આરોપીઓ આ પહેલાં રાજકોટમાં સિરપના લેબલ લગાવી લઠ્ઠો વેંચતા, પોલીસ ચોપડે બન્ને વૉન્ટેડ
ખાસ-ખબર સંવાદદાતા
ખેડાના નડિયાદમાં સિરપકાંડમાં 6 વ્યક્તિનાં મોત નીપજ્યા હતાં. જેમાં વડોદરાના મુખ્ય બે આરોપીઓ નીતિન કોટવાણી અને ભાવેશ સોવકાણીની ધરપકડ કરી છે. નીતિન કોટવાણા મહારાષ્ટ્રથી વકીલને મળવા વડોદરા આવતો હતો. ત્યારે પોલીસને જોતાં નીતિન કોટવાણી ચોંકી ઊઠ્યો હતો અને બોલ્યો હતો કે, તમને મારા વિશે કોણે માહિતી આપી? જ્યારે ભાવેશ સેવકાણી મહારાષ્ટ્રથી દિલ્હી ગયો હતો અને દિલ્હીથી ફ્લાઈટમાં બેસી વકીલને મળવા વડોદરા આવ્યો હતો. ત્યારે પોલીસે એરપોર્ટ પર તેની ધરપકડ કરી લીધી હતી. હવે બન્ને આરોપીઓને ખેડા પોલીસને સોંપશે. આ બન્ને આરોપીઓની હવે સિરપકાંડમાં રાજ્યવ્યાપી જાળ ખૂલી છે. જેમાં ખેડા પૂરતું સીમિત નથી. આ પહેલાં આરોપીઓ રાજકોટમાં સિરપના લેબલ લગાવી લઠ્ઠો વેચતા હતા, તેમજ બન્ને પોલીસ ચોપડે વોન્ટેડ પણ છે. ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપના નામે ફેકી પીણું પીવાથી 6 લોકોના મોત થયા હતા. આ અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો. જેમાં બે આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વડોદરા જિલ્લાના રહેવાસી હોવાનું જણાઇ આવ્યું હતું અને આ બંને સામે વડોદરા શહેરમાં ગુના નોંધાયેલા હતા. જેથી વડોદરા ક્રાઈમ બ્રાંચ, પીસીબી અને એસઓજીની અલગ-અલગ ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓનાં મિત્રો, સગાંસંબંધીઓ અને અગાઉ એની સાથે સંકળાયેલા આરોપીઓની પૂછપરછ કરી હતી. જેના આધારે બંને આરોપીઓ મહારાષ્ટ્રમાં હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેથી પીસીબીની અલગ-અલગ ટીમો મહારાષ્ટ્રમાં મોકલી હતી. જેમાં પુના, નંદુરબાદ અને મુંબઈ સહિતના અલગ-અલગ સ્થળોએ તપાસ કરી હતી. આ દરમિયાન નીતિન કોટવાણી તેની ગાડી લઈને તેના વકીલને અને તેના પરિવારને મળવા માટે વડોદરા આવવાનો હતો. જેથી આજે સવારે તરસાલી-જાંબુવા વચ્ચે નેશનલ હાઇવે પરથી નીતિન કોટવાણીને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.
વધુમાં ઉમેર્યુ હતું કે, બીજો આરોપી ભાવેશ સેવકાણી પણ વકીલને મળવા માટે વડોદરા આવ્યો હતો, જેને વડોદરા એરપોર્ટ પર ઊતરતા જ તેને ઝડપી પાડ્યો હતો. બંને ખેડા રૂરલ પોલીસના ગુના અને રાજકોટ પોલીસના ગુનામાં વોન્ટેડ હોવાથી બંને પોલીસને જાણ કરવામાં આવી છે. બંને આરોપીને ખેડા રૂરલ પોલીસને સોંપવામાં આવશે. નીતિન કોટવાણી સામે રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. બંને આરોપીઓ ક્યાં ક્યાં ગયા હતા તે તપાસનો વિષય છે. બંને આરોપીઓ હ્યુમન ઈન્ટેજિલન્સના આધારે ઝડપી પાડ્યા છે. આરોપીઓનાં નામ ખેડાના સિરપકાંડમાં ખૂલ્યાં ઉલ્લેખનીય છે કે, ખેડાના નડિયાદમાં થયેલ સિરપકાંડને લઈ સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે આ કાંડનો મુખ્ય સૂત્રધાર વડોદરાનો નીતિન કોટવાણી સહિત ભાવેશ સેવકાણીની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું.
વડોદરા પોલીસની ટીમે આરોપીઓના ગોરવા ખાતેના નિવાસસ્થાને જઈ તપાસ હાથ ધરી હતી અને પરિવારજનોનાં નિવેદન લીધાં હતાં. આરોપીઓમાંથી નીતિન કોટવાણી એનો સાગરીત ભાવેશ સેવકાણી ડુપ્લિકેટ સેનેટાઇઝર અને નશાકારક આયુર્વેદિક પીણાની ફેક્ટરી ચલાવતા હતા. આ જ આરોપીનાં નામ ખેડાના સિરપકાંડમાં ખૂલ્યાં હતાં. કલમ 304, 308, 328,465, 468, 471, 274,275, 276, 34, 201 તેમ જ પ્રોહિએક્ટ 65 (અ)
- Advertisement -
સિરપના ખોટા લેબલ લગાવી લઠ્ઠો વેચતા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નંદુરબારથી ફેક્ટરી પકડ્યા બાદ નીતિન, ભાવેશ અને તૃપ્તિની સંડોવણી બહાર આવી હતી અને ત્રિપુટી વડોદરા છોડી મુંબઈ અને લુણાવાડા ખાતે છુપાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેથી વડોદરા શહેરના પોલીસે ત્રણેયના ઘરે તપાસ કરી હતી. કુખ્યાત નીતિન કોટવાણી અને નડિયાદનો યોગેશ સિંધી સિરપના ખોટા લેબલ લગાવી લઠ્ઠો વેચતા હતા. ઘટનાની જાણ થતાં જ આરોપીઓ દ્વારા વધેલી બોટલોનો નાશ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.