સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
હે વૈદરાજ, હું તમને નમસ્કાર કરું છું. તમે તો યમરાજના ભાઈ છો. યમરાજ તો માત્ર પ્રાણ લઈ જાય છે જ્યારે તમે તો પ્રાણની સાથે ધન પણ લઈ જાઓ છો
- Advertisement -
– સંસ્કૃત સુભાષિત
(આની પહેલા આપણે જોયું કે શાપના લીધે યક્ષ પૃથ્વી પર આવી ચડે છે. તે જે ક્ધયાના પ્રેમમાં પડે એ દગાબાજ હોય છે એવી તેને જાણ થાય છે. ત્યાંથી આગળ…)
યક્ષ: હે પ્રભુ, તમે રચેલી સૃષ્ટિમાં આવાઆવા કર્મ થાય છે એ મને જ્ઞાત ન હતું. શામાટે મને અહી આવવાનો શ્રાપ મળ્યો?
- Advertisement -
ટીનો: એટલે ભાઈ તમે અહી આવવાની અને શ્રાપની વાતો કરો છો તો શું તમે કોઈ ઓલી ધાર્મિક સિરિયલમાં કામ કરતા? તમારી ભાષા સાંભળીને તો એવું લાગે છે
યક્ષ: (સ્વગત) આ મનુષ્યોને બધી વાતની માહિતી ન મળે એ જ મારા માટે હિતકર રહેશે. (ટીના અને જીગાને) હા હા મિત્રો, હું તમે કહી રહ્યા છો એવા એક સર્જનમાં યોગદાન આપુ છું
જીગો: ભાઈ તમે નવરા હોય તો ચાલો ને આયા ફરવા જઇએ. મારી પાસે મારું બાઈક છે. તમને મજા આવશે.
યક્ષ: હા અહી બધા એ દ્વિચક્રી વાહનનો ઉપયોગ કરે છે. પણ મને એ નથી સમજાતું કે અહી અમુક બાંધવો પોતાના મસ્તક પર એક પ્રકારનું મુકુટ પહેરે છે જ્યારે અમુક નહિ. તેનું શું કારણ?
ટીનો: તેને મુકુટ નહિ હેલ્મેટ કહેવાય અને આ બધા જે તેને પહેરે છે તે સલામતી માટે નહિ પણ પોલીસના દંડથી બચવા પહેરે છે
જીગો: ભેરુ, આપને જ્યાં જાઈ છે ત્યાં એવી કોઈ લો નથી એટલે આપણે હાલશે
(યક્ષ જીગા ભેગો બાઈક પર બેસે છે. તે ત્રણેય ત્યાંથી નીકળે છે. રસ્તામાં તેઓ એક જગ્યાએ બાઈકને થોભાવે છે. અને યક્ષને ઉતારવા માટે કહે છે. યક્ષ ત્યાં ઊભો અને બાકીના બે એક દુકાને જઈને આવે છે.)
જીગો: જુઓ ભેરુ, આ લ્યો થોડી લગાવો. મોજુ પડશે. (હથેળીમાં કૈક ભૂકી જેવું મૂકીને યક્ષને ધરે છે.)
યક્ષ: આ શું છે મિત્ર? આ નાના શા કણો અને તેની આસપાસ કંઈ ચૂર્ણ જેવું! કોઈ ઔષધી હોય તો તમને જ્ઞાત થાય કે હું પૂર્ણતયા સ્વસ્થ છું. મને તેની આવશ્યકતા નથી
ટીનો: ઔષધી? હા દવાને? ના ઈ નથી. તમે જરાક મોઢામાં મૂકીને જોવો. અને યાર સમજાય એવું બોલો ને! તમે સિરિયલના સેટ પર નથી
યક્ષ: (તે પદાર્થ મમળાવી ને) ઓહ, આ શું છે? આ મારી રસનામાં બળતરા ઉત્પન્ન કરે છે. મારા ઓષ્ઠમાં પણ થોડી બળતર થાય છે
જીગો: એ માલિક, એ તમે ગળે ઉતરી જાવ
યક્ષ: તમે કહો તે યોગ્ય જ હશે. (તે પદાર્થ ગળે ઉતારીને)
હે પ્રભુ, હે વિષ્ણુ આ શું હતું? મને એક ક્ષણમાં ત્રણેય ભુવનના દર્શન થવા લાગ્યા. મિત્ર, મને તમારી ત્રણ ચાર પ્રતિકૃતિઓ ભાસવા લાગી છે. આ તમે મને શેનું સેવન કરાવ્યું છે?
જીગો: અરે ભૂરા, આ તો ખાલી એકસો પાંત્રીસનો માવો હતો. તમે ફાકી નથી ખાતા? (ક્રમશ:)
પૂર્ણાહુતિ:
યક્ષ: પ્રાણીઓમાં કયુ પ્રાણી શ્રેષ્ઠ છે?
યુધિષ્ઠીર: જે મનુષ્યોને પોતાના નિવાસની જાણ ન થવા દે એ