ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
રેલવે તંત્ર દ્વારા હંમેશા સોરઠને અન્યાય થઇ રહ્યો છે જેનું ઉદાહરણ ફરી જોવા મળ્યુ છે. પ્રયાગરાજ કુંભ મેળા માટે તા.રર ફેબ્રુઆરીના વેરાવળ-બનારસ ખાસ ટ્રેન શરૂ કરવા જાહેરાત કરી છે. જેનું ગઇકાલથી બુકીંગ શરૂ થયુ છે. જેના સમયપત્રકના વેરાવળથી આ ટ્રેન ઉપડયા બાદ સીધી રાજકોટ જ સ્ટોપ કરશે. કેશોદ, જૂનાગઢ જેવા શહેરમાં આ ટ્રેનને સ્ટોપ જ આપવામાં આવ્યો નથી.
આ અંગે જૂનાગઢના અમૃતભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે, ટ્રેનના સ્ટોપ માટે ડીઆરએમને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ ડીઆરએમએ સ્ટોપેજનો નિર્ણય રેલવે બોર્ડ કરે છે. એમ કહી હાથ ઉંચા કરી લીધા છે.
પ્રયાગરાજ કુંભ માટે સોરઠમાંથી મોટી સંખ્યામાં લોકો જશે છતા માત્ર એક જ ટ્રેન આપવામાં આવી છે અને તેમાંય જૂનાગઢ, કેશોદમાં સ્ટોપ આપવામાં આવ્યો નથી. ભૂતકાળમાં વેરાવળ-ઇન્દોર સહિત ટ્રેન શરૂ થઇ ત્યારે પણ આમ જ થયુ હતુ અને આંદોલન કર્યા બાદ સ્ટોપ આપવામાં આવ્યો હતો. આ ટ્રેનને સ્ટોપ આપવામાં નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.