ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી તા.8 ડિસેમ્બરને સવારે 8 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતેથી પ્રારંભ થશે. કુલ 14 ટેબલ મતગણતરી થશે અને 300 રીઝર્વ સહિતના અધિકારઓ-કર્મચારીઓ મત ગણતરીમાં ફરજ બજાવશે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી યોજાઇ ગઇ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી આગામી તા.8 ડિસેમ્બરના થશે. આ મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતે સવારે 8 કલાકથી શરૂ થશે. તેમજ મતગણતરી માટે નિર્ધારિત પ્રક્રિયા સવારે 6-30 કલાકે શરૂ થઇ જશે. આ મતગણતરી 14 ટેબલ ઉપર થશે. આ મતગણતરીમાં 300 જેટલા રીઝર્વ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે. આ મતગણતરીમાં માઇક્રો ઓબ્ઝર્વર તરીકે બેન્ક અને એલઆઇસીના સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ કાઉન્ટીંગ સુપરવાઇઝર તરીકે વર્ગ-1 અને 2 ના રાજ્ય પત્રિત અધિકારીઓ અને વર્ગ-3ના કર્મચારીઓ કાઉન્ટીંગ આસ્ટીસ્ટ તરીકે કામ કરશે. મતગણતરી સમય દરમિયાન પોલીસ અને આર્મી જવાનોનો ચુસ્તબંદોબસ્ત રહેશે.