જમીન વેંચાતી લીધી તો ગેરકાયદે કબ્જો ધરાવતાં શખ્સે આપી ધમકી
રાજકોટ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં ફરિયાદી રમેશ જાદવએ રજૂ કરી વ્યથા
- Advertisement -
ફરિયાદી પાસે ઑડિયો ક્લિપ પણ મોજુદ-જેમાં એ ધમકી આપી રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી રોડ પર રહેતાં રમેશભાઈ જાદવ નામના વ્યક્તિએ જમીન ખરીદી હતી જેમાં ગેરકાયદે કબ્જો ધરાવતાં જયવીર ભોજક નામના શખ્સે રમેશ જાદવ અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની અરજી રમેશ જાદવે પોલીસ કમિશનરને કરી છે. આ અરજી અક્ષરશ: આ મુજબ છે. અમોના મોબાઈલ નં. 9265037424 કે જેમાં વ્હોટ્સએપ ચાલુ છે અને જેનોે અમો વ્હોટ્સએપ નંબર તરીકે ઉપયોગ કરીએ છીએ. સદરહુ અમોના વ્હોટ્સએપમાં સૌ પ્રથમ કોઈ અજાણ્યા શખ્સ જેના મોબાઈલ નં. 7600876763 દ્વારા વોઈસ કોલ ગત તા. 8-8-2024ના રોજ મધ્યરાત્રિના 3-50 કલાકે આવેલ અને અમો તથા અમોના કુટુંબના સભ્યો નિંદ્રામાં હોય તેથી તે દિવસે વ્હોટ્સએપ કોલ રિસીવ કરી શકેલ નહીં તેમજ ગત તા. 7-7-2024ના રોજ અમોના પત્નીનો જન્મ દિવસ હોય અને અમોએ તેમને વિશ કરતુ સ્ટેટસ અપલોડ કરેલ અને જે સ્ટેટસનો સ્ક્રિન શોટ પાડીને સદરહુ વ્હોટ્સએપ નંબર 7600876763માંથી અમોના વ્હોટ્સએપમાં અમોને મધ્યરાત્રિના 3-52 કલાકે મોકલેલ અને અમોને એવું લખેલ કે, ‘એલા આ તુ છો ને?’ એવું જોતાં અમો આશ્ર્ચર્યમાં પડી ગયેલ અને અમો ખૂબ જ ડરી ગયેલ કે મધ્યરાત્રિના આવી રીતે કોઈ ફોટો મોકલીને પૂછતું હશે અને અમો ખૂબ જ ભયભીત થઈ ગયેલ ત્યાર બાદ અમોના ફેસબૂક આઈ.ડી. રમેશ જાદવમાંથી અમોના જૂના ફોટોગ્રાફ લઈ અમોને મોકલેલ છે અને અમોને એવું પૂછેલ કે, ‘ક્યાંનો છો તું,’ એવું જોતાંની સાથે જ અમો ખૂબ જ ડરનો અનુભવ કરવા લાગેલ અને એમાં પણ મધ્યરાત્રિના ચાર વાગ્યાની આસપાસ આવી રીતે કોઈક અજાણ્યો માણસ જેને અમો ઓળખતા ન હોય તે અમારા ફોટા મૂકીને પૂછે તો અમો તથા અમારા પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયેલ અને ભયભીત થઈ ગયેલ અને અમોએ બીતા બીતા એમ લખેલ કે, કોન બોલને, પરંતુ તે સમયે બીકના માર્યા હળબળાટમાં કોનની જગ્યાએ જોન લખાઈ ગયેલ, આમ, અમો ખૂબ જ ડરી ગયેલ અને ડરના માર્યા અમો તથા અમોના પરિવારના સભ્યો સૂઈ શકેલ નહીં.
ત્યારબાદ આ કામના આરોપીના વ્હોટ્સએપ મોબાઈલ નં. 7600876763માંથી ફરી વહેલી સવારે 5-34 કલાકે વોઈસ કોલ આવેલ અને સદરહુ વોઈસ કોલ ઉપાડતાંની સાથે જ આ કામના આરોપી નંબરવાળાએ અમોને એમ કહેલ કે, ‘તું કોઈ મંત્રી છો, શેનો હોદ્દો છે તારી પાસે’ તેથી અમોએ તેમને પ્રત્યુત્તરમાં કહેલ કે અમો એક સામાન્ય માણસ છીએ એવું કહેતાંની સાથે જ આ કામના આરોપી દ્વારા અમોને એવી ધમકી આપવામાં આવેલ છે કે, ‘રાજકોટમાં ક્યાં રહે છે તુ, તને મારી નાખવાનો થાય છે,’ એવું સાંભળતાંની સાથે જ અમો ખૂબ જ ભયભીત થઈ ગયેલ, ડરી અને ગભરાઈ ગયેલ અને બીકના માર્યા બહાર નીકળતાં પણ બીક લાગે છે અને અમોને એવો ડર છે કે આ ધમકી સાચી પડશે તો અને અમોને ખરેખર આ અજાણ્યો શખ્સ મારી નાખશે તો? અને અમો તથા અમોના પત્ની, બાળકો, માતા-પિતા પણ ખૂબ જ ભયભીત થઈ ગયેલ છે અને કોઈક આવશે અને મારી નાખશે તેવો ડર લાગે છે. ઉપરોક્ત બાબતની ગત તા. 8-8-2024ના રોજ પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેરમાં અરજી કરેલ જે અરજી અન્વયે ભગવતીપરા પોલીસ ચોકી દ્વારા અમોને બોલાવેલ અને અમોને કહેલ કે તપાસ કરતા કોઈ મળી આવેલ નથી અને તેનો કોઈ સંપર્ક મળી આવતો નથી અને આવું તો ચાલ્યા કરે તેમાં કંઈ બીવાનું ન હોય અને વધારે મગજમાં લેવાનું ન હોય તેવું અમોને જણાવેલ અને નિવેદનમાં સહી લઈ અમોને છૂટા કરેલ.
- Advertisement -
ત્યાર બાદ ગત તા. 24-11-2024ના રોજ ફરી આ કામના સામાવાળાએ તેના વ્હોટ્સએપ નંબર 9377100007 માંથી અમોને એવો મેસેજ મોકલેલ કે, ‘ભાઈ મારી વાડીએથી વસ્તુ ગાયબ થઈ છે ભાઈ કોણ ચોરી કરીને વઈ ગયું મારી વાડીએ શું કામ આવ્યા હતા,’ તેના જવાબમાં અમોએ કહેલ કે ક્યારે ભાઈ, હું તમારી વાડીએ નથી આવ્યો, તેના પ્રત્યુત્તરમાં ફરી આ કામના આરોપીએ લખેલ કે, ‘સોનાની વસ્તુ છે હું કહું એટલે ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ સી.પી.સાહેબની ઓફિસે આવો.’ એવું કહેલ. પરંતુ અમો કોઈની વાડીએ ગયેલ નથી કે અમોએ કોઈનું કંઈ લીધું નથી તેથી અમોએ વધુ મનમાં ન લઈ ઓકે ભાઈ એમ કહી દીધેલ અને ત્યારથી ફરી આ કામના આરોપીએ અમોને ફોન કરવાના ચાલુ કરી દીધા અને અમોને વારંવાર ઉપરોક્ત દર્શાવ્યા મુજબના નંબર ઉપરથી ફોન કરીને હેરાન પરેશાન કર્યા કરે છે. વધુમાં તા. 25-11-2024ના રોજ મોબાઈલ નંબર 9929319495 ઉપરથી અમોને સાંજના સાતેક વાગ્યાની આસપાસ ફોન આવેલ અને અમોને ભુંડા બોલીને ગાળો આપવા લાગેલ અને મનફાવે તેમ બોલવા લાગેલ અને અમોને તથા અમોના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની અને છરીના ગોદા ઝીંકી દેવાની ધમકીઓ આપેલ છે તેમજ અમોને તથા અમોના પરિવારને ખૂબ જ ભુંડી ગાળો આપેલ છે.
તેમજ અમોની ખેતીની જમીન કે જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોજે ગામ બળધોઈમાં સર્વે નં. 191 પૈકી 1 જમીન એકર 5-27 ગુંઠાની આવેલ છે. તે જમીન અમોએ પ્રતાપભાઈ જગુભાઈ વાળા પાસેથી ખરીદ કરેલ છે અને એ રીતે અમોની આવેલ છે અને આ કામના આરોપીએ અમોને જે ઉપરોક્ત દર્શાવ્યા મુજબ મોબાઈલ નંબર 9929319495માંથી જે ફોન કરેલ અને તેમાં ભુંડા બોલી ગાળો આપેલ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ ત્યારે તેની સાથે અમોની જમીન કે જેમાં આ કામના સામાવાળાનો કબજો છે અને તેમણે કહેલ કે, તારી જમીન તે બારોબાર વેચી નાખી છે, જેમાં મારો કેટલાય વર્ષોથી કબજો છે, અને ખૂબ જ ભૂંડી ગાળો આપવા લાગેલ અને જાનથી મારી નાખવાની અને ખૂન કરી નાખવાની ધમકીઓ આપવા લાગેલ અને જે જમીનની વાત કરેલ તેના ઉપરથી અમોએ વધુ તપાસ કરતાં આ કામના આરોપી એટલે કે જયવીર ભોજકનું નામ જાણવા મળેલ છે અને ત્યાર બાદથી આજદિન સુધી અમોને સતત ફોન કરી હેરાન કર્યા કરે છે જે ફોન અમોએ ઉપાડેલ નથી.
જેથી સદરહુ ઉપરોક્ત ફરિયાદની તમામ હકીકતો ધ્યાને લઈ આ કામના આરોપીએ અમોને તથા અમોના પરિવારના સભ્યો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને અમોને તથા અમોના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે અને અમો તથા અમોના પરિવારના સભ્યોને જાનનું જોખમ હોય અને આ કામના આરોપી ગમે ત્યારે અમારા ઘરે ઘુસી અથવા ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી અમોને તથા અમોના પરિવારના સભ્યોને મારી નાખે તેવી પૂરેપૂરી દહેશત છે, જો મારી નાખે તો સાહેબ જવાબદારી કોની? વધુમાં આ કામના આરોપીની વાત ઉપરથી એવું જણાય આવે છે કે તેઓ ખૂબ જ માથાભારે શખ્સ અને ઝનૂની સ્વભાવના છે અને રાજકારણમાં મોટી વગ ધરાવતા હોય તેવું પણ તેમણે અગાઉ અમોને જણાવેલ છે તેથી આપ સાહેબશ્રીને આ કામના આરોપી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની લાગતી-વળગતી કલમો હેઠળ ગુનો નોંધી એફ.આઈ.આર. કરી કડકમાં કડક કાર્યવાહી કરવા અમોને આપસાહેબશ્રીને આ લેખિત ફરિયાદ છે.