દેશને લૂંટયો છે તેમણે બધું પાછું આપવું જ પડશે : મોદીની ગેરેન્ટી
આ ચૂંટણી વિકસિત ભારતને ત્રીજી આર્થિક મહાશક્તિ બનાવવા માટે છે, સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ટાપુ કોંગ્રેસે આપી દીધો
છેલ્લા 10 વર્ષમાં અશક્ય લાગતા કામ અમારી સરકારે કર્યા, અત્યારથી જ ત્રીજા કાર્યકાળની તૈયારીમાં લાગી ગયા
ખાસ-ખબર ન્યૂઝ મેરઠ, તા.01
- Advertisement -
ઉત્તર પ્રદેશના મેરઠમાં વડાપ્રધાન મોદીએ પહેલી ચૂંટણી જનસભાને સંબોધન કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ મેરઠથી જ ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું અમે છેલ્લા 10 વર્ષથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી લડાઈ લડી રહ્યા છીએ. તેઓ ભ્રષ્ટાચારીઓને બચાવવાની વાત કરી રહ્યા છે. પરંતુ જેમણે પણ દેશને લૂંટયો છે તેમણે બધું પાછું આપવું પડશે અને આ મોદીની ગેરેન્ટી છે. તેમણે ઉમેર્યું અમે આગામી સરકારના 100 દિવસના કામની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારત માતા કી જય, આપ સબ કો રામ-રામ, મેરઠની આ ધરતી ક્રાંતિ અને ક્રાંતિવીરોની ધરતી છે કહેવા સાથે પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, 2024ની ચૂંટણી માત્ર સરકાર કે સાંસદ બનાવવાની ચૂંટણી નથી. આ ચૂંટણી વિકસિત ભારત બનાવવા માટે છે. 2024નો જનાદેશ ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાશક્તિ બનાવશે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા 10 વર્ષથી અમે સુનિશ્ર્ચિત કર્યું છે કે ગરીબોના રૂપિયા કોઈ હડપ ના કરી જાય. તેથી જ 10 કરોડથી વધુ નકલી લાભાર્થીઓને હટાવાયા છે. આ રીતે અમે 3 લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા બચાવ્યા છે. તેમણે ઉમેર્યું કે, મોદી ગરીબોનું દુ:ખ, પીડા અને તકલીફો ખૂબ જ સારી રીતે જાણે છે. તેથી જ ગરીબો માટે એવી યોજનાઓ બનાવી કે જેથી તેમને લાભ થાય. ગરીબોને આજે રૂ. પાંચ લાખ સુધી મફત સારવાર, 80 કરોડ જરૂરિયાતમંદોને મફત રાશન મળી રહ્યા છે. જેમને કોઈ પૂછતું નહોતું તેમની મોદીએ પૂજા કરી છે.
મોદીનો મંત્ર છે ભ્રષ્ટાચાર હટાઓ. તેઓ કહે છે ભ્રષ્ટાચારી બચાઓ. આ ચૂંટણીમાં બે જૂથની લડાઈ છે. એક જે ભ્રષ્ટાચારને ખતમ કરવા માગે છે. બીજા જે ભ્રષ્ટાચારીઓને બચાવવા માગે છે. તેમણે જનતાને સવાલ કર્યો કે ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ કે નહીં. તેમણે ઉમેર્યું કે, વિપક્ષને લાગે છે કે ઈન્ડી ગઠબંધન બનાવી લેવાથી મોદી ડરી જશે, પરંતુ આખો ભાર મારો પરિવાર છે. મોટા મોટા ભ્રષ્ટાચારીઓ જેલના સળીયા પાછળ છે. સુપ્રીમ કોર્ટ પણ તેમને જામીન નથી આપી રહી. ઈડીએ જે સંપત્તિ જપ્ત કરી છે તેનો રેકોર્ડ મળે કે તે નાણાં આપના છે તો મોદી તે આપને અપાવીને જ રહેશે.
- Advertisement -
પીએમ મોદીએ કહ્યું કે, હું દેશને જણાવવા માગું છું કે કેવી રીતે કોંગ્રેસ અને ઈન્ડી અલાયન્સે દેશની અખંડતા અને એકતાને તોડી છે. ભારતના સમુદ્રી કિનારાથી થોડેક દૂર એક ટાપુ છે. આ ટાપુ સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણ દાયકા પહેલા જ કોંગ્રેસે કહી દીધું કે આ ટાપુ ભારતનું અંગ નથી. કોંગ્રેસના પાપના પરિણામે આ ટાપુ શ્રીલંકા પાસે જતો રહ્યો છે અને ડીએમકે જેવા સાથી પક્ષો મોં પર તાળુ મારીને બેઠા છે.તેમણે ઉમેર્યું કે, અમારી સરકાર અત્યારથી જ ત્રીજા કાર્યકાળની તૈયારીમાં લાગી ગઈ છે. અમે અત્યારથી જ આગામી પાંચ વર્ષનો રોડમેપ બનાવી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં અમે જે કામ કર્યું તે તમારી સામે છે. અમે વન રેન્ક-વન પેન્શન લાગુ કરવી, ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવો, જમ્મુ-કાશ્ર્મીરમાંથી કલમ 370 હટાવવી, લોકસભા-વિધાનસભામાં મહિલાઓને અનામત અપાવવા જેવા અશક્ય લાગતા કામો પૂરા કર્યા છે.