કલેક્ટર, SP અને વહીવટદારે રથ ખેંચી મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો, 7 દિવસ અંબાજી ધામમાં જામશે ભક્તિમય માહોલ
ખાસ-ખબર ન્યૂઝ અંબાજી
- Advertisement -
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની આજથી રંગચંગે શરૂઆત થઈ ગઈ છે. આજે ભાદરવા સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા મહામેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનો છે. ત્યારે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની મા અંબાનાં દર્શન કરી ધન્ય બન્યા હતા. ભાદરવા મહાકુંભ-2024નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહર પટેલ, SP અક્ષય રાજ મકવાણા તેમજ વહીવટદાર કૌશિક મોદીએ રથ ખેંચી અને નારિયેળ વધેરીને ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. દાંતા રોડ ખાતે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આગામી 7 દિવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જામશે. જેમાં લાખો માઈભક્તો દર્શન કરવા મા અંબાના ધામ આવશે.