માણાવદર નગરપાલિકા તંત્ર પ્રજાના પ્રશ્ર્નોથી ખૂબ જ ઘેરાયેલી છે અને દિવસેને દિવસે લોકોના પ્રશ્ર્નો વધી રહ્યા છે ત્યારે વાત કરીએ તો માણાવદર નગરપાલિકાની શાકમાર્કેટ ગંદકીના ગંજથી છે પરંતુ પાલિકા તંત્રના શાસનાધિકારીઓનું પેટનું પાણી હલતું નથી શું પાલિકા તંત્ર જ રોગચાળાને આમંત્રણ આપતા હોય તેવું લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે ત્યારે નગરજનોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો પાલિકા તંત્ર દ્વારા કમ સે કમ પ્રાથમિક સુવિધા પૂરી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે. માણાવદર નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ગંદા પાણીથી લોકો પગ ન મૂકી શકે તેવી ગંદકી ખડબદે છે.
બગડેલા શાકભાજી નો પણ ઢગલા ની સફાઈ ન થવાથી શાક માર્કેટની અંદર શાકભાજી ખરીદવું પણ મુશ્કેલ બન્યું છે. સ્વચ્છ ભારતના અભિયાનના લીરેલીરા ઉડાડતું આ શાક માર્કેટ માણાવદર શહેરનો ઉત્તમ નમૂનો છે. આ અંગે શાક માર્કેટની અંદર શાકભાજી વેચનાર સુરેશભાઈ સોલંકી જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જોવા આવે છે પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. ઠેર – ઠેર ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે. આ અંગે વેપારી દીપક રાજાએ જણાવ્યું હતું કે ગંદકીથી નગરપાલિકા તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ કોઈ સુધી સફાઈ કરવામાં આવી નથી. જયારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર એમ.આર.ખીચડીયાએ જણાવ્યું હતું કે જે ગંદુ પાણી છે તેનો નિકાલ કરવામાં આવશે ઉપરાંત જે ગંદકી છે ત્યાં યોગ્ય સાફ-સફાઈ કરવાની સૂચના આપવામાં આવશે.