ખાનગી માલિકીની જમીન વાઈટ હાઉસ નામના બંધ કારખાનામાં રસ્તો કાઢી ખુલ્લેઆમ છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું ઉભું કરી વાહન ચાલકો પાસેથી ખાનગી ટોલ ઉઘરાણીનો પર્દાફાશ થયો છે. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીન વાઈટ હાઉસ નામના બંધ કારખાનામાં રસ્તો કાઢી ખુલ્લેઆમ છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા આ ખાનગી ટોલનાકા બાબતે ત્રણથી ચાર વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર કોઈપણ આધિકારીઓ દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં બાબતના મિડિયા અહેવાલથી સફાળા જાગેલા કહેવાતા આધિકારિઓ ટોલનાકે દોડી ગયા હતા અને દેખાવની કામગીરી કરતા આ ખાનગી ટોલનાકાને બંધ કરાવ્યું હતું, પરંતુ આ અમલવારી ક્યાં સુધી ચાલશે તે પ્રશ્ર્નાર્થ છે. આ સાથે બાબતે મિડિયા દ્વારા જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા તમામ અધિકારીઓએ પોતાને વાતની ખબર ન હોવાનો રાગ આલાપ્યો હતો, જે વાત સામાન્ય નાગરિકોને પણ ગળે ઉતરે તેમ નથી.