આવનારા દિવસોમાં સ્થાનિકો દ્વારા ‘સુવિધા નહીં તો ટેકસ નહીં’ મુહિમ ચાલશે
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરના વોર્ડ નં. 5 અને 6 જ્યાં 35 થી 40 હજારની લોકોની વસ્તી છે અને લઘુમતી વિસ્તાર છે.જ્યાં અનેક સોસાયટીઓ આજે પણ પીવાના પાણીથી લઇને રોડ, રસ્તા અને સફાઇના અભાવથી વંચિત છે. ત્યારે અલીભાઈ કોલોની, કેરમાની સોસાયટી, બાગે રહેમત કોલોની, ગરીબ નવાઝ કોલોની, લક્કી કોલોની, અલ્હરમ કોલોની,ખોજા કોલોની, મુસ્તફા કોલોની વગેરે સોસાયટીના સ્થાનિકો ગંદિકી ,સ્ટ્રીટ લાઈટના અભાવ, ખુલ્લી ગટરો, સફાઈના અભાવ તેમજ પીવાના પાણીની લાઈન ન હોઈ તેનાથી ત્રાહિમામ પોકારી ગયા છે.દરેક 100 મીટરના અંતરે કચરાના ઢગલાઓ જમ્યા છે.ત્યારે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો અહીંના સ્થાનિક લોકો પોતાના વિસ્તારનો કચરો એકઠો કરી પાલિકાને સુપ્રત કરશે તેમજ જ્યાં સુધી સુવિધાઓ નહિ મળે ત્યાં સુધી ટેક્ષ નહિ ભરે તેવી ચીમકી ઉચ્ચારી છે.તાજેતરમાં ત્યાંના નગરસેવક અફઝલ પંજાએ પણ ગુજરાત મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત પણ કરી છે.ત્યારે આવનારા દિવસોમાં પાલિકા આ બાબતે શું કરશે તે જોવાનું રહ્યું !
તમામ વિસ્તારોમાં કચરાના ઢગલા છે.પાલિકા દ્વારા સફાઇ કામગીરી થતી નથી.ડોર ટુ ડોર વાન આવતું નથી.ઘણી રજૂઆતો કરી છે પરંતુ ઉકેલ આવતો નથી. છેલ્લા 25 થી વધુ વર્ષથી આ વિસ્તારમાં રહ્યુ છું એક તરફ સરકાર સફાઈ અભિયાનો ચલાવે છે તો શું અમારો વિસ્તાર પાલિકામાં આવતો નથી કે શું ? કારણકે અમને તો કોઈ સુવિધા મળતી નથી.છેલ્લા 5 વર્ષથી બાગે રહેમત કોલોનીમાં રહ્યુ છું. પ્રાથમિક સુવિધાઓ બાબતે ઘણી અરજીઓ કરી છે પરંતુ તેનો જવાબ પણ આવતો નથી.પાણીના ટેન્કર પણ 8 દિવસે આવે છે અને પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી.
વેરાવળ વોર્ડ 5 – 6માં આજે પણ નલ સે જલ યોજના પહોંચી નથી



