાથે લીંબુનું નિયમિત સેવન કરીએ છીએ. અંજલિબેન રૂપાણી (પ્રભારી-રાજકોટ ભાજપ મહિલા મોરચા)
- Advertisement -
રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા માટે આયુર્વેદ જ બેસ્ટ
હાલ કામકાજ જરૂર કરવું પડે છે પરંતુ જરૂર સિવાય બહાર નીકળતો નથી અને હાલ ઘરેથી જ કાર્યભાર સંભાળું છું. બહાર નીકળવું પડે ત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશનની તકેદારી રાખુ છું. રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા માટે આયુર્વેદ બેસ્ટ છે. ગિલોય, મહા સુદર્શન ઘનવટી, આયુર્વેદિક ઉકાળો તેમજ બાન લેબ્સની પોતાની કેર સ્પાઇસ ટી (હર્બલ ટી વિથ અશ્વગંધાની ગોળી) ઉપરાંત હળદર કેસર વાળું ઇન્સ્ટન્ટ મિલ્ક રોજ નિયમિત પીવાનો આગ્રહ રાખું છું. રાત્રે સૂતી વખતે હળદરનો ફાકડો ભરું છું. ગરમ તેમજ ઘરના રાંધેલા ખોરાક લેવાનું પસંદ કરું છું. મૌલેશ પટેલ (બાન લેબ્સ)
ફરજ માટે જાગૃતિપૂર્વક બહાર નીકળું છું
ફરજના ભાગરૂપે બહાર નીકળવું જ પડે છે. સેનેટાઇઝ થતો રહું છું. હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને બહાર જાઉં છું તથા સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા અને કરાવવા પ્રયત્ન કરૂ છું. ફરજના ભાગરૂપે કોરોના પેશન્ટના સંપર્કમાં પણ આવું પડે છે ત્યારે અગાઉથી જાણ હોય ત્યારે પી.પી.ઈ. કીટ પહેરીને જાઉં છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સી અને વિટામિન એની ગોળીઓનું સેવન કરું છું. મનોહરસિંહ જાડેજા (ડીસીપી, રાજકોટ)
ઘરમાં સ્વાસ્થ્યની જાળવણીના પગલાં ભરું છું
હાલ કોરોના સંક્રમણના સમયમાં શક્ય તેટલી કાળજી રાખું છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ સવારે આયુર્વેદિક ઉકાળો, આયુર્વેદિક દવાઓ, સુંઠ તેમજ ત્રણ ટાઈમ લીંબૂ પાણીનું સેવન કરું છું. દિવસમાં ત્રણ વખત નાસ લઉં છું. જરૂર હોય તો જ બહાર નીકળું છું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છું. બહાર જાઉં ત્યારે માસ્ક પહેરૂ છું, તેમજ સોશિયલ ડિસ્ટન્સની તકેદારી રાખું છું. હંમેશા ઘરની અંદર પણ સ્વાસ્થ્યની જાળવણી માટે પૂરતા પગલાં ભરૂ છું તેમ જ ઘરનો રાંધેલો ખોરાક જ આરોગું છું. નીતિન ભારદ્વાજ (ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી)
- Advertisement -
ગાઈડલાઈનનું પાલન કરું અને કરાવું છું
રાજકોટની જનતાનું રક્ષણ કરવાની જવાબદારી શિરે હોય એટલે ફરજને પ્રાધાન્ય આપવાની સાથે સાથે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર અને માસ્ક અંગે સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવા અને કરાવવામાં માનું છું. નિયમિત રીતે દિવસના બે વખત નાસ લઉ છું તેમજ ગરમ પાણીના કોગળા કરૂ છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળા વિટામિન સી અને ઝીંકની ગોળીઓનું સેવન કરૂં છું. તંદુરસ્તી વધારવા માટે યોગા અને પ્રાણાયામ રોજ સવારે કરૂ છું. મનોજ અગ્રવાલ (પોલીસ કમિશનર, રાજકોટ)
કોવિડ વોર્ડમાં સેવા આપવા માટે વિશેષ કાળજી લઉં છું
તબીબ હોવાના નાતે વધારે જાગૃત રહેવું પડે છે કારણ કે તબીબોને ખાસ ખતરો રહેલો હોય છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરને જીવનશૈલીનો એક ભાગ બનાવી દીધો છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન, આયુર્વેદિક ઉકાળા, હળદર અને મધનું નિયમિત સેવન કરું છું. ખાસ કોવિડ વોર્ડમાં સેવા આપી રહ્યો છું માટે ડ્યુટી વખતે પી.પી.ઈ. કીટ પહેરું છું, ત્રણ વખત સ્નાન લઉં છું તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે યથાયોગ્ય આરામ લઉં છું. ડો.ચિરાગ માત્રાવડિયા (વોકહાર્ટ હોસ્પિટલ)
કોરોના સાથે રહી તેને સાઈડમાં રાખી આગળ વધવું
રાત પછી દિવસ આવે છે તે નિત્યક્રમ છે એ જ રીતે અત્યારે કોરોનાની મહામારી પછી સારા દિવસો આવશે જ. કોરોના વકરી રહ્યો છે ત્યારે ડરી ડરીને રહેવા કરતા રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. હું રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આદુ, મરી, તુલસી અને ફૂદીનાનું સેવન કરૂ છું. બહાર જાઉં તો પણ આ બધુ જોડે રાખું છું. 64 વર્ષની ઊંમર થઈ છે માટે ફ્લાઈટમાં હવે મુસાફરી નથી કરતો અને ઓફિસમાં તેમજ જાહેર સ્થળ પર કારણ વિના કોઈના સંપર્કમાં હું લોકોના સંપર્કમાં આવતો નથી. શરીરને કષ્ટ આપી પસીનો વડે તેવું કામ કરવવું જોઈએ. કરોડોની રોજી આપણા પર નિર્ભર હોય છે, ત્યારે કાર્યમાં વ્યસ્ત તથા કોરોનાની સાથે રહીને તેને સાઈડમાં કરી અને આગળ નીકળી જવાનો સંદેશ પાઠવું છું. આ સમય પણ નીકળી જશે. ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ)
પહેલું સુખ તે જાતે નર્યા, યાદ રાખો
ક્યારે પણ કોઇના પણ સંપર્કમાં આવવાથી કોરોના થઇ શકે છે ત્યારે સરકારની ગાઇડલાઇનનું પૂરતું ધ્યાન રાખતા હોવા છતાં મને કોરોના થઈ ગયો હતો. બે દિવસ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર લઇ ચુક્યો છું તેમજ બાકીના દિવસો સેલ્ફ કવોરેન્ટાઇન રહીને વિતાવ્યા છે. પરંતુ કોરોનાથી બચવું હશે તો કાળજી રાખવી પડશે. આ માટે સરકારની ગાઇડલાઇનનું અનુસરણ કરવું જરૂરી છે. માટે નિયમિત હાથ ધોવા, માસ્ક પહેરવું તેમજ બે ગજનું અંતર હંમેશા જાળવી રાખવું અને બીજા પાસે પણ પાલન કરાવવું જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું રોજ ગરમ પાણી પીઉં છું, બે વખત આયુર્વેદિક ઉકાળો તેમજ આયુર્વેદિક ગોળીનું સેવન કરું છું તેમજ દિવસમાં બેથી ત્રણ વખત નાસ લઉં છું. ’પહેલું સુખ તે જાતે નર્યા’ એ યાદ રાખવું જોઈએ. મનીષભાઈ માડેકા (રોલેક્સ રિંગ્સ)
કારણ વિના સંપર્કમાં ન આવીએ તેનું ધ્યાન રાખું છું
મારો પરિવાર સરકારી ગાઇડલાઇનનું અનુસરણ કરે છે આ માટે પૂરતી તકેદારી લઉં છું. ઉપરાંત કામ વગર હું કે પરિવારના સભ્યો બહાર જતા નથી. બહાર જવું પડે તો કારણ વગર કોઈ વસ્તુને અડવી નહીં કે કોઈના સંપર્કમાં આવીએ નહીં તેનું ધ્યાન રાખું છું. તેમજ બીજા લોકોને પણ કારણ વિના ટોળ-ટપ્પા ન કરવા માટે સમજ આપતો રહું છું. ઘરનો તાજો રાંધેલો ખોરાક જ લઈએ છીએ. સામાજિક અંતર અને સેનેટાઈઝેશનને જીવનમંત્ર બનાવી લીધા છે. ડો. સમ્રાટ બુદ્ધ (ઓર્થોપેડિક સર્જન)
લોકડાઉન માંગવાના બદલે ગાઈડલાઈન અનુસરો
બહારથી ચીજવસ્તુઓ ખરીદતી વખતે ખાસ તકેદારી રાખુ છું. ફળો અને શાકભાજીનો ધોઈને વપરાશ કરવાનો આગ્રહ રાખું છું. ઘરની અંદર ધ્યાન રાખવા ઉપરાંત બહાર ગયા હોય પરિવારના સભ્ય સાથે હોય તો પણ માસ્ક પહેર્યા વગર બહાર જતા નથી. ઓફિસમાં 8થી 9 કલાક કામ કરું છું ત્યારે ઓફિસકર્મીઓ પાસે પણ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવું છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બાન લેબ્સની ગીલોઇ તેમજ અન્ય આયુર્વેદિક ગોળીનું સેવન કરું છું. હળદર, મરી, તુલસી, ફૂદીનાની ગોળીઓ તેમજ ગરમ પાણી તથા ઉકાળાનું દિવસમાં બે વખત સેવન કરું છું. સરકાર પાસે લોકડાઉન માંગવાના બદલે ગાઇડલાઇનનું અનુસરણ કરવા માટે લોકોને સંદેશ પાઠવું છું. સ્મિત પટેલ (ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.)
સરકારની ગાઇડલાઇનનું સો ટકા અનુસરણ
કોરોનાથી બચવા સરકારની ગાઈડલાઈનનું સો ટકા અનુસરણ કરુ છું. ઓફિસમાં કામ માટે જાવ છું. પરંતુ કામ સિવાય બહાર નીકળતો નથી કે કોઈના સંપર્કમાં આવવાનું ટાળું છું. જ્યારે સંપર્કમાં આવવું જ પડે તેમ હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે અને માસ્ક યથાયોગ્ય રીતે ધારણ કરીને રાખું છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું નીયમીત રીતે સેવન કરૂ છું. કેતન મારવાડી (મારવાડી યુનિવર્સિટી )
એક એક કદમ ફૂંકી ફૂંકીને ભરું છું
કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક, હેન્ડવોશ અને સોશિયલ ડિસ્ટન્સની પુરતી કાળજી રાખું છું. ધંધા રોજગાર માટે દિવસના બાર કલાક બહાર રહેવું પડે છે, પરંતુ જાગૃતિ સાથે એક એક કદમ ફૂંકી ફૂંકીને ભરું છું. ઘરનો રાંધેલો તેમજ પોષણયુક્ત આહાર લઉં છું. તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણી ઘર તેમજ ઓફિસમાં થાય તેની પૂરતી તકેદારી રાખું છું. તેમજ પરિવાર પાસે પણ નીતિ-નિયમોનું પાલન પોતે કરૂ અને કરાવું છું. પરાક્રમસિંહ જાડેજા (જ્યોતિ સીએનસી)
ગાયના ઘીનો પ્રયોગ ખૂબ જ લાભદાયક
દિવસભર ખૂબ જ વ્યસ્ત રહું છું પરંતુ સરકારની ગાઇડલાઇનને જીવનમાં અપનાવી લીધી છે. બહાર જવું પડે છે પરંતુ

માસ્ક, સેનેટાઇઝર વગેરેને રોજિંદા જીવનમાં વણી લીધું છે. રોજ ત્રણ વખત સ્નાન કરૂ છું. તેમજ ત્રણ વખત પોશાક બદલું છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો તેમજ આયુર્વેદિક ગોળીનું સેવન તેમજ યોગ, ધ્યાન તથા પ્રાણાયામ કરું છું તેમજ 45 મિનિટ નિયમિત વોકિંગ કરું છું. વર્ષોથી નાક અને કાન પર ગાયના ઘીનો પ્રયોગ કરૂ છું. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઘણો ફાયદો થયો છે.ડી.વી.મહેતા (જિનિયસ ગ્રુપ ચેરમેન તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના એડવાઈઝર)