ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ 2024 એ સળંગ સાતમાં વર્ષે એકજ જગ્યા પર થનારૂ વિશ્વનું એકમાત્ર એકસકલુઝીવ જૈનો માટે સમગ્ર નવરાત્રી દરમ્યાન થતા રાસોત્સવનું અદકેરૂ આયોજન છે. સમગ્ર વિશ્વનાં જૈનો દ્વારા જેની નોંધ લેવામાં આવી રહી છે તેવા જૈનમ નવરાત્રી મહોત્સવનાં આયોજનને પૂર્ણ ઓપ અપાઈ ગયો છે. આવતીકાલે રાત્રે 8:55 કલાકે પારિજાત પાર્ટી પ્લોટ, શીતલપાર્ક પાસે, 150 ફુટ રીંગ રોડ ખાતે એક રંગારંગ કાર્યક્રમ થકી આ રાસોત્સવનો સુભારંભ થવા જઈ રહયો છે. હવે પછીનાં 10 દિવસ સુધી જૈન સમાજનાં ખેલૈયાઓ માં જગદંબાની આરાધના સાથે ગરબે ઘુમશે. સમાજનાં અનેક શ્રેષ્ઠીઓ, આગેવાનો સમસ્ત જૈન સમાજ, ટીમ જૈનમ, સામાજીક રાજકીય અગ્રણી તેમજ ખેલૈયાઓની વિશાળ ઉપસ્થિતીમાં આવતીકાલે સાંજે રાસોત્સવનાં સ્થળ ખાતે ઢોલીના ઢોલ અને શરણાઈનાં સુરના સંગાથે રાસોત્સવનો શુભારંભ થવા જઈ રહયો છે. ઉદઘાટકો સર્વશ્રી દામીનીબેન કામદાર, મનીષભાઈ મદેકા (રોલેક્સ રીંગ્સ), જીતુભાઈ બેનાણી, જયભાઈ ખારા, મુકેશભાઈ દોશી, જનેશભાઈ અજમેરા, વિભાશભાઈ શેઠ, હિતેશભાઈ મહેતા, જુગલભાઈ દોશી, નિમેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, વિરભાઈ ખારા, જીગરભાઈ શેઠ, મનીષભાઈ કામાણી, આકાશભાઈ મહેતા, મયુરસિંહ જાડેજા, નિશાંતભાઈ વોરા, શૈલેષભાઈ માઉ, ઉમંગભાઈ ગોસલીયા સહિતનાં અગ્રણીઓનાં કરકમલો દ્વારા રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. સૌ પ્રથમ માં જગદંબાની આરતી કરી વાતાવરણને પવિત્ર અને ભકિતમય બનાવવામાં આવશે ત્યારબાદ વિશાળ ગ્રાઉન્ડમાં હાઈ-ફાઈ લાઈટીંગ સિસ્ટમ, લાખો વોટની સાઉન્ડ એન્ડ મ્યુઝીક એરેન્જમેન્ટ, સાજીંદાઓની મોટી ટીમ, ગાયક કલાકારોનાં સંગાથે આ રંગારંગ રાસોત્સવનો પ્રારંભ થશે.
- Advertisement -
જયારે નગારે પહેલો ઘા નખાશે ત્યારે ખેલૈયાઓ જુમી ઉઠશે. અનેકવિધ આંખે ઉડીને વળગે તેવી વ્યવસ્થા સાથેનાં આ રાસોત્સવમાં રમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવિધ થીમ, રંગબેરંગી વસ્ત્ર પરિધાન, સાફા, પાઘડી, ચુડી, બીદી, અવનવા આભુષણો, રંગબેરંગી ભાતીગળ છત્રીઓ, લાઈટીંગ વાળા ડ્રેસીસ, અવનવા ફેશનેબલ સાથે ભરતકામ કરેલા ટ્રેડીશનલ ડ્રેસીસથી રંગબેરંગી માહોલ રચાશે ત્યારે ખેલૈયા ઉપરાંત દર્શકો, મહેમાનો બધા આનંદથી જુમી ઉઠશે તેમાં બે મત નથી. પારિવારીક માહોલ અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે ખેલૈયાઓ મનમુકીને રમશે, રોજેરોજ અનેકવિધ ઈનામોની વણઝાર સાથે ખેલૈયાઓ એકબીજાથી ચડીયાતા રાસ દ્વારા પોતાનું કૌશલ્ય બતાવશે. આમ વિવિધરંગી આ રાસોત્સવ માણવા એ એક અનેરો લ્હાવો છે. મહિનાઓની ટીમ જૈનમનાં કમીટી મેમ્બરોની અથાગ મહેનત જયારે આયોજનનું રૂપ લઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ હર વર્ષ કરતા કઈક નવીનતાસભર અવશ્ય હશે. સમસ્ત રાજકોટનાં જૈન સમાજને આ રાસોત્સવમાં જોડાવવા જૈનમનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, જયેશભાઈ વસાએ અનુરોધ સહ હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે.