યંગ ઈન્ડિયા ગ્રુપ આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ભગતસિંહના જન્મદિવસને સંકલ્પ દિન તરીકે ઉજવાયો

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યંગ ઈન્ડિયા ગૃપ દ્વારા આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરી રાસ ગરબે રમવા આવતા ખેલૈયાઓ અને લોકો મળી કુલ 1700 જેટલા લોકોએ અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ લઈને શહીદ ભગતસિંહને વીરાજંલી આપી હતી.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહે દેશની આઝાદી માટે સંકલ્પ કરી દેશ માટે ફના થઈ ગયા હતા. આથી શહીદ ભગતસિંહના આવા દ્રઢ સંકલ્પને પ્રેરણા સમજી અકસ્માતમાં કે ઈમરજન્સી દર્દીઓને નવજીવન મળે તે માટે યુવાનો મૃત્યુ પછી દેહદાન અને અંગદાન માટે સંકલ્પ કરે એવા હેતુસર સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઈન્ડિયા ગ્રુપની પ્રેરણાથી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આવેલા ખેલૈયા અને અન્યોએ મળીને 1400 થી વધુ લોકોએ અંગદાન અને 300 થી વધુ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. શહીદ ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં 1700 થી વધુ લોકોએ અંગદાન અને દેહદાન કરીને ખરા અર્થે ભગતસિંહના કોઇપણ રીતે દેશસેવાના સંકલ્પ લેવા અન્યોને પ્રેરણા પુરી પાડી હતી તેમજ શહીદ ભગતસિંહ અને ભારતમાતાની આરતી કરીને વિરાંજલી અર્પણ
કરી હતી.