મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જિગીષાબહેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
નવજાત બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં જ 40 જેટલા ફ્રેક્ચર થયા. જન્મતાની સાથે જ જેને 40 ફ્રેક્ચર થયા હોય એ બાળક આગળ જતાં શું કરી શકે ? ડોક્ટરોને આ બાળકનું જીવન બહુ ટૂંકું અને ધૂંધળું લાગતું હતું. માતા-પિતાને દુ:ખ તો ખૂબ થયું પણ જેવી ભગવાનની ઇચ્છા એમ માનીને બાળક માટે પોતાનાથી જે થઈ શકે એ બધું જ કરી છૂટવાનો એમણે સંકલ્પ કર્યો.
બાળકની પરિસ્થિતિને જોતા ડોક્ટરોએ માતા-પિતાને સૂચના આપી કે આ છોકરાને છ માસ સુધી સ્પર્શ પણ નથી કરવાનો. ડોક્ટરની સૂચના પ્રમાણે બધી સારવાર ચાલી. મહિનાઓ પછી જનેતા બાળકને સ્પર્શી શકી. આ છોકરાનું નામ પાડયું સ્પર્શ શાહ.
- Advertisement -
વિશિષ્ટ રોગથી પીડાતા સ્પર્શ શાહના હાડકા બટકણા હતા. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ફ્રેક્ચરની સંખ્યા વધતી ગઈ. અત્યારે એ 15 વર્ષનો છે. આ 15 વર્ષમાં એને બીજા 100 જેટલા ફ્રેક્ચર થયા. તમે કલ્પના કરી શકો કે સ્પર્શ શાહ 15 વર્ષની ઉંમરે 140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહ્યો છે !
એના હાડકા એટલી હદે નબળા છે કે કોઈ જરા જોરથી એની સાથે હાથ મિલાવે તો પણ હાડકું ભાંગી જાય. પોતાના શરીરનું વજન પણ હાડકા સહન કરી શકતા નથી એટલે સતત વ્હીલ ચેર પર જ રહેવું પડે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત હારવાને બદલે સ્પર્શ શાહ સખત પુરુષાર્થ અને માતા-પિતાના સહકારથી સફળતાનાં પંથે એવો આગળ વધ્યો કે આજે એ હીરો બની ગયો છે.
- Advertisement -
સ્પર્શ ખૂબ સારો ગાયક છે. એ રેપ સોન્ગ દ્વારા યુવાનોના હૈયા ડોલાવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરીને એમાં પણ નિપુણતા મેળવી છે. લેખક પણ છે અને મોટિવેશનલ સ્પિકર પણ છે. આજ સુધીમાં એ 100થી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપી ચૂક્યો છે. 22 સપ્ટેમ્બર, 2019ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં સ્પર્શે ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું. સ્પર્શ અત્યારે લાખોની કમાણી કરે છે અને પોતાના પગ ઉપર ભલે ઉભો ના રહી શકતો હોય પણ પોતાના પગ પર જીવે છે. આ છોકરાએ બાળકોના કેન્સર માટે કામ કરતી પરોપકારી સંસ્થાઓ માટે જુદા જુદા પ્રોગ્રામ દ્વારા લગભગ 3.5 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરવામાં મદદ કરી છે.
સામાન્ય મુશ્કેલીઓમાં હાર સ્વીકારી લેતા લોકો માટે સ્પર્શ શાહ પ્રેરણાદીપ છે. વિકટ પરિસ્થિતિ સામે ઘૂંટણીયે પડવાને બદલે પરિસ્થિતિને જ પાડી દેનારા આવા વીરલાઓ આપણા સૌ માટે પ્રેરણાદીપ બનીને જીવનપથને ઉજાળે છે.