સુખમાં બાળક મોડું મોટું થાય છે, જ્યારે દુ:ખમાં બાળક બહુ વહેલું મોટું થઈ જતું હોય છે… સંઘર્ષ ખૂબ જ જોયા, નાનપણમાં પરિવારની નબળી સ્થિતિએ જીવનની વાસ્તવિકતા સમજાવી તો અહીં ફિલ્ડ પોલિટિકસે મને ઘડયો
ગુજરાતના પ્રથમ પંક્તિનાં ગાયક કીર્તિદાન ગઢવી સાથે ‘ખાસ-ખબર’ની વિશિષ્ટ મુલાકાત (ભાગ-1)
- Advertisement -
– હેમાદ્રી આચાર્ય દવે
‘સ્વર’ એમના ઘરનું સુંદર નામ છે. એક સાંજે હું એમના ઘરે જઈ ચડું છું. ઘરના વિશાળ કંપાઉન્ડમાં સુંદર બગીચો અને બગીચાની વચ્ચે મોટા ઓટલા પર ભગવાન શંકરની સુંદર મૂર્તિના સાનિધ્યમાં શરુ થાય છે આપણાં પ્રખ્યાત લોકકલાકાર કીર્તિદાન ગઢવી સાથે વાતચિતનો દૌર.. યોગાનુયોગ માયાભાઇ આહીર પણ ત્યાં જ હાજર છે એટલે વાતોમાં ચાર ચાંદ લાગી જાય છે. એકદમ જાજરમાન વ્યક્તિત્વ અને એવા જ ઘૂંટાયેલાં ઘેઘર અવાજ સાથે તેમના જીવનની વાતો માંડતા કીર્તિદાન, પાટા પરથી પસાર થઈ ગયેલ ટ્રેનને દૂરથી જોઈ રહ્યાં હોય એમ ભૂતકાળમાં સરી પડે છે.
જન્મ -ઉછેર-નાનપણ…
- Advertisement -
23 ફેબ. 1975ના રોજ આણંદ જિલ્લાના વાલવોડા નામના નાનકડા ગામમાં જન્મેલા કીર્તિદાનને (હવે આપણે સર તરીકે ઉલ્લેખ કરીશું)નાનપણથી જ સંગીતનું વાતાવરણ મળ્યું. પિતા સમરતદાન ગઢવી એ વખતના પ્રખ્યાત લોકગાયક, સત્તાવીસ-અઠાવીસ વરસ પહેલાં તેમણે વડોદરામાં, કાઠિયાવાડી ભોજન સાથે કાઠિયાવાડી ભજન… એવી થીમ સાથે અનેક પ્રોગ્રામ કર્યા હતા. સરને પણ નાનપણથી જ લોકસંગીત સાંભળવાની, ગાયક બનવાની ગજબની ધૂન, પણ એ વખતમાં, આજના સમયની જેમ કલાકારોને આર્થિક વળતર મળતું નહિ, મોટાભાગના કલાકારોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો. તેથી ઘરમાં કોઈ તેમને સંગીતના ક્ષેત્રમાં જવા દેવા રાજી ન હતાં.
અભ્યાસ
બી.કોમ.ની સાથે સાથે, ઘરમાં બધા વિરોધ વચ્ચે વલ્લભ વિદ્યાનગરની કલાકેન્દ્ર કોલેજ ઓફ મ્યુઝિક ઍન્ડ ડાન્સમાં ડિપ્લોમાંમાં એડમિશન લીધું ત્યાં એક વર્ષ કર્યું એ દરમ્યાન બી.કોમ.વર્ગ ભરવાને બદલે, તેઓ આખો દિવસ અહીં જ હાજરી ભરતાં. બીકોમના બે વર્ષ એમણે ખૂબ જ ગૂંગળામણમાં કાઢ્યાં, સંગીતનો જીવ એમને બીજી જ તરફ ખેંચી રહ્યો હતો અને જાણે પરમાત્મા જ તેમને એ તરફ લઈ જવા માંગતા હોય એમ કુટુંબમાં બધાના વિરોધ વચ્ચે, એકમાત્ર મોટાભાઇના સપોર્ટથી,1995માં વડોદરા એમ.એસ. યુનિમાં પર્ફોર્મિંગ આર્ટ્સમા, કે જ્યાં એડમિશન મળવું ખૂબ મુશ્કેલ હોય છે ત્યાં, વળી, એ સમયે વોકલમાં ત્રણસો વિદ્યાર્થીમાંથી ફક્ત વીસ વિદ્યાર્થીને લેવાના હતા એ સમયે પાવરફુલ બેઇઝ અને પરિપક્વ ગાયકીને કારણે સરને પ્રવેશ મળી ગયો. ત્યાં જ માસ્ટર કર્યું અને ધોળકીયા કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ શિહોરમાં લેક્ચરર તરીકે જોબ મળી. બે વર્ષ ત્યાં જોબ કરી એ દરમ્યાન પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયા હતા. મહીંને દસ-બાર પ્રોગ્રામ રહેતાં. એટલે એવું લાગ્યું કે હવે કારકિર્દીમાં વાંધો નહિ આવે અને 2003માં નોકરી મૂકી દીધી.
આટલી વાત કર્યા પછી તેઓ તેમના પહેલા સ્ટેજ પ્રોગ્રામની વાત કરે છે.
1997 કે 98મા, નવચંડી યજ્ઞનાં મોટા કૌટુંબિક પ્રસંગે પહેલીવાર અનુપ જલોટાજીનું શ્યામ પિયા મોરી રંગ દે ચુંનરિયા… ગાયું હતું ત્યારે, કલાપારખું એવી ગઢવીની જાતિના તેમના વડીલોએ ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું કે, ખૂબ આગળ વધી શકશો. પ્રોફેશનલ પબ્લિક પરફોર્મન્સની તક સૌ પ્રથમ વઢવાણના સમર્થ લોકસાહિત્યકાર સ્વ. જયદેવભાઈ ગઢવીએ આપી ત્યારે ચારસો રૂપિયા મળ્યા હતા, એ આજના લાખો રૂપિયા કરતા ય વધુ મીઠા લાગે છે. એ પછી શરૂ થયેલ સફર, 2006થી 2016 સુધીનાં દસ વર્ષ સતત, મહિનામાં બાવીસથી પચ્ચીસ પ્રોગ્રામ તેઓ કરતા. એ વિશે તેઓ કહે છે કે, એ વખત આજના જેવો સોશ્યલ મીડિયાનો યુગ નહોતો કે અમદાવાદમાં પરફોર્મ કરો એ અમેરિકામાં લોકો જુએ… એટ્લે કલાકાર વિવિધ શહેરોમાં સ્ટેજ પ્રોગ્રામ કરીને જ પોતાની ઓળખ ઉભી કરવાની રહેતી. જો કે હવે તેઓ મહિનાના દસથી વધુ પ્રોગ્રામ કરતાં નથી.
સંઘર્ષ
કંઈક ફિલોસોફીકલ અંદાજમા તેઓ કહે છે કે, સુખમાં બાળક મોડું મોટું થાય છે, જ્યારે દુ:ખમાં બાળક બહુ વહેલું મોટું થઈ જતું હોય છે… સંઘર્ષ ખૂબ જ જોયા. નાનપણમાં પરિવારની નબળી સ્થિતિએ જીવનની વાસ્તવિકતા સમજાવી તો અહીં ફિલ્ડ પોલિટિકસે મને ઘડયો. સિનિયર કલાકારોએ હસ્તગત કરી લીધેલ સ્ટેજ, પ્રોગ્રામ હોય તો ત્રણ ચાર વાગ્યા સુધી વારો ન આપે અથવા છેલ્લો વારો આપે કે જ્યારે ઓડિયન્સ ઓછું થઈ ગયું હોય. ઘણીવાર સિનિયર કલાકારો સ્ટેજ પર પણ બેસવા નહોતા દેતા.. પણ એ બધાને આજે હું ખૂબ આદર આપું છું કારણ એ લોકો થકી જ હું ઘડાયો છું, શીખ્યો કે મને પડી એવી તકલીફ હું બીજા માટે ઉભી નહિ કરું એટલે છેલ્લા ચાર પાંચ વર્ષથી હું ઉગતા કલાકારોને ખૂબ જ સપોર્ટ કરું છું. સિનિયર કલાકારો તરફથી સતત ટીકા, ફિલ્ડ પોલિટિકિસ, જે-તે સમયે મારી સાથે થતું ગેરવર્તન-અપમાન, છતાં મારૂં ફોકસ હમેશા, સાંજ પડ્યે મને સાંભળવા આવનાર દસ-વિસ હજાર વ્યક્તિને સંતોષ આપવા પર રહેતુ.
શાસ્ત્રીય સંગીત વિશેના તેમના વિચારો
શાસ્ત્રીય સંગીતની તાલીમ લોકસંગીતમાં પરફોર્મન્સ વખતે વિશેષ શું ઉપયોગી થઈ,એ બાબતે પૂછતાં તેઓ કહે છે કે, ક્લાસિકલમાં શીખેલા આલાપ વડે અથવા સંગીતની બીજી ટ્રિક્સ અને વિશેષ હરકતો સાથે હું મારા ગીતમાં ક્રિએશન કરું છું. પોતાનું કઈ ઉમેરી શકું છું, આ ઉપજ ખૂબ જાણીતા હોય એવા ગીતમાં ય નવી ફ્લેવર લાવવાનું કામ કરે છે નગરમેં જોગી આયા’ મારી પહેલાના મોટાભાગના ગાયકોએ પરંપરાગત રીતે ગાયું છે, તે છતા મારુ વર્ઝન બધા કરતાં હિટ ગયું એનું કારણ ‘ઉપજ’ છે, જોગીડા જોગીડા.. આ પીસ મેં અલગ રીતે ગાયકીમાં ઢાળ્યુ, ઓરિજિનલમાં મેં મારો ટુકડો નાખ્યો, એ મારી હુકલાઈન લોકોને ખૂબ અપીલ કરી ગઈ….. બીજા અનેક ગીતોમાં પણ…. એટલે હું નવોદિતોને ખાસ આગ્રહપૂર્વક કહીશ કે ક્લાસિકલ શીખવુ જ જોઈએ. તો જ તમે તમારું પોતાનું આગવું કઈક ઉમેરી નવસર્જન કરી શકશો નહિતર તો જે સાંભળ્યું હોય એવુ જ ગાતા રહેશો.
ગાયકીમાં વર્સેટાલિટી
સંતવાણી, ભજન ગઝલ, લોકગીત, ગરબા…આપની આટલી વર્સેટાલિટી…! ભજન ગાતા કીર્તિદાનને સાંભળો તો અસલના ભજનિક લાગે, સૂફી સાંભળો તો હાઈ રેંજના સૂફી સિંગર જેવી ફ્લેવર, લોકગીતમાં લોકકલાકાર કીર્તિદાન ઝળકે, તો ગઝલમાં એના મિજાજને આત્મસાત કર્યો હોય એવા ગઝલ ગાયક દેખાય… આટલી વર્સેટાલિટી ક્યાંથી લાવો છો, આ વિશે તેઓ કહે છે કે ઘણા કલાકારો ગઝલ ગાતા હોય તો ય ભજન જેવું લાગે એવુ બને છે. એવું ન થાય એ માટે વોઇસ કલ્ચરનો અભ્યાસ તેમજ દરેક જેનરમાં ગાવાની આગવી સ્ટાઇલ, ઉચ્ચારણ, મૂડ ટોન, કેટલો શ્ર્વાસ રોકવો એ છોડવો એના અભ્યાસ જરૂરી છે જે હું સતત કરું છું, આ વૈવિધ્ય એને આભારી છે. આ ઉપરાંત મને જે ભજન કે ગીત પાછળનો ઇતિહાસ ખબર હોય એ જ હું ગાઉ છું જેથી કરીને જે ભાવમાં, જે પરિસ્થિતિમાં એ લખાયું હોય, એને હું એઝ ઇટ ઇઝ એ જ ફિલ સાથે રજૂ કરી, એની અસલની રંગત સાથે હું લોકો સુધી પહોંચાડી શકું. જે ભાવ ઉભો કરે છે. (એ રીતે એના સર્જકને પણ આદર આપ્યો કહેવાય) અને સૌથી વધુ ઉપયોગી ટિપ્સ, સારા શ્રોતા બનીને ઉત્તમ ગાયકોને સાંભળતા રહેવું એ છે.
કોનો કોનો સહયોગ
ગણ બધા ગોખ્યાં કરે અવગણ ભુલી જાય, કાગ એ કહેવાય મોટા મનના માનવી… હું હમેશા સારું જોવા વાળો માણસ છું. ઘણા કલાકારોએ મને સાથ આપ્યો. વર્ષો સુધી હું મહિનામાં પચ્ચીસ દિવસ બહાર રહેતો. પત્ની સોનલે મને ઘરની તમામ જવાબદારીમાંથી મુક્ત રાખ્યો. સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે એનો હું દાખલો છું. (વળી હળવી મજાકમાં એક લેખિકાને ટાંકતા કહે છે, નિષ્ફળ પુરુષની પાછળ અનેક સ્ત્રી જવાબદાર હોય છે.) જયદેવભાઈ ગઢવી, ઇશરદાન ગઢવી અને મારા સગા મામા કરતા પણ સવાયાં મામા એવા માયાભાઈ કે જેણે મને ખુબ ઘડયો છે. તેમની ઘણી શિખામણોએ મને આજ અહીં પહોંચાડ્યો છે. એમણે કોઈ નહોતું ઓળખતું એવા ‘કિર્તી’ને પ્રેમ કર્યો છે જ્યારે બીજા લોકો સફળ કીર્તિદાનને ચાહે છે. મારા ઘડતર અને મારા જીવનમાં તેમનું ઘણું ઊંચું સ્થાન છે. માયાભાઈ વિશે ઘણું કહેવું છે, જે આગળ કહીશ….