દેશભરમાં તિરૂપતી મંદિરના પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે લોકોમાં અનેક પ્રશ્ર્નો ઉદભવ્યા છે
ખાસ-ખબરની ટીમે સોમનાથમાં પ્રસાદગૃહની મુલાકાત લીધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે જેને પગલે સમગ્ર દેશમાં મંદિરોમાં જતા યાત્રિકો અને દર્શનાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે ત્યારે પ્રસાદ કંઈ રીતે બને છે , કઈ રીતે પેકિંગ થાય છે અને તે ખાવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો સામાન્ય રીતે યાત્રિકોને મૂંઝવે છે જેને લઇને આજરોજ અમારી ટીમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે પહોંચી હતી અને ત્યાં ક્યાં ક્યાં પ્રસાદ મળે છે અને તે કંઈ રીતે તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે તે જાણવાના પ્રયાસો કર્યો હતો.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના કહેવા મુજબ હાલ કુલ ચાર પ્રકારના પ્રસાદ તૈયાર થાય છે જેમાં ચૂરમા લાડુ, મગજ લાડુ, માવા ચીક્કી અને મોહનથાળ છે.લાડુ છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાતેજ તૈયાર કરવામાં આવે છે.જેમાં શુદ્ધતાની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખાસ્સો એવો ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી સર્ટિફિકેટ પણ ટ્રસ્ટ પાસે છે.ઉપરાંત ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ સિસ્ટમ મુજબ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓને સહેલાઈથી પ્રસાદ મળી રહે તે માટે મંદિર પરિસરની અંદર અને બહાર પ્રસાદઘર બનાવવામાં આવ્યા છે.જ્યાંથી શ્રદ્ધાળુ સરળતાથી પ્રસાદ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દાયકાઓ પહેલાં ચૂરમાં ના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવતો હતો પરંતુ મંદિરની લોકપ્રિયતા વધતા અને યાત્રાળુઓનો ઘસારો વધતા હવે અલગ અલગ પ્રકારના પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને વિતરણ કરાય છે.
ઊચ્ચ ગુણવત્તાની વસ્તુ, ઘી સારી કંપનીમાંથી સીધું મંગાવાય છે: મેનેજર
આ અંગે વાત કરતા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રસાદ બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે ઉચ્ચ ગુણવત્તાવળી હોઈ છે.ઘી પણ સારી કંપનીમાંથી સીધું મંગાવવામાં આવે છે.પ્રસાદ બનાવવાની પ્રક્રિયામાં પણ પુરે પૂરી સ્વચ્છતા જાળવવામાં આવે છે.ગ્લોવસ અને માસ્કનો કર્મચારીઓ ઉપયોગ કરે છે. વધુમાં વધુ ઓટોમેટિક સાધનોનો ઉપયોગ થાય છે જેથી ખૂબ ઓછા હાથ પ્રસાદને લાગે. FSSAI સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું છે અને સમયાંતરે ચેકીંગ હાથ ધરાય છે. શરૂઆતમાં લાડુનો જ પ્રસાદ હતો પરંતુ યાત્રિકોને ધ્યાનમાં રાખીને સમયાંતરે ચિક્કી જેવા પ્રસાદનો પણ ઉમેરો કરાયો છે.
- Advertisement -